સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક સમયથી અપમૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. તેમાં એક પરિવારનો ઉમેરો આજે સોમવારે 8મી એપ્રિલનો રોજ વધારો થયો છે. રાજકોટમાં નેપાળી પરિવારના સામુહિક આત્મવિલોપનમાં પાંચ મૃત્યુ થવા પામ્યા હતા. જ્યારે આજે વાકાનેર પંથકના જાલી ગામના રહેવાસી કોળી પરિવારે ટ્રેન હેઠળ ઝંપલાવીને સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પરિવારના મોભી તેમજ પુત્રોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રામેશ્વર તરફથી આવી રહેલી રામેશ્વર-ઓખા ટ્રેન વાંકાનેરના દલડી રેલ્વે સ્ટ્રેશનથી થોડે આગળ પહોંચી ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાની જાણ રેલ્વે પોલીસને થવા પામી હતી. જેમાં પિસ્તાળીસ વર્ષીય પિતા સાથે બે પુત્રોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બે પુત્રીઓને તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જોકે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો. જે કારણોસર પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ઈલ્સાયખાન પઠાણ , પત્રકાર, વાંકાનેર

