ગુજરાતનો દંડકારણ્ય વન તરીકે જાણીતો ડાંગ જિલ્લામાં રામાયણકાળના ઐતિહાસિક સ્થળો આવેલા છે. ભગવાન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ જતી વખતે ડાંગ પ્રદેશમાંથી પસાર થયા હતા. લોકોની માન્યતા પ્રમાણે ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા.
શબરી ધામથી લગભગ 7 કિમી દૂર પૂર્ણા નદી પર સ્થિત પંપા સરોવર છે. આ જ સ્થળે માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓની સૌથી પ્રબળ માન્યતા પ્રમાણે ડાંગ જિલ્લાના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. આ નિવાસસ્થાન અટાળા પર્વત કે જે આહવા-સાપુતારા માર્ગ પર ૨૦ કિ.મી.ના અંતરે ગાઢ જંગલમાં આવેલું છે ત્યાં અંજની માતાએ અંજની પર્વત પર કઠોર તપસ્યા કરી હતી જેના ફળસ્વરૂપે પુત્રરત્ન હનુમાનજી પ્રાપ્ત થયા હતા.આ જગ્યાને આજે અંજની સરોવર તરીકે ઓળખાય છે.
રામભક્ત હનુમાનજીનું જન્મસ્થળ ડાંગમાં આવેલું હોય, આદિવાસીઓના આરાધ્ય દેવ તરીકે પૂજ્ય છે. આ ડાંગ જિલ્લામાં આવેલા ગામ તેમજ માણસોના નામો પણ હનુમાનજીના નામો પરથી રાખવામાં આવે છે. જેમકે ડાંગ જિલ્લાના અમુક ગામોના નામ હનવતપાડા, નકટીયા હનવત, હનવતચોંડ છે જ્યારે સ્ત્રી અન પુરૂષોના નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, જાનકી વગેરે મોટાભાગે જોવા મળે છે.
ડાંગ જિલ્લામાં હનુમાનજીને ડાંગી બોલીમાં હનવત તરીકે બોલાવાય છે. આ જિલ્લો હનુમાનજીનો ભક્ત છે. અને અંજની પર્વતની તળેટીમાં અંજનકુડ ગામ પણ વસેલું છે. જ્યાં અનોખી રીતે વિધિ થાય છે. અહીં શનિની પનોતી ઉતારવા માટે ભક્તો જમીન પરથી સિંદુર અંજની પર્વત પર ઉડાડે છે. જે અંજની પર્વતની ટોચ સુધી પહોંચે છે તેવી માન્યતા પ્રવર્તે છે.

