મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્રએ આમલીની નવી પ્રજાતિ ગોમા પ્રતિક વિકસાવી છે. આ સંશોધન કેન્દ્રએ ઘણા વર્ષોના સંશોધન બાદ આમલીની નવી પ્રજાતિ વિકસાવામાં સફળતા મળી છે. આ પ્રજાતિનું આમલીનું એક ઝાડ લગભગ 58 કિલોગ્રામ જેટલી ગુણવતાવાળી આમલીની ઉપજ આપે છે. તે સાથે અન્ય પ્રજાતિની આમલી કરતા સારી ગુણવતાવાળી હોવાથી બજારમાં સારી કિંમત પણ કમાવી આપે છે.
આ પ્રજાતિ વિશે સી.એચ.ઈ.એસના અધ્યક્ષ ડૉ. સંજય સિંહ જણાવે છેકે આ એક નાના કદનું ઝાડ છે. ઝડપી વિકાસ, ઘટાદાર પાંદડા, લચીલી ડાળીઓ, ઝડપી વૃદ્ધિ ધરાવતું તથા ગરમ અર્ધ શુષ્ક વાતાવરણમાં વર્ષા આધારિત પરિસ્થિતિ હેઠળ ઉચ્ચ ધનત્વવ રોપણ માટે યોગ્ય છે. આ બાબતે વધુમાં જણાવતાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.એસ.કે સિંહ જણાવે છેકે ફળનો આકાર લાલસ પડતા માવા સાથે સામાન્ય વળેલો હોય છે. જે આગળની પ્રક્રિયા કરવા માટે યોગ્ય છે.
આ નવી પ્રજાતિ ભેજયુક્ત ગરમ શુષ્ક તથા ભેજવાળી ક્ષેત્રોમં ઉગાડી શકાય છે. આ છોડ અર્ધ શુષ્ક તથા શુષ્ક ક્ષેત્રો માટે અનુકૂળ છે. આમલીની સારી ખેતી માટે વધુમાં વધુ 500-750 મિમી. વરસાદ અનુકૂળ છે. સારી ભેજવાળી, ગોરાડું કે કાંપવાળી માટી આમલીની સારી વૃદ્ધિ માટે અનુકૂળ છે. આ સાથે સામાન્ય માટીમાં પણ તે ઉગાડી શકાય છે.
આ પ્રજાતિ બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુર, પંચમહા(ગોધરા) ખાતે વિકસાવવામાં આવી છે. અને ત્યાં નજીકમાં વેજલપુરની જીવાદોરી સમાન એક નાનકડી નદી ગોમા પસાર થાય છે. આ નદીના નામ પરથી આ પ્રજાતિનું નામ ગોમા પ્રતિક રાખવામાં આવ્યું છે. સી.એચ.ઈ.એસ દ્રારા વિકસાવેલ આમલીની નવી પ્રજાતિ ગોમા પ્રતિકની ખેતી ખેડૂતોને વધુ નફો કમાવી આપનારી બને તેવી આશા બાગાયત સંશોધન કેન્દ્ર ધરાવે છે.
રાકેશ પંચાલ




