www.GraminPatrika.com: દેશની સૌથી પ્રાચીન પરંપરા Blogger Widgets

દેશની સૌથી પ્રાચીન પરંપરા

વર્ષો જૂની અષાઢી તોલવાની પ્રક્રિયા
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં સ્ટેશન રોડ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ અષાઢી વદ એકમના રોજ સવારે ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી હતી. અષાઢી એટલે અંગ્રેજોના સમયના એરવર્ડ સિક્કાના વજન જેટલા ધાન્યો મગ,જુવાર, ડાંગર, ઘઉં, તલ, અળદ,કપાસ, ચણા,બાજરી અને માટી તોલીને મહાદેવના શિવલીંગ ઉપરના એક ચમત્કારી ગોખમાં સરકારી અધિકારીઓ, ચોકસી, અનાજના વહેપારીઓ અને પંચની હાજરીમાં મુકવામાં આવે છે અને ત્યાર બાદ આ ચમત્કારી ગોખને સીલ મારી દેવામાં આવે છે. બીજે દિવસે સૌ કોઈની હાજરીમાં આ સીલ દુર કરી મુકેલા ધાન્યોને ફરી તોલવામાં આવે છે.જ્યારે વજનમાં થતા ફેરફારને અષાઢી કહેવામાં આવે છે.આ અષાઢી ઉપરથી ખેડૂતો પોતે કયો પાક કરવો તેનો નિર્ણય કરે છે.

સિલ્ક સીટીના હુલામણા નામથી જાણીતા ઉમરેઠના ચંદ્રમૌલીશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે આજે અષાઢી વદ એકમના દિવસે ઉમરેઠના પ્રતિષ્ઠીત વહેપારી દિલીપભાઈ સોનીએ અષાઢીમાં જોખાતા ધાન્યોના વજનમાં વધગટ જોવા મળી હતી,  જેના આધારે ઉમરેઠ પંથકના ખેડૂતોએ પોતે કયા ધાન્યોની ખેતી કરવી તેનો અંદાજ લીધો હતો.  સંવત 2068ની સરખામણીમાં ચાલુ વર્ષે ધાન્યોમાં મગ 4 વધારે, જૂવાર 10 વધારે, ઘઊં 5 વધારે, અડદ 1 વધારે જોખાયા હતા જેથી આવનારા દિવસોમાં આ કઠોડ વધારે થશે તેવો વર્તારો આવ્યો હતો. જ્યારે ગત વર્ષની સરખામણીમાં ડાંગર અને બાજરી ઓછી થતા તેનો પાક ઓછો થશે તેવો ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો. જ્યારે માટી પણ સાધારણ ઓછી જણાતા વરસાદ ઓછો થશે તેવી માન્યતા બંધાઈ છે. ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાયેલ અષાઢીના સમયે નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ, ખેડૂતો તેમજ સ્થાનિકો સહીત મંદિરના પુજારી હાજર રહ્યા હતા.

ઉમરેઠ શહેર એટલે પ્રાચીન નગરી અમરાવતી નગરી. આદિ-અનાદિ કાળથી ઉમરેઠ શહેરમાં અકલ્પય એવા પુરાતન પ્રસિધ્ધ મંદિરો બનેલા છે.ઐતિહાસિક અષાઢી સમગ્ર ભારતમાં એકમાત્ર આણંદ જિલ્લાના છોટે કાશી તરીકે ઓળખાતા ઉમરેઠમાં તોલવામાં આવે છે. તેનો ઈતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. જેમાનું સુપ્રસિધ્ધ મંદિર શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર છે. જે સંવત 1112માં સિધ્ધરાજ જયસિંહની માતા મીનાદેવીએ બંધાવેલું છે. જેનો જીર્ણોધ્ધાર સંવત 1781માં ગાયકવાડના સુબાએ કરાવ્યો હતો. એટલે કે 281 વર્ષ પુરાણા આ મંદિરની પ્રથા કંઈક વિશ્વમાં અલગતા દર્શાવે છે. આ પ્રથા વિશ્વમાં ફક્ત બે જ જગ્યાએ કાશી અને ઉમરેઠમાં જોવા મળતી હતી. જેમાં હાલ કાશીમાં આ પ્રથા બંધ કરવામાં આવી છે. આ અષાઢી અષાઢ સુદ પુનમના દિવસે પ્રજા સમક્ષ અનાજ, કઠોળ, માટી જેવા અનેક તત્વો જેમ 10 વસ્તુઓ એક-એક તોલો જોખીને કોરા સફેદ કાપડમાં જુદી-જુદી પોટલીવાળીને માટીના કોરા ઘડામાં મુકવામાં આવે છે અને તેને પંચની સાક્ષીએ આ ઘડો મંદિરના ગોખમાં મુકી તાળુ મારવામાં આવે છે. તે જ પંચ સમક્ષ બીજે દિવસે અષાઢ વદ એકમના રોજ સવારે પંચના હાથે તાળુ ખોલાવવામાં આવે છે અને દરેક ધાન પ્રજા સમક્ષ ફરીથી જોખવામાં આવે છે અને તે વજનમાં કુદરતી ફેરફારો જોવા મળે છે. વર્ષ દરમ્યાન જે વસ્તુ ઓછી-વધતી જોવા મળતા તેનું વાર્ષિક તારણ કાઢવામાં આવે છે.

આ તારણ પરથી વેપારી તથા ખેડૂતો કયો પાક વધારે કરવો અને કયા પાકનો વેપાર વધુ કરવો તેનું નક્કી તારણ કરતા હોય છે કે જેથી કરી નુકસાન ન થાય. ઉમરેઠમાં તોલાતી અષાઢીને લીધે આજુ-બાજુના ગામડાના લોકો સવારથી જ મહાદેવ પહોંચી જાય છે. આશરે 200 વર્ષથી આ વિધિ થતી હોવાથી લોકો તેને અનુસરે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા પણ ખેડૂતો માટે અષાઢીનું મહત્વ ખુબજ હોય છે. કેટલાય ખેડુતો અને ગંજના વહેપારીઓ અષાઢીની વિગત જાણવા ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પત્રો લખતા હોય છે જેનો જવાબ પણ મંદિરના પુજારી ઘ્વારા આપવાની પરંપરા આજે પણ યથાવત્ છે.

રાકેશ પંચાલ, રિતેષ પટેલ,