www.GraminPatrika.com: ગ્રામીણ ક્ષેત્રની ચાટ સિસ્ટમ અલુપ્ત Blogger Widgets

ગ્રામીણ ક્ષેત્રની ચાટ સિસ્ટમ અલુપ્ત

ગ્રામીણ સંસ્કૃતિમાં ફળિયા , શેરીમાં ચાટ જેવી જગ્યાનું વિશેષ મહત્વ હતું. ચાટ એક એવી જગ્યા કે જ્યાં  બિલાડા, ગાય જેવા નાના -મોટા  પશુઓ માટે ઘરમાં વધેલું  ભોજન રાખવામાં આવે. બપોર અને સાંજનું ભોજન જમ્યા બાદ જે ખોરાક વધે તે આ ચાટમાં ફળિયા કે શેરીના લોકો આ ચાટમાં નાંખી દેતા. જે  કૂતરા, બિલાડા અને ગાય જેવા ઘરેલું પ્રાણીઓ રોજ નિયમિત સમયે આવી પહોંચે અને પોતાનું પેટ ભરવામાં સરળતા રહેતી હતી.


વર્તમાન સમયમાં ગ્રામીણ ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ ફળિયા કે શેરીની બહાર ચાટ જોવા મળે છે. આજની પેઢીને આ શબ્દ પણ નવો લાગે છે. જોકે સામાન્યપણે વર્તમાન સમયમાં શહેર કે ગ્રામીણ ક્ષેત્રમાં ગાય, કૂતરા જેવા પ્રાણીઓને પોતાના હાથે જ લોકો ખવડાવે છે. જોકે ગ્રામીણ ક્ષેત્રમાં ફળિયા અને શેરીઓમાં રખડતાં જનવરોને શોધવા મુશ્કેલ નથી તે સામાન્યપણે મળી જાય છે. પરંતુ શહેરોમાં આવેલી સોસાયટીઓમાં ચોક્કસ સમયે મળવા મુશ્કેલ છે. 

વર્તમાન સમયમાં  શહેરની કોઈ સોસાયટી કે ગામના ફળિયા કે શેરીમાં ચાટનું અસ્તિત્વ અપવાદ સ્વરૂપે હોઈ શકે, પરંતુ મોટાભાગે મુંગા જાનવરોને ઉપયોગી થનારી આ ચાટની સવલત જોવા મળતી નથી.

મોર્ડન સમયમાં ઘરની બાલ્કનીમાં પાણી માટે રેડીમેડ મળતી કૂંડી લટકતી જોવા મળી શકે પરંતુ તે પક્ષીઓ અને પાણી પુરતી સિમિત છે. ગ્રામીણ ક્ષેત્રમાં વડીલો આ ચાટનું ખાસ ધ્યાન રાખતા હતા. જો ચાટ તુટી ગઈને અન્ન જો બહાર ફેલાતું હોય તો વડીલો આ ચાટને સિમેન્ટ કે પત્થરો મુકીને ઠીક કરી દેવામાં વિલંબ કરતા ન હતા. ઉપરાંત જો ચાટ ખાલી હોય તો તુરંત જ તેમાં પાણી મુકી દે જેથી તરસ્યા પ્રાણીઓ પાણી મળી શકે. 

ફળિયા કે શેરીમાં રોજ નિયત સમયે ફરતાં જાનવરો પણ ચાટની જગ્યાથી વાકેફ રહેતા અને યોગ્ય સમયે પહોંચી જાય. પરંતુ જો બે કૂતરા કે બે ગાય અથવા વિરોધાભાસી જાનવર એક જ સમયે ચાટની સામે આવી જાય તો ચોક્કસ ફળિયા અને શેરીનું વાતાવરણ પલભર માટે ગરમ કરી દે. આ પણ એક મજા હતી. પરંતુ આજની પેઢીને આ સમજાશે નહીં. 

હજૂ પણ જાનવરોને વધેલું અન્ન લોકો ખવડાવતા હશે પરંતુ રીત બદલાઈ છે. હજૂ પણ કેટલીક સેવાભાવી સંસ્થા છે જે આ ચાટનું વિતરણ વિનામુલ્યે કરે છે. અને લોકો હોશેહોશે લઈ પણ લે છે. પરંતુ તેવા ફળિયા અને શેરી તેવા ખુણા રહ્યાં નથી. જે આ ચાટના ભારને જીલી શકે. 

જે ખુણામાં ચાટ રાખવામાં આવે તેને નિયમિતપણે પાણીથી સાફ કરવી પડે અને નહીં તો દુર્ગધ આખાંય ફળિયા કે શેરીમાં ફેલાઈ જાય .

મારા ફળિયામાં વર્ષો જૂની ચાટની જગ્યા હતી. ત્યાં એક ડોશી રહેતા હતા. તેમના ઘરના ખુણે ફળિયાની ચાટ રહેતી. તે ડોશી મરી ગયા. અને તેમનો દીકરો ડોક્ટર હતો. જોકે તે બહાર રહેતો હતો. અને તેમની માતાના અવસાન બાદ તેમણે ચાટ કાઢવા અનોખો ઉપાય કર્યો. તેમણે ચાટની જગ્યાએ કપડાં ધોવાની  ચોકડી બનાવી દીધી. હવે ફળિયામાં બીજો એવો કોઈ ખુણો નથી જે આ ચાટનો ભાર જીલી શકે. આ તો એક ઉદાહરણ છે. 

વર્તમાન સમયમાં બની રહેલા મકાનમાં કમ્પાઉન્ડ સિસ્ટમ આવી ગઈ છે. જ્યારે જુના મકાનોમાં ઓટલા સિસ્ટમ હતી. તમે આજથી પચ્ચાસ વર્ષથી જૂના મકાનો જોશો તો તમને ઓટલો ચોક્કસ જોવા મળશે. વર્તમાન સમયમાં આ જૂના મકાનો તોડીને નવા મકાનો બને છે ત્યારે આ આટલો ઘરની અંદર લઈ લેવામાં આવે છે. તેવી જ રીતે જુના મકાનોમાં અલગથી ચાટની જગ્યા રાખવામાં આવતી હતી. જ્યારે વર્તમાન સમયમાં બજારમાંથી તૈયાર પ્લાસ્ટીકનું ડસ્ટબીન લાવામાં આવે છે. જેમાં રોજિંદો કચરો તેમજ અન્ન પણ ઠાલવામાં આવે છે અને સવારે કચરો ભેગા કરવા આવે તે ગાડીમાં ઠાલવી દેવામાં આવે છે. અને આ સારી રીત છે કોઈને ખબર પણ ન પડે કે આપણે કેટલો અન્નનો બગાડ કરીએ છીએ. 

પરંતુ ચાટ સિસ્ટમમાં આ પ્રમાણ તમે ઢાકી ન શકો. જો તમે રોજ અધમણનો વધલો ખોરાક નાંખો તો પડોશીની  ડોશી તરત જ બોલો અલી, પેલી તો અધમણ બનાવે છે અને વધેલું ચાટમાં નાખે છે ...જો આ ચાટ કેવી છલોછલ થઈ ગઈ છે. સાફ કરવી પડશે. અને ત્યાં પતે નહીં. વહુંની સીધી ફરિયાદ સાસુ જોડે જાય અને સાસુ તેની વહુંને બોલ, જોઈને રાધો...આખા ફળિયાનું રાધવાનું નથી. 

જોકે તે સમયે સરકારી ગાડી ઘરે ઘરે કચરો લેવા આવતી ન હતી જેથી વધેલા અન્નનો સદ્દઉપયોગ થાય તે હેતુથી ચાટ સિસ્ટમનો જન્મ થયો હશે. તે સમયે લોકો પાસે એકબીજા સાથે વાત કરવાનો સમય હતો. પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિત બદલાઈ છે. અને એટલે જ આપણે ચાટ સહિત ઘરના ઓટલા પણ કેદ કરી લીધા છે. 






રાકેશ પંચાલ