પોસ્ટર બાબતે એસ.પી નેતાનો વિરોધ
દેશમાં ચૂંટણી નજીક આવે તેમ તેમ ગરીબો, વિકાસ અને ધર્મ, જાતિની યાદ આવે છે. હિન્દુત્વની વાત આવે ત્યારે દેશ બે ભાગે વહેચાયેલો જણાય છે. અનેક મહિનાથી હિન્દુ રાષ્ટ્રવાદી શબ્દના કારણે રાજનીતિ ગરમાઈ જવા પામી છે. મુંબઈમાં જૂલાઈ મહિનામાં નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ જોવા મળી રહ્યાં છે. જેમાં મોદીને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે દર્શાવામાં આવે છે અને તે બાબતે સવિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જેથી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દે મોદી પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરતો પત્ર ચૂંટણી પંચને લખ્યો છે.
આઝમીએ પત્રમાં લખ્યું છે કે ‘હું હિન્દુ રાષ્ટ્રવાદી છું, હું દેશભક્ત છું, હું જન્મે હિન્દુ છું' એવું લખાણ દર્શાવતા મોદીના પોસ્ટરો દેશમાં કોમી લાગણીને ભડકાવનારા છે.ઉલ્લેખનીય છે કે મોદી વિશે આ પ્રકારના લખાણો અને તસવીર દર્શાવતા પોસ્ટરો ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ એડવોકેટ આશિષ શેલાર દ્વારા મૂકવામાં આવ્યા હતા.
વર્ષો જૂની સમસ્યાઓ પ્રજા એકસરખી રીતે ભોગવી રહી છે. તેમાં અસહ્ય મોંઘવારી અને દેશની નબળી આર્થિક સ્થિતિ ચિંતાનો વિષય બની જવા પામી છે. તેવી પરિસ્થિતિમાં દેશની રાજનીતિ ફરી પાછી જૂના મુદ્દાઓ અને રંગે રંગાઈ રહી છે. દરેક ચૂંટણી વખતે રાજકીય પક્ષ પોત પોતાનું હુકમ નુ પત્તું રમવાની ગણતરીમાં હોય છે. ભાજપ માટે રામ અને કોંગ્રેસ માટે ગરીબીનો દાવ હારને જીતમાં ફેરવી આપે તેવા પત્તાં છે .તેવી પરિસ્થિતિમાં કોઈ પણ પાર્ટી એકબીજા પત્તાં છોડવા માંગતી નથી. લોકજાગૃતિ જોઈને માત્ર રંગ અને ઢંગ બદલાઈ જાય છે પરંતુ પત્તાં તો જુના જ હોય છે. બસ માત્ર કહેવા કહેવામાં ફેર હોય છે. દેશની રાજનીતિમાંથી ધર્મ અને જાતિને બાકાત કરી દેવામાં આવે તો સમાજનો આર્થિક તેમજ સામાજિક રીતે કેટલો મજબૂત થયો તે પ્રશ્ન રહી જાય છે . ભવિષ્યની વાતો દરેક રાજકીય પક્ષ કરે છે પરંતુ જ્યારે સત્તામાં બેસી જાય છે તેમનો જાહેર કરાયેલો ચૂંટણી ઢંઢેરો ખોટો સાબિત થાય છે.
મારી કલમ....
ભાગલા પાડોને રાજ કરોની નીતિ દેશને ગુલામીમાંથી મળી છે અને તે સંસ્કાર પ્રજામાં પેઢી દર પેઢી વારસામાં મળતાં રહ્યાં છે. પોતાના ધર્મ અ્ને જાતિ પ્રત્યે ગર્વ હોવો જરૂરી છે પરંતુ તેમાં પણ સર્વોપરી રાષ્ટ્રગર્વ છે. જોકે ભારતીય રાજનીતિએ ધર્મ અને જાતિનો પાયાને ક્યારેય નબળો પડવા દીધો નથી. વિકાસની રાજનીતિનું આગમન ભારતીય રાજનીતિમાં થયું છે અને પ્રજાએ તેનો સ્વીકાર પણ કર્યો છે. તેમ છતાં ધર્મ અને જાતિ આધારિત વોટબેંક પર દરેક રાજકીય પક્ષની નજર હોય છે કદાચ તેમને વિકાસની રાજનીતિ પર પૂર્ણ ભરોસો થયો નથી. જે દિવસ કામ કરીને વોટ માંગવાની આદત ભારતીય રાજનેતાઓને થશે ત્યારે ખરેખર ભારતીય રાજનીતિ સફેદ પહેરવેશ જેવી પવિત્ર બનશે અને ત્યારે દેશ વર્ષોની ગુલામીમાંથી મુક્ત બનશે અને પ્રજા પૂર્ણ સ્વતંત્રતાને પામશે.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી વખતેના ફોટાઓ પર એક નજર કરો...
રાકેશ પંચાલ

