ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે દાયકાઓથી ટ્રાફિક સમસ્યામાં સતત વધી રહી છે. વર્તમાન સમય નડિયાદ શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે. નડિયાદના મુખ્ય રસ્તાઓ બારમાસ અવ્યવસ્થિત પાર્કિગ તેમજ સંતરામ રોડ જેવા મુખ્યમાર્ગ પર લારીઓવાળા તેમજ રીક્ષાઓનો જમાવડો લાગે છે. જેને કારણે રાત્રિ દરમ્યાન મોટા દેખાતા રસ્તા દિવસ દરમ્યાન નાના બની જાય છે. જ્યારે જ્યારે નડિયાદમાં પોલીસતંત્ર સક્રિય બને છે ત્યારે થોડા સમય માટે નડિયાદવાસીઓ પાર્કિગ યોગ્ય ઠેકાણે કરવાની જહેમત ઉઠાવે છે, પરંતુ તંત્ર થોડું નરમ વલણ અપનાવે તુંરત જ ઠેર-ઠેર અયોગ્ય પાર્કિગ તેમજ રીક્ષાઓની સાથે લારીઓવાળાઓ પોતાની મનમરજી મુજબ ગોઠવાય જાય છે.
જો કે કેટલાય સમયથી નડિયાદના મુખ્યમાર્ગ એવા સંતરામ રોડ પર ટ્રાફિક હરહંમેશ રહેવા પામે છે. સંતરામ રોડ શહેરનું મુખ્ય શાક માર્કેટ તેમજ દુકાનો આવેલી છે. આણંદ તેમજ નડિયાદ કોલેજ રોડ તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર ટ્રાફિક વધારે પ્રમાણમાં રહેતો હોય છે. આ રોડ પર આણંદ તેમજ કોલેજ રોડ તરફ જવા માટે પેસેન્જર ઓટો તેમજ કામકાજ અર્થે આવેલા નાગરિકોના વાહનો પાર્ક થતા હોય છે. પરંતુ પાર્કિગની યોગ્ય સુવિધા ન હોવાના કારણે લોકોને જેમ-તેમ પાર્કિગ કરવાની સમસ્યા પડતી હોય છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી.
નડિયાદની ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો નડિયાદના મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ સાંકડી ગલી જેવા છે. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાતી લોકો સંતરામ રોડ જેવા મુખ્યમાર્ગની બન્ને સાઈડ પર પાર્કિગ કરીને જતા રહે છે. તેની સામે લારીઓવાળા માટે પોતાની રોજીરોટી કમાવા માટે આ મુખ્ય બજાર છે. જેથી આ બાબતનો યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે. જે માટે નવી સુવિધાઓ ઉભી કરવાની જરૂરિયાત છે તેમ છતાં તંત્ર આ બાબતે સજાગતા દાખવતી નથી તેમ નાગરિકો જણાવી રહ્યાં છે.
