આજે દિલ્હી ખાતે ફિક્કીના ભાષણમાં ગુજરાતના મુખ્યંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિનું વર્ણન કર્યું હતું. તેમની વાતમાં સત્ય છે કે મહિલાઓને વિકાસના કામો સાથે જોડવી જોઈએ પરંતુ વિકાસના કામમાં જોડાયેલ અને વિશ્વકક્ષાએ નામના મેળવેલી ચુકેલી મહિલાઓનું સન્માન કરવામાં આવે તે કદાચ ગુજરાતમાં જોવા મળતું નથી. તેનુ ઉદાહરણ છે નડિયાદમાં વસેલા જમુ બા...
નડિયાદના જમુ બા દેશની પ્રથમ મહિલા છે જેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પરિચારિકા સેવા આપી ઉપરાંત ત્યાર બાદ તેમણે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં નિવૃતિ સુધી કામ કર્યું તેમ છતાં આજે તંત્ર તરફથી નાનો સમ્માનીય એવોર્ડ કે અન્ય સુવિધા મળતી નથી. જમુ બા વિશે જાણો...
નડિયાદના કંથારિયા ચકલામાં રહેતા બાણું વર્ષીય જ્યોતિબેન ચંદુલાલ મહેતા, જેમને લોકો જમુબા તરીકે ઓળખે છે. ભારત તરફથી બીજા વિશ્વયુદ્ધ વખતે ઘાયલ સૈનિકોની પરિચારિકા તરીક ફરજ બજાવનારી મહિલા છે. ઉપરાંત વન્ય જીવોની સારવાર માટે વિદેશમાં વિશિષ્ટ તાલિમ લેનાર એશિયાની પહેલી સ્ત્રી અને હાથી, મગર, વાઘ જેવા હિંસક પ્રાણીઓ ઉપર નિર્ભયપણે સવારી કરનારી મહિલા છે. પોતાના જીવનકાળમા દેશ પ્રત્યે તેમજ સમાજ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હોવા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારો તરફથી કોઈ સમ્માનીય એવોર્ડ મળ્યો નથી તે વાતે તેમને અફસોસ છે.
ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ કવિ બાલશંકર કંથારિયાનના દોહિત્રી એવા જ્યોતિબેન મહેતાનો જન્મ વર્ષ 1921માં મુંબઈ ખાતે થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં પુર્ણ થયા બાદ કોલેજના અભ્યાસ માટે વડોદરા આવ્યા હતા. જ્યાં બોટની અને ઝુઓલોજીના વિષય સાથે ઈન્ટર સાયન્સ પાસ કરીને પિતાજીની જેમ તબીબી વિધાશાખામાં દાખલ થવાની તૈયારી કરી હતી પરંતુ તે સમયે વર્ષ 1941માં બીજ વિશ્વવયુદ્ધના પડઘમ ગાજ્યા હતા. જેથી નર્સિંગની તાલીમ અધવચ્ચે છોડીને વીસ વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા હતા.
જમુબાએ સતત દસ વર્ષ સુધી અવિભાજ્ય આસામના ઈમ્ફાલ, કોહિમા, ગૌહાટી જેવા સ્થળોએ ધાયલ સૈનિકોની પરિચારીકા તરીકે સેવા કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ મોટાભાગના દેશોમાં ઘાયલ સૈનિકોની સારવાર અર્થે ફર્યા હતા. તે દરમ્યાન તેમની સાથે અન્ય દેશથી આવેલી અન્ય પરિચારિકોઓ હતી પરંતુ ભારતીય મુળની તે વખતે સેવા આપી રહેલા એક મહિલા પરિચારિકા હતી.
દેશની આઝાદી બાદ વર્ષ 1951માં તેમના પિતાના અવસાનના કારણે નાના ભાઈ-બહેનોની જવાબદારી તેમના માથે આવી જતાં લશ્કરમાંથી પરત ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી સ્વીકારી હતી. અને કાંકરિયા બાલવાટિકા પ્રાણી સંગ્રહાલયમાં જાણીતા પ્રાણી શાસ્ત્રી રૂબિન ડેવિડના સહાયક તરીકે કામ શરૂ કર્યું હતું. તે સમયે તેમને વન્ય જીવોની સારવાર માટેની વિશેષ ટ્રેનિંગ લેવા આફ્રિકા મોકલાયા હતા અને ત્યારબાદ સતત પચ્ચીસ વર્ષ સુધીમાં જમુબા અને પ્રાણીઓ પરસ્પર એકબીજાના પ્રેમના પર્યાય બની ગયા.
જમુબા પોતાના ભવ્ય ભુતકાળને યાદ કરતા જણાવે છેકે મને યાદ છેકે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં તે વખથે સુમિત્રા નામની હાથણ હતી તેની સુંઢ પર બેસીને હું સવારી કરતી હતી. દર અઠવાડિયે આ પ્રકારે સુંઢ પર બેસની મને પ્રાણી સંગ્રહાલયમાં ફેરવામાં આવતી હતી. તેને જોઈને બાળકો અને સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો આશ્ચર્યચક્તિ થઈ જતાં હતા.
વન્યજીવો સાથે સતત રહેવાથી ગ્લુકોમાને કારણે જ્યોતિબેનની દ્રષ્ટિ ધીમે ધીમે ક્ષીણ થઈ જવા પામી હતી અને વર્તમાન સમયમાં જોવાની ક્ષમતા ગુમાવી દીધી છે. છેલ્લા બાર વર્ષથી જ્યોતિબેન નડિયાદના કંથારિયા ચકલામાં પોતાના ભાઈ સાથે રહે છે. કૌટુંબિક જવાબદારીઓના કારણે લગ્ન બંધનથી મુક્ત રહેલા જમુબા કહે છેકે માણસો કરતા પ્રાણીઓ સાથેનો મારો અનુભવ અણમોલ છે.
આ માત્ર વર્તમાન સરકાર તરફ આંગળી ચીંધવામાં આવી નથી પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં અનેક પાર્ટીઓની સરકાર બની હશે. પરંતુ જમુ બા તરફ કોઈનુ ધ્યાન ગયું નથી. નડિયાદ રાજનીતિમાં સારું વર્ચસ્વ ધરાવે છે. તેમ છતાં જમુ બા માટે કોઈ નેતાએ અવાજ ઉઠાવ્યો હોય તેમ જણાયું નથી તે દુખની વાત છે.
રાકેશ પંચાલ

