www.GraminPatrika.com: અલગ અલગ પેઢીના બે ભારતીય રત્નો Blogger Widgets

અલગ અલગ પેઢીના બે ભારતીય રત્નો

અલગ અલગ પેઢીના ખ્યાતનામ ખેલાડીઓ
ભારત રત્ન એવોર્ડ  વર્ષ 1954થી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 41 લોકો ભારત રત્ન એવોર્ડ મેળવ્યો છે.  ભારત રત્ન એવોર્ડ પહેલા કળા, સાહિત્ય, વિજ્ઞાન અને લોકસેવા સાથે સંકળાયેલ વ્યક્તિત્વને આપવામાં આવતો હતો, પરંતુ ખેલકૂદ સાથે સંકળાયેલ ખેલાડીને ભારત રત્ન માટે ધ્યાને લેવામાં આવતા ન હતાં. વર્ષ 2011માં ભારત રત્ન આપવા માટેના પાત્રતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ખેલકૂદ જગત સાથે સંકળાયેલ ખેલાડીઓને ભારત રત્ન માટે પાત્રતા આપવામાં આવી હતી.  તે વખતે ચર્ચાઈ રહ્યું હતું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને દેશનું સર્વોચ્ચ સન્માન મળે તે હેતુથી ભારત રત્નની પાત્રતા યોગ્યતામાં નીતિ વિષયક ફેરફારો થયા છે. જે વખતે   ભારત રત્નની શ્રેણીને વિસ્તારવા માટે ગૃહ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ મુકેલો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો હતો. રમત-ગમત મંત્રાલયે કરેલી દરખાસ્ત બાદ આ નિયમમાં ફેરફાર કર્યો હતો.


ઉલ્લેખનીય છેકે ભારતે જ્યારે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિનને ભારત રત્ન આપવા માટેની માંગ તેજ બની હતી. મેજર ધ્યાનચંદ ત્યારે હોકી રમતા હતા જ્યારે ભારત અંગ્રેજાના હાથે ગુલામ હતો. તે વખતે ભારત બે વ્યક્તિઓથી ઓળખાતો હતો. એક મહાત્મા ગાંધી અને બીજા મેજર ધ્યાનચંદ . જ્યારે વર્તમાન સમયમાં આધુનિક્તાએ માસ્ટર બ્લાસ્ટર સચિનને ઘરે ઘરે પહોંચતા કર્યા છે. વર્ષ 2009માં 41મો ભારત રત્ન એવોર્ડ શાસ્ત્રીય ગાયક ભીમસેન જોષીને આપવામાં આવ્યો હતો. હવે  નવા નિયમ અનુસાર કોઇપણ ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન આપનારી વ્યક્તિને ભારત રત્નથી સન્માનિત કરી શકાશે જેમાં ખેલકૂદનો સમાવેશ થયો છે. જેથી એક પેઢીમાં ખેલકૂદનો પાયો બનાવનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ તો બીજી તરફ આધુનિક પેઢીના ક્રિક્રેટ જગતના ભગવાન સચિન આમને-સામને આવી ગયા છે.
જોકે ખેલ મંત્રાલયએ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના નામની ભલામણ કરી છે. જેથી હવે ચર્ચાઓ વધારે પ્રમાણમાં વધી ગઈ છે. પહેલા લાગી રહ્યું હતું ભારત રત્ન વગર કોઈ વિવાદે સચિનના હાથે આપી દેવામાં આવશે. પરંતુ અચાનક ખેલ મંત્રાલય દ્રારા મેજર ધ્યાનચંદના નામન  ભલામણ થતાં ભારત રત્ન કોને મળશે તે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે.
ભારત રત્ન આપવાની પ્રક્રિયા પર નજર કરીએ તો , પીએમઓ જાતે જ નામનો પસંદગી કરે છે ત્યાર બાદ આ નામોની યાદી  રાષ્ટ્રપતિને મોકલાય છે.  આ પ્રક્રિયામાં કોઈ ઔપચારિક ભલામણી જરૂરિયાત નથી. કોઈ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ નામની પસંદ થઈ શકે છે . ભારત રત્ન મેળવનારને પ્રશિસ્ત પત્ર અને મેડલ મળે છે. વિદેશીઓને પણ આ ભારત રત્ન મળી શકે છે. અત્યાર સુધીમાં બે વિદેશીઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે.
જે ખેલાડીઓના નામ ચર્ચાઈ રહ્યા છે. તેમની પર નજર કરીએ તો,
માસ્ટર બ્લાસ્ટર અને ક્રિક્રેટના ભગવાન તરીકે ઓળખ પામેલા સચિનને અત્યાર સુધીમાં વર્ષ 1999માં પદ્મશ્રી, વર્ષ 2008માં પદ્મ વિભૂષણ, તેમજ અગાઉના વર્ષોમાં વર્ષ 1997-98માં સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર  તેમજ વર્ષ 1994માં અર્જુન એવોર્ડ મળેલ છે.
હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને 1956માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.હોકીના જાદૂગર તરીકે ખ્યાતિ પામેલા મેજર ધ્યાનચંદે ત્રણ ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો હતો અને જેમાંથી બેમાં તેઓ સુકાની રહ્યા હતાં. ભારતને એમસ્ટરડમમાં વર્ષ 1928માં, લોસ એન્જલસમાં વર્ષ 1932માં, બર્લિનમાં 1936માં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મેજર ધ્યાનચંદે ઈન્ટરનેશનલ હોકીમાં એક હજારથી વધારે ગોલ કરી છે. પદ્મવિભૂષણ એવોર્ડ હાંસલ કરનારા એક માત્ર હોકી ખેલાડી છે. જોકે મહાન ક્રિક્રેટર ડોન બ્રેડમને એડિલેડમાં ધ્યાનચંદને રમતા જોયા હતા. અને તે વખતે તેમણે કહ્યું હતું કે ક્રિક્રેટર રન ફટકારે તે રીતે ધ્યાનચંદ હોકીમાં હોલ નોંધાવે છે. વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ઇન્ડિયા આર્મીમાં મેજર હોવા છતાં જર્મન શાસક એડોલ્ફ હિટલરે ધ્યાનચંદને જર્મન નાગરિકત્વની ઓફર કરી હતી જે ધ્યાનચંદે ફગાવી દીધી હતી. દેશનો ખેલ દિવસ( ૨૯ ઓગસ્ટ) ધ્યાનચંદના જન્મદિને જ મનાવવામાં આવે છે.
વર્ષ 1954માં પ્રથમ ભારત રત્ન  ચંદ્રશેખર વેંકટ રમણ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લે 2009માં ભારત રત્નથી ભીમસેન જોશીને નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2011માં 82 સાસંદોએ મેજર ધ્યાનચંદ માટે ભારત રત્નની ભલામણ કરી  હતી.
ખેલકૂદના જાણકારોના મતે મેજર ધ્યાનચંદે હોકીના માધ્યમથી ભારતને વિશ્વકક્ષાએ ઓળખ આપી હતી. હોકીથી ભારતીની ઓળખ થવા પામી હતી. જોકે ખેલકૂદના તજજ્ઞો માને છે કે ભારત રત્નની વાત આવે ત્યારે ધ્યાનચંદથી યોગ્ય કોઈ નથી. ખેલાડી ધ્યાનચંદ અને સચિન પોતપોતાની પેઢીના હિરો છે. અને તેમને માસ અપીલ મળી છે, પરંતુ ખેલજગતમાં પહેલી વખત કોઈને આ વખતે ભારત રત્ન મળી રહ્યો છે તો ભારત રત્ન હોકી ખેલાડી ધ્યાનચંદને આપવો યોગ્ય રહેશે.
     રાકેશ પંચાલ