ચરોતરમાંથી પસાર થતા નેશનલ હાઈવેને સિક્સ લેન પ્રોજેક્ટ અંતર્ગત પહોળા કરવામાં આવી રહ્યાં છે. જોકે અમુક જગ્યાએ ડાયવર્ઝન વિચિત્ર પ્રકારે આપવામાં આવ્યા છે. જે જોખમી પુરવાર સાબિત થઈ રહ્યાં છે. નડિયાદ તાલુકાના ડભાણ ચોકડી પાસે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે સર્જાયેલા અકસ્માતોમાં બે લોકોનો મોત અને પંદર વ્યક્તિઓને ઈજા થવા પામી છે.
સ્થાનીય નાગરિકોના જણાવ્યા અનુસાર, ડભાણ ચોકડી અમદાવાદ, વડોદરા, નડિયાદ અને કમળા રોડને જોડે છે. જેનાં કારણે ચોવીસ કલાક નાના-મોટા વાહનોની અવર-જવર રહેતી હોય છે. વાહનોથી ધમધમતો હોવા છતાં ચોકડીને જોડતાં રોડ પર બમ્પ પણ મુકવામાં આવ્યા નથી. તે ઉપરાંત સિક્સ લેનના કામકાજ દરમ્યાન ડભાણ ચોકડી પાસે લોખંડની પ્લેટની આડસો મુકીને કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ચરોતરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેના છઠ્ઠા માઈલ, ડભાણ બસ સ્ટેન્ડ, ડભાણ ચોકડી, પીપલગ ચોકડી, ગુતાલ ચોકડી, નરસંડા ચોકડી પાસેના ડાયવર્ઝન ખતરનાક છે. ડાયવર્ઝન પાસે માત્ર એક સિગ્નલ લાઈટ મૂકવામાં આવી છે. જેથી વાહનચાલકો ડાયવર્ઝન પાસે આવે ત્યારે જ ડાયવર્ઝનની જાણ થાય છે. જેથી વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે જે કારણોસર વાહનચાલક કાબૂ ગુમાવી દે છે અને અકસ્માતની શક્યતા વધતી જાય છે.
રોજિંદા અવરજવર કરનારા લોકોના મતે ડભાણ ચોકડી પાસે સિક્સ લેન ડાયવર્ઝન ખત્તરનાક છે. આ ડાયવર્ઝનના કારણે રાત્રિના સમયે સામેથી આવતાં વાહનો દેખાતાં નથી. તંત્ર દ્રારા ચોકડીને જોડતાં રોડ પર બમ્પ મૂકવામાં આવે તો જરૂરી છે. સિક્સ લેનના કામકાજ દરમ્યાન સ્થાનીય લોકોને સર્વિસ રોડ આપવામાં આવે તો ટ્રાફિકનું નિયમન અને સલામત્તી વધારી શકાય તેમ છે.
રાકેશ પંચાલ, સિદ્ધાંત મહંત રિપોર્ટ, નડિયાદ


.jpg)