વસોની સ્થાપના સંવત 1224માં થયાનું કહવાયે છે. વસોની પ્રશ્ચિમ દિશાએ તે જમાનામાં સિંહાનગર નામે સમૃદ્ધ ગામ હતું. આજે પણ આ ગામ મોજૂદ છે જે સિહોલડીના નામે હયાત છે. આ સિંહાનગરમાં ઘાંચી અને પટવાઓની વસ્તી મોટા પ્રમાણમાં હતી. અને સિંહાનગરમાં પટવાઓનું વર્ચસ્વ હતું. આ કોમાની સાથે પાટીદારોનું એક કાંઝા કુટુંબનો પણ વસવાટ હતો. સિંહાનગરના કાળા કાંઝા પરિવારની પુત્રીને નજીકના ઊંઢેળા ગામના રૂઢજી પટેલ સાથે લગ્ન થયાં હતા. અને આ ઊંઢેળાના રૂઢજી પટેલના પુત્રોમાંના એક વાચ્છા પટેલ મોસાળમાં રહેવા આવ્યાં. અને તેમણે સિંહાનગરની પૂર્વે આવેલા વસુંધરા માતાજીના મંદિર નજીક પોતનો સ્વંતત્ર વસવાટ કરી નવું ગામ વસાવ્યું અને તે વસો ગામ તરીકે ઓળખાયું.
સિંહાનગરની પડતી વખતે આ કાંઝા કુટુંબના કેટલાક સભ્યો વસો અને કાશીમાં વસ્યા હતાં. કાંઝા કુટુંબના ભાણેજ અને ઊંઢેળાના વતની વાચ્છા પટેલના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રોનો પરિવાર મોટો થયો અને તેમાંનાં કટેલાક વસો છોડી દૂર-દૂરના પ્રદેશોમાં નંદરબાર, સોરઠ, ઉત્તર ગુજરાત અને માળવા તરફ વળ્યાં હતાં. વાચ્છા પટેલના વારસોમાં જે વસોમાં રહ્યાં તેમાં મહાપ્રતાપી રામજીએ વસોની જાહોજલાલીમાં મોટો ફાળો આપ્યો છે. રામજીએ મોગલ બાદશાહ હુમાયુંને ચાંપાનેરની ચડાઈમાં ઘણી મદદ કરી હતી. જેથી ખુશ થઈને હુમાયું બાદશાહે રામજીના આંમત્રણનો સ્વીકાર કરીને થોડા દિવસ માટે વસોના મહેમાન બન્યાં હતાં.
રામજીના બે પુત્રો લાલજી અને અજુ હતાં. રામજીના આ બન્ને પુત્રો મહાપ્રતાપી અને શૂરવીર હતાં. પરંતુ રામજી સ્વભાવે ઉદાર અને દાની તેમજ ધાર્મિક વૃતિના હોવાના કારણે લાલજી ન છૂટકે જ લડાઈઓમાં ભાગ લેતા હતાં. ઈડર રાજ્યની ખંડણી જ્યારે પાટણે અટકાવી હતી. ત્યારે ખંડણીની વસૂલાત કરવા માટે ઈડરના લશ્કરે લાલજીના નેતૃત્વ હેઠળ પાટણ ઉપર ચડાઈ કરી હતી. લાલજી મોટે ભાગે ન્યાય પક્ષે જ ઊભા રહ્યાં છે. અને આ કારણે મોગલ બાદશાહોને લાલાજી કરતાં અજુની મદદ વધારે વિશ્વાસપાત્ર લાગતી અને જેથી મોગલ બાદશાહો અજુની મદદ વધારે લેતા હતાં. વસોમાં પટવાઓનું જોર વિશેષ હતું. પટેલ અને પટવાઓની વચ્ચે અવારનવાર તોફાનો પણ થતાં હતાં. જેથી પટેલ અને પટવાઓની વચ્ચે ભયનું વાતાવરણ રહેતુ હતું . આ વિકટ પરિસ્થીતિનો અંત લાવવા માટે અજુ અને તેમની માતા અકબર બાદશાહ પાસે મદદ માટે દિલ્લી ગયા હતાં. અને ત્યાર બાદ બાદશાહ અકબર અને અજુ વચ્ચેના સંબંધ બંધાયો. દિવસે દિવસે અકબર અને અજુ એકબીજાની નજીક આવતા ગયા. અજુએ અકબર બાદશાહની અનેકવાર મદદ કરી હતી જેથી અકબર બાદશાહે ખુશ થઈને અજુને અમીનનો ખિતાબ આપવાની સાથે નવ હાથી, તેર ગામ અને રૂપિયા ત્રેવીસ હજારનું વર્ષાસન બાંધી આપ્યું હતું. દિવસે દિવસે અજુની સમૃદ્ધિ અને કિર્તિ વઘતાં ગયા અને અજુએ ઈડરના ભીલોને વશ કરી ત્યાં પણ સત્તા જમાવી હતી.
અજુએ આઠ વખત લગ્ન કર્યા હતાં તેમ છંતા સંતાન સુખ માટે તરસી રહ્યો હતો અને અંતે દરિયાઈ પીરની કૃપાથી તેને બે પુત્રો પ્રાગદાસ અને કાશીદાસ હતાં. જ્યારે દાનીવર અને ધાર્મિક પ્રવૃતિનો સ્વભાવ ઘરાવતા લાલજીને એક પુત્ર નરસીદાસ હતો. અજુના બે પુત્રોમાં કાશીદાસ પ્રાગદાસ કરતાં વધુ પરાક્રમી હતો. જેથી પ્રાગદાસને પોતાના ઓરમાનભાઈ કાશીદાસથી ભય રહેતો હતો. જેથી તેઓ મોટે ભાગે સાવલી રહેતા હતાં. જ્યારે અજુના ભાઈ લાલજીનો પુત્ર નરસીદાસ ઉદાર અને પરાક્રમી તેમજ ધાર્મિક હતો. વસોની જાગીર ઉપર હક્ક જમાવી રાખવા માટે અજુના ભાઈ લાલજીએ અજુના પુત્ર પ્રાગદાસને પોતાની પાસે રાખ્યા હતાં. અને આ કારણથી લાલજીના પુત્ર નરસીદાસનો ભોગ લેવાયો હતો.
લાલજીના કુટુંબમાં નરસીદાસના એકના એક પુત્ર ગણેશજીને ત્યાં સાત પુત્રો થયા હતાં. અને તેમનો પરિવાર આજે પણ લાલજીભાઈના કુટુંબ તરીકે ઓળખાય છે. જ્યારે અજુના પુત્ર પ્રાગદાસે બે વખત લગ્ન કર્યા હતાં. જ્યારે અજુના બીજા પુત્ર કાશીદાસને એક પુત્ર ભવાનીદાસ અને દિકરી ઊવાંરસદ હતી.સંવત 1747માં કાશીદાસના પુત્ર ભવાનીદાસનો સ્વર્ગવાસ થયો હતો. ત્યાર બાદ ભવાનીદાસના પુત્ર વણારસીદાસે પાટીદારોનું બાર ગામનું બંધારણ બાંધવામાં આગેવાની કરી હતી. કાશીદાસના પુત્ર ભવાનીદાસે 1799માં દેહત્યાગ કર્યો હતો. ભવાનીદાસને બે પુત્રો વેણીભાઈ અને બાજીભાઈ હતાં. વેણીભાઈનું મોસાળ પલાણા અને બાજીભાઈનું મોસાળ સુણાવ હતું.
વણારસીદાસના પુત્રો વેણીભાઈ અને બાજીભાઈ આ બન્ને ઓરમાઈ ભાઈઓ હતાં. જેમનો મરાઠાઓ સાથેનો સંબંધ દિનપ્રતિદિન ગાઢ બન્યો હતો.અને જેના પરિણામે મરાઠાઓના પક્ષે તેમને પણ ઘણી લડાઈઓ લડવાના પ્રસંગ બન્યા હતા. આવી લડાઈઓના પરિણામે વેણીભાઈ જેવા બાહોશ લડવૈયા અને સાહિત્યરસિક વીરપુરૂષ દુશ્મનોના પ્રપંચનો ભોગ બની મોતને ભેટ્યાં હતાં. આ ઉપરાંત ભવાનીદાસને બે દિકરીઓ હતી.આ બન્ને દિકરીઓના લગ્ન નવ બંધારણ મુજબ તેર ગામ પૈકી સોજીત્રામાં કર્યા હતાં.
વણારસીદાસના બન્ને પુત્રો બાજીભાઈ અને વેણીભાઈ શૂરવીર હતાં. વેણીભાઈની શૂરવીરતા અને હોંશિયારી આગળ બાજીભાઈના શૌર્ય અને કૌશલ્ય ઢંકાયેલા રહ્યાં છે. વેણીભાઈનો દત્તક પુત્ર જેસંગભાઈ ફોઈની સાથે પુનામાં રહેતો હતો. જેણે 1817થી 1827 સુધી પેટલાદ પરગણાનો વહીવટ સંભાળ્યો હતો.અને 1847માં માનાજીરાવ ગાયકવાડની સુચનાથી સીંધીને હાથે ખુન થયું હતું. હિન્દી ગ્રંથ વીર વિનોદમાં મોગલ બાદશાહ શાહજહાંના 491 સરદારની યાદી આપી છે. તેમાં 373 પાન ઉપર વસોના પૂર્વજ કાશીદાસનું નામ 300માં નંબરે છે.આ સાથે સરદારના ખિતાબ સાથે જે મોભો આપવામાં આવ્યો હતો. તેનું વર્ણન પણ છે.કાશીદાસના વારસોમાં એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ દેસાઈભાઈ રામદાસ હતાં. જેઓ પોત લશ્કર રાખી કાઠી દરબારો પાસેથી ખંડણી વસૂલ કરતા હતાં.
દેસાઈભાઈના પુત્ર જોરાભાઈ બખ્તર પહેરનાર છેલ્લો પાટીદાર હતો. જેઓ સંવત 1875ના ચૈત્ર સુદી પાંચમને બુધવારના રોજ દેવલોક પામ્યા હતાં. દેસાઈભાઈની ઉત્તમ કામગીરી બદલ તેમને સાવલી તાલુકાનું જાવલા ગામ ઈનામમાં મળ્યું હતું. આમ દેસાઈભાઈ ગુજરાત-કાઠિયાવાડના દેસાઈ, પેટલાદ તાલુકાના અમીન, જાવલાના ઈનામદાર અને કાઠિયાવાડના દરબાર બન્યાં હતાં. અને તે તેમની પેઢીના દરબાર ગોપાળદાસ સુધી વારસામાં ચાલતું આવ્યું.
સને 1920થી 1945 સુધીમાં ભારતની મુક્તિ માટે લોકજાગૃતિ આવી ત્યારે પૂર્વેજોના મહાન ભોગ પછી પ્રાપ્ત કરેલી જાગીર અને મોભાનો ત્યાગ કરી દરબાર ગોપાળદાસ અહિંસક યુધ્ધમાં જોડાઈ ગયાં.જેમાં લોહિયાળ યુદ્ધોમાં જીતેલા ગામ અને ઈનામ અહિંસક યુધ્ધમાં હોમી દીધાં. આમ ગુજરાતમાંથી મોગલ સલ્તનતને ખતમ અને મરાઠાઓને નોતરવામાં વસોની આગેવાની રહી હતી તેમ તેમના વારસોએ પણ બ્રિટીશ સલ્તનતને ઉથલાવવામાં તેમજ વડોદરા રાજ્યના વિલીનીકરણમાં પણ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડનાર દેશના કસાયેલા રાજનીતિજ્ઞોમાં શ્રી દરબાર સાહેબ પણ હતાં.આમ વસોએ ઐતિહાસિક વ્યક્તિઓ આપીને શૂરવીરતાથી ભરેલા ઈતિહાસનું સર્જન કર્યું છે.
રાકેશ પંચાલ

.jpg)






