મોંઘવારીને ડામવામાં નિષ્ફળ ગયેલી સરકાર આંકડાઓની રાજરમત રમીને પ્રજાને સરકારી લાભથી વંચિત રાખવાની રમત રમી રહી છે. તેનો તાજો દાખલો જોવા મળ્યો જ્યારે દેશમાંથી 17 કરોડ ગરીબો રાતોરાત સરકારી ચોપડેથી ગાયબ થઈ ગયા. છેલ્લા દાયકામાં સરકારે અનેક ગરીબોને સરકારી ચોપડેથી મોટાપાયે ગાયબ કરી દીધાં છે. તો મોંઘવારીને રોકવા માટે નિષ્ફળ ગયેલી સરકારે ગરીબી રેખાની સતત નીચે લાવીને ચોપડે ઈતિહાસ લખવાની નાકામ કોશિશ કરી રહી છે. આયોજન પંચે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા ધનાઢય રાજયોની ગરીબી રેખાનુ સ્તર રાષ્ટ્રીય સરેરાશથી ઘણુ ઉંચુ રાખ્યુ છે. બિહારમાં ગામડા માટે ગરીબી રેખાનું સ્તર માત્ર રૂ.૭૭૮ અને શહેર માટે ૯ર૩ નક્કી કરાયુ છે. યુપી માટે તે અનુક્રમે રૂ.૮૮૦ અને રૂ.૯૩૭ નક્કી કરાયુ છે. આ બંને રાજયોમાં ગરીબી રેખાનું સ્તર રાષ્ટ્રીય સરેરાશથી ઘણુ ઓછુ છે.
જો તમે ગામડામાં રોજના 27.20 પૈસા અને શહેરમાં રોજના 33.30 પૈસાથી વધુ કમાઈ રહ્યા છો તો તમે ગરીબ નથી. અને તમને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે. પરંતુ ગ્રામીણ વિસ્તારનું કડવું સત્ય અલગ છે. વર્તમાન સમયમાં મનરેગામાં મહિનામાં દસ દિવસ કામ કરનારો વ્યક્તિ પણ ગરીબી રેખાની વટાવી શકે તેવી પરિસ્થિતિમાં છે પરંતુ મનરેગાની દસ દિવસની આવકથી તેના પરિવારનું ભરપોષણ કરવું શક્ય નથી. માત્ર સરકારી કાગળ પર ગરીબો હટાવીને સરકાર શું સાબિત કરવા માંગે છે.
ગ્રામીણ પ્રજાને સરકારી આંકડાઓમાં કોઈ રસ નથી તેમને સરકારી લાભો મળે તેમાં રસ હોય છે. સૌથી મોટી મુશ્કેલી એપીએલ અને બીપીએલ કાર્ડધારકોને થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં જે લોકોની આવક દૈનિક 28 રૂપિયાથી વધારે હોય છે તેમના રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલ થઈ જાય છે. જે કારણોસર તેમને કેરોસીન સિવાય કશું જ મળતું નથી. ગરીબીના આંકડા બદલાઈ જવાથી સૌથી મોટી અસર આ ગ્રામીણ તેમજ શહેરી પ્રજાને થાય છે. જેમના રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલ થઈ જાય છે. જેથી તેમને મળતું સસ્તું અનાજ બંધ થઈ જાય છે.
તેમને તે પણ ખબર પડતી નથી કે તેમનું રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલ કેમ થઈ ગયું . અને જ્યારે સરકારી દુકાનદાર તેમને અનાજ આપવાનું બંધ કરી દે છે ત્યારે પણ ખબર નથી પડતી કે તેમની સાથે શું રાજરમત રમાઈ ગઈ છે.મોટાભાગના લોકો પાસે પહેલા બીપીએલ કાર્ડ હતાં જેથી તેમને સસ્તું અનાજ મળતું હતું. પરંતુ તેમનાં કાર્ડ બીપીએલમાંથી એપીએલ થઈ જતાં સરકારી દુકાનદારો આ નવા કાર્ડ પ્રમાણે માત્ર કેરોસીન જ આપે છે જ્યારે સસ્તું અનાજ આપવાનું બંધ કરી દે છે.
અન્ય માહિતી
ગુજરાતમાં એ વ્યકિતને ગરીબ માનવામાં આવશે જેનો ગામડામાં મહિનાનો ખર્ચ રૂ.૯૩ર અને શહેરોમાં રૂ.૧૧પરથી ઓછો છે. જ્યારે અન્ય રાજ્યો પર નજર કરીએ તો આ આકંડાઓ નીચે પ્રમાણે છે.
રાજય | ગામ | શહેર |
યુપી | ૮૮૦ | ૧૦૮ર |
બિહાર | ૭૭૮ | ૯૩ર |
દિલ્હી | ૧૧૪પ | ૧૧૩૪ |
ઝારખંડ | ૭૪૮ | ૯૭૪ |
ઉત્તરાખંડ | ૮૮૦ | ૧૦૮ર |
કયારે કેટલી ગરીબી રેખા
વર્ષ | ગામ | શહેર |
૨૦૧૧-૧ર | ૮૧૬ | ૧૦૦૦ |
૨૦૦૯-૧૦ | ૬૭૨.૮ | ૮૫૯.૬ |
૨૦૦૪-૦૫ | ૪૪૬.૬૮ | ૫૭૮.૮૦ |
રાકેશ પંચાલ
