વેકેશન, રજા આ શબ્દ નોકરીયાત, બાળકોના કાને પડતાં જ અનેરો આનંદ આપે છે. આ શબ્દ સાંભળતાની સાથે જ હાશકારો નીકળી જાય છે. અમુક વખતે બાળકોને ગમ્મતમાં કહીએ છીએ કે આજે તમારા સ્કુલમાં રજા છે. અને બાળક આ સાંભળે અને તેના ચહેરા પર ચમક આવી જાય તે સ્વાભાવિકપણે દેખાય જાય છે. જીવનમાં વેકેશન જરૂરી છે. અને તેથી જ વર્ષનો અમુક સમય શૈક્ષણિક સત્રમાં વેકેશન માટે ફાળવવામાં આવે છે. પરંતુ આ સમયગાળાનો ભરપૂર આનંદ ઉઠાવાનો લ્હાવો અમુક બાળકોના નસીબમાં લખાયો નથી. આ હકીકત છે ગ્રામીણ ક્ષેત્રની સાથે શહેરી વિસ્તારોની.
વર્તમાન સમયમાં ગુજરાતની વિકાસશીલ રાજ્ય તરીકે બોલબોલા થઈ રહી છે. આ ભારતના વિકાસિત ગુજરાત રાજ્યના ગ્રામીણ ગુજરાતની એક કડવી હકીકત છેકે અસંખ્ય નાના છોકરાઓ- છોકરીઓ રજાઓનો આનંદ લેવાનું તેમના નસીબમાં લખાયું નથી. ગામડાના છોકરા-છોકરીઓ સ્કુલે ભણવા જાય અને શાળામાં જવા માટે તેમના રસ પેદા થાય તે હેતુથી જમવાની સુવિધા ઉપરાંત અનેક વ્યવસ્થાઓ તંત્ર દ્રારા ઉભી કરવામાં આવી છે . પરંતુ આ ઉભા કરાયેલા વાતાવરણની અસર વિધાર્થીઓના જીવનમાં થઈ હોય તે બાબતની ચકાસણી થઈ રહી છેકે તે બાબતે શંકા પેદા થઈ રહી છે.
મધ્યમવર્ગનું બાળક વેકેશન પડે એટલે વિડીયો ગેમ કે કોમ્પ્યૂટરની સામે ગોઠવાઈ જાય છે. અને જો કદાચ બે મિનિટ માટે પણ બહાર નીકળે તો અંદરથી રૂમમાં સુતેલી માં તરત જ તેની બહાર જવાની ના પાડી દેશે અને જો બાળક વધારે જીદ કરશે તો તેની માતા તેને વળતો જવાબ આપશે કે બેટા બહાર બહું જ ગરમી છે. અત્યારે ન જવાય . સાંજ તારા મિત્રો સાથે જજે. પરંતુ, ગ્રામીણ ક્ષેત્રમાં પરિસ્થિતિ થોડી વિપરિત છે. ત્યાં મા –બાપ પાસે પોતાના દિકરા-દિકરીઓને આરામદાયક ઘર આપવાની ક્ષમતા નથી ઉપરાંત બપોરે દરમ્યાન બાળકની કાળજી રાખે તેવો સમય પણ નથી. કારણ કે મા –બાપને પણ ભરબપોરે કાળી મજૂરી કરવાની ફરજ પડે છે તેમ છતાં બે ટંકનો રોટલો માંડ માંડ મળે છે. તેવી પરિસ્થિતિમાં બારેમાસ મફત ભોજન આપી રહેલી આ સરકારી શાળાઓ આ ગરીબ પરિવારોના બાળકો માટે ઉત્તમ ઠેકાણું છે પરંતુ ઉનાળાના વેકેશન દરમ્યાન આ રસોડું પણ બંધ થઈ જાય છે.
મજૂરવર્ગ પોતાના બાળકોને સ્કુલમાં જમવા માટે મોકલે છે કારણ કે સવારે તે લોકો મજૂરીએ જાય છે અને તે દરમ્યાન સ્કુલોમાં મફ્ત ભોજન મળતું હોય છે. એટલે બપોર છોકરાઓ માટે જમવાની વ્યવ્સ્થા થઈ જાય છે. જેથી સરકારી શાળાઓ ભણતર કરતા જમણ વધારે ઉપયોગી થઈ પડે છે.
જ્યારે સ્કુલોમાં વેકેશન પડી જાય ત્યારે ગરીબ છોકરાઓ પાસે બપોરનો સમયે નવરા પડી જાય છે સાથે બપોરનું સરકારી રસોડું પણ બંધ થઈ જાય છે. જેથી આ ભુખ્યા પેટ પાસે પુરતો સમય હોય છે. જે કારણોસર તેમના મા-બાપ થોડી ઘણી કમાણી થશે તે ફાયદે આ બાળકોને ફળ-ફળાદી ખેતરોમાંથી લાવી આપીને રોડ પર બેસાડી છે. આ સમગ્ર પ્રકરણમાં ભુલ આ કોમળ બાળકોની નથી. આ બાળકો ઘણા મહેનતું છે. પરંતુ આ મહેનત ખોટી વયે ખોટી દિશામાં કરી રહ્યાં છે. ત્યારે સવાલ તે પેદા થાય કે ગુનેહગાર કોણ ?
દરેક ઠેકાણે દરેક રાજ્ય દરેક શહેર દરેક રસ્તે તમને આ છોકરાઓ જોવા મળતા જ હશે. પરંતુ તે બાબતે સજાગતા હોવા છતાં ભણેલો માણસ પર આંધળો સાબિત થાય છે. સરકારી તંત્રને માત્ર કાયદા અને યોજનાઓ બનાવી તેને મુકી દેવામાં રસ છે. અને જરૂર પડે ત્યારે દંડાત્મક કાર્યવાહી કરીને મોટી વાત કરવાનો રસ જોવા મળે છે. પરંતુ જમીન સ્તરે કામ કરીને આ બાબતે યોગ્ય દિશામાં કામ થશે તો જ આ કમરતોડ મજૂરી કરી રહેલા વર્ગનો દિકરો કે દિકરી પોતાના કુંટુંબનો કુળદિપક સાબિત થશે.
