આણંદ કૃષિ વિશ્વવિધાલયના ડિપાર્ટેમેન્ટ ઓફ એગ્રોબાયો ટેકનોલોજીના સંશોધક વૈજ્ઞાનિકોએ કેસરના ફુલો ખીલવવામાં પ્રથમ સોપાન જેવી નાનકડી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. આ સંશોધક વૈજ્ઞાનિકોએ કાશ્મીરમાંથી આવેલા બિયારણને પ્રથમ ગ્રીન હાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં અંકુરીત કર્યા બાદ તેને વાતાનુકુલિત ઘર ગણી શકાય તેવા સેફ્રોન હાઉસમાં રાખવામાં આવ્યા હતા. જેમાં કેસરના ફુલો ખીલવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.
ગુજરાત મુખ્યત્વે મનમોહક રંગ અને સ્વાદ માટે જાણીતી કેસરી કેરીમાં પ્રખ્યાત છે. પરંતુ આણંદ કૃષિ વિશ્વવિધાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રોબાયો ટેક્નોલોજીના સંશોધક વૈજ્ઞાનિકોનો પ્રયત્ન સફળ થશે તો ગુજરાત રંગ અને સુંગંધના બહુમૂલ્ય દ્રવ્ય કેસર(સેફ્રોન) માટે જાણીતું બને તે શક્ય છે.
આણંદ કૃષિ વિશ્વવિધાલયના પ્રોફેસર અને હેડ ડૉ. આર.એસ.ફોગાટના નેતૃત્વ હેઠળની ટીમ આ સફળતાને મોટાપાયે લઈ જવા માટે મક્કમ છે અને સતત પ્રયત્નશીલ છે અને તેમના મતે આ અત્યત પ્રાથમિક સફળતા છે પણ તેનાથી અમને સંશોધન આગળ વધારવાનું પ્રોત્સાહન અવશ્ય મળ્યું છે
ડૉ.ફોગાટે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વવિધાલયના પરિસરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અન્ય પ્રદેશોમાં પાક્તા જાણીતા પાકોને આપણી ધરતી પર પકવી શક્યા કેમ ઉપરાંત તેમના ગુણધર્મો આપણા પાકોમાં સિંચી શકાય કે કેમ તે બાબતે પ્રયોગો કરવાનું સૂચન કર્યું હતું. અને જે બાબતે કૃષિ મંત્રીએ પણ સમર્થન આપ્યું હતું. જેથી આ મનોમંથન અમને કેસરના ફુલો ગુજરાતની ધરતી પર ખીલવવાના પ્રયોગ તરફ દોરી ગયું.
સંશોધન કરવું તે વૈજ્ઞાનિકોનું કામ છે, પરંતુ ગુજરાતના એક ખેડૂતને પણ કેસરના ફુલો ખીલવવામાં સફળતા મળી છે તે બાબતે જણાવતાં ડૉ.ફોગાટે જણાવ્યું હતું કે દાંતીવાડાના ખેડૂતે કાશ્મીરમાંથી બિયારણ લાવીને આણંદ કૃષિ વિશ્વવિધાલયમાં તાલીમ લઈને કેસર ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને ફુલો ખીલવવામાં તેને પણ સફળતા મળી તે ધરતીપુત્રોની જિજ્ઞાસા, કોઠાસૂઝ અને સ્વપ્રયત્નોને આભારી છે.
રાકેશ પંચાલ
