www.GraminPatrika.com: શાંતિની શોધ, હરિની નગરી Blogger Widgets

શાંતિની શોધ, હરિની નગરી

 જીવને મોક્ષ આપતી અનોખી નગરી
ઉત્તરાખંડમાં આવેલ મોક્ષદાયિની નગરીને બે નામથી ઓળખાય છે એક નામ હરદ્રાર જે શિવભક્તો વાપરે છે અને બીજુ નામ છે હરિદ્રાર જે વિષ્ણુભક્તો વાપરે છે.  આ સ્થળ હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે. ઈશ્વરના દ્રાર સમાન આ નગરી સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત પૈકીની આ એક મોક્ષદાયિની નગરી છે જ્યાંથી ગંગા નદી હરદ્રાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જેથી તેને ગંગાદ્રારથી પણ ઓળખવામાં આવે છે. ગંગા નદી પહાડોમાંથી 253 કિલોમીટરની સફર ખેડીને હરદ્રારમાં પ્રવેશ કરે છે. આ નગરી સમુદ્રની સપાટીથી 3139 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે આ નગરી સ્વર્ગ સમાન છે. પૌરાણિક કથાઓમાં હરિદ્રારનો ઉલ્લેખ અનેક પ્રકારે થયો છે. જેમાં આ નગરીને કપિલસ્થાન, ગંગાદ્રાર તેમ જ માયાપુરી તરીકે ઓળખ મળી છે. ચારધામ યાત્રાનું પ્રવેશદ્રાર હરિદ્રાર છે. ઉત્તરાખંડમાં ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી આવેલા છે.

 પૌરાણિક દ્રષ્ટ્રિથી જોઈએ તો, મહાભારતના બાણપર્વમાં જ્યારે ધૌમ્ય ઋષિ રાજા યુધિષ્ઠિરને ભારતના તીર્થસ્થળો વિશે જણાવે છે ત્યારે એમાં ગંગાદ્રાર તરીકે ઓળખાતા હરદ્રારનો ઉલ્લેખ કર્યો છે. કપિલ ઋષિનો આશ્રમ આ નગરીમાં હતો. જેથી આ નગરી કપિલસ્થાન તરીકે ઓળખ પામેલ છે. ભગવાન શ્રીરામના પૂર્વજ અને સૂર્યવંશી રાજા સગરના પ્રપોત્ર રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર અને કપિલ ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે ગંગાજીને સતયુગમાં પૃથ્વી પર લાવ્યા હતા. જેથી હજૂ પણ કરોડો હિન્દુ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગા નદીમાં એમની ચિતાની રાખ વિસર્જિત કરે છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ એક પત્થર પર પોતાના પદ ચિન્હોની છાપ  હરકી પૈડીમાં એક ઉપરી દિવાલ પર સ્થાપિત કરી છે જે જગ્યાને ગંગાજી નિત્ય પાવન કરતી રહે છે. 
હિન્દુ ધર્મમાં કુંભ મેળાનું સવિશેષ મહત્વ રહેલું છે. પૌરાણિક કથા અનુસાર, દેવો અને દાનવો સમુદ્રમંથન વખતે છેલ્લે મળી આવેલા અમૃતકુંભ માટે ખેંચતાણ કરી રહ્યા હતા. જેમાં ઈન્દ્રનો પુત્ર જયંત દાનવોના હાથે  અમૃતકુંભ ન આવી જાય તે માટે અમૃતકુંભ લઈને ભાગ્યો હતો. જે દરમ્યાન અમૃતકુંભ લેવાની ખેંચાખેચમાં કુંભમાંથી અમૃતના બિંદુઓ અમુક સ્થાન પર પડ્યાં હતા. જે સ્થાનો પર અમૃત બિંદુ પડ્યાં હતાં તે ચાર નગરીઓમાં દર બાર વર્ષે મહાકુંભ મેળાનું આયોજન થાય છે. આ ઉપરાંત દર ત્રણ વર્ષે હરિદ્રાર, પ્રયાગ, ઉજ્જૈન, નાસિકમાં પણ કુંભ મેળાનું આયોજન થાય છે. જે ચાર મહિના સુધી  ચાલે છે. જેમાં દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ આવે છે. પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. દર બાર વર્ષે યોજાનારા મહાકુંભ મેળો વર્ષ 2013માં અલ્હાબાદ પૂર્ણ થઈ ગયો છે.  હવે હરિદ્રાર ખાતે વર્ષ 2022માં મહાકુંભ મેળાનું આયોજન થશે. જે વખતે ફરી સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ જોવા મળશે.







રાકેશ પંચાલ