ચરોતર પંથકમાં આજે ઉમરેઠ શહેર ખાતે મેઘધનુષ્ય જોવા મળ્યું હતું. જેનો લ્હાવો ઉમેરઠવાસીઓએ મન ભરીને લીધો હતો. અનેક લોકોઓ પોતાના કેમેરામાં આ અનોખો નજારો કેદ કર્યો હતો. જેના અમુક ફોટા અહીં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
જોકે આ અલ્પ સમય માટે દેખાતા મેઘધનુષ્ય પાસેથી શીખવા માટે ઘણું છે. તે દેખાવમાં કેટલું ભવ્ય છે. આ સાથે, મનને વિશાળતા પ્રદાન કરે તેવું તેનું એક આંતરિક મહત્વ પણ છે. વિવિધ પ્રકારના સાત રંગોના સુમેળથી તે બને છે. જે તેને મનોહર તેમજ વિલક્ષણ બનાવે છે. આ જ પ્રમાણે વિવિધ ધર્મો, વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે રહેલા બાહ્ય ભેદભાવનો સ્વીકાર કરી, તેની કદર કરવાની ક્ષમતા આપણે કેળવવી જોઇએ. મનુષ્યત્વ અને માનવત્વને પ્રાથમિક મહત્વ આપી, સાથે મળીને આપણે આગળ વધવાનું છે. બાહ્ય ભેદભાવથી પર, મનુષ્ય અને સંસારને પરસ્પર બાંધતી, આત્મશક્તિમાં વિશ્વાસ દ્વારા જ આ ઐક્ય શક્ય છે. ફક્ત થોડી ક્ષણો માટે મેઘધનુષ્ય આકાશમાં પ્રત્યક્ષ થાય છે. તેમ છતાં, તે થોડી ક્ષણોમાં પણ તે બીજાને આનંદ આપે છે. મેઘધનુષ્યના આધારમાં આ તત્વ રહેલું છે. અનંત આકાશમાં, થોડી ક્ષણો માટે પ્રકટ થતા મેઘધનુષ્યની જેમ, અનંત એવા સમયના ગાળામાં મનુષ્ય આયુષ્ય પણ તુચ્છ છે.
રિતેષ પટેલ, રાકેશ પંચાલ

.jpg)