ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત થવાની સાથે મેઘમહેર જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ગુજરાતના મોટાભાગના પંથકોમાં વરસાદ ગાયબ થઈ ગયો હતો અને તેની જગ્યાએ બફારાએ પોતાનું સ્થાન જમાવી દીધું હતું. જૂન મહિનાની શરૂઆતે વરસાદ આવી જતાં ખેડૂતોની પકવેલી બાજરીને ઘણું નુકસાન થવા પામ્યું હતું. જેથી ખેડૂતો ડાંગરનું વાવતેર માટે રાહ જોઈને બેઠા હતા. જેની શુભ શરૂઆત આજે ચોથી જુલાઈના રોજ જોવા મળી છે. ત્રીજી જૂલાઈની રાત્રિથી મેઘરાજાની પધરામણી ફરીથી અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. સવારથી જેની અસર ગુજરાતભરના પંથકોમાં જોવા મળી છે.
અમદાવાદમાં મોડી રાત્રિથી વરસાદ શરૂ થતાં ભારે મુશ્કેલી પડી રહી છે. વેજલપુર જેવા વિસ્તારોમાં ગટરનું પાણી વરસાદી પાણી સાથે ભળી જવા પામ્યું છે. જોકે વેજલપુર દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. સ્થાનીય લોકો રોષે ભરાયા છે. તેમનું કહેવું છેકે વરસાદી પાણીના િનિકાલ માટે યોગ્ય નિકાલ નથી તેમજ ગટરનું પાણી ઉભરાય આવ્યું છે.
પંચમહાલના હડફ ડેમ ખાતે એલર્ટ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. મેઘરાજાનું આગમન થતાં નોકરીયાતો અને વિધાર્થીઓને સવારથી ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ગુજરાતના સમગ્ર પંથકમાં ઓછામાં ઓછો એક ઈંચ વરસાદ નોંધાય છે અને વધુમાં વધુ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. ખેડૂતો ડાંગરની ખેતીમાં પરોવાય ગયા છે.
