ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તેવી આશા અનેક નેતાઓ , ધર્મગુરૂઓ અને ચાહકો સેવી રહ્યાં છે. પરંતુ નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે આગળ ધકેલાવા પાછળના કારણોની તપાસ કરીએ તો અનેક બાબતો ધ્યાને આવશે. મોદીએ તે વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી કે તે પોતે પ્રધાનમંત્રી બનવા માંગ છે કે તેઓ રાજનેતા કે આ સમગ્ર કામકાજ કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરી રહ્યાં છે.
જોકે તેમની રણનીતિ ઘણી પ્લાનિંગવાળી હોય છે. પોતે આશાવાદી છે તે વાતને વારંવાર કહે છે. લોકોને સપના જોવાની પ્રેરણા આપે છે પરંતુ તેમનું સપનું ગુજરાતનો વિકાસ એકમાત્ર લક્ષ્ય છે તે વાતને વારંવાર કહેતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે મોદીના ખર્ચાળ ચૂંટણી પ્રચારે દેશભરનું ધ્યાન દોર્યું .
મારા અંગત પ્રસંગોની વાત કરું તો.
વર્ષે 1998 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નડિયાદ બેઠક માટે આવ્યા હતા. તે વખતે નડિયાદ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. નડિયાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસની ખાટલા બેઠકો અને કાર્યકર્તાઓનો ભરમાર હતો. તેવી પરિસ્થિતિમાં નડિયાદ બેઠક કોંગ્રેસ પાસેથી જતી રહેશે અને ભાજપનો ઉમેદવાર જીતી જશે તેવા કોઈ સ્પષ્ટ્ર સંકેતો મળતા ન હતા.
પરંતુ આ વિસ્તારમાં નરેન્દ્ર મોદી ગામડે ગામડે પોતાની લીલી કલરની મેટાડોરમાં ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ફર્યા હતા. નાની -મોટી જગ્યાએ ભાષા સંબોધી હતી. અને દરેકે દરેક વખતે એક જ વાત હતી. જ્યાં સુધી ખેડાથી કમળ નહીં આવે ત્યા સુધી લોકસભા કે વિધાનસભામાં ભાજપ કાયમ થશે તે શક્ય નથી. માટે તમે ખેડાથી કમળ ખીલે તેવી મારી આશા છે.
તે વખતે મોદીને કોઈ ઓળખતું ન હતું. ભાજપના કાર્યકરો કે આરએસએસમાંથી આવેલા ચરોતરના નેતાગણ મોદીને સારી રીતે ઓળખતા હોય પરંતુ સ્થાનીય ગ્રામીણ જનતા માટે મોદી નવા હતા. પરંતુ તે જે જગ્યાએ લોકોને સંબોધે ત્યાં અનોખું વાતાવરણ જમાવી દેવાની તેમની કલા મને નજરે ચઢી હતી.
પરેશ રાવલ જેવા લાગી રહેલા મોદી સાહેબને જોયા પછી મેં મારા મિત્રને કહ્યં પણ હતું કે જોજે આ માણસ ઘણો આગળ નીકળશે. તેઓ આંગળી ચીંધીને જ્યારે કોઈ ટકોર કરે અને શબ્દોને જરૂર લાગે ત્યાં જે ભાર આપે છે તે લોકોને બાંધી રાખે છે. તે જ્યારે બોલે ત્યારે તમે તેમની અવગણના ન કરી શકો.
મોદીને સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે મોદીના હાથે ગુજરાતનું શાસન આવ્યું . ગુજરાતીઓ હમેશા પોતાના પગે આગળ વધેલી પ્રજા છે. કોંગ્રેસનું શાસન દાયકાઓ સુધી એકધાર્યું રહ્યું હતું. તેમ છતાં ગુજરાત પ્રાથમિક સુવિધાઓનો ઘણો અભાવ રહ્યો હતો. જેમા રોડ અને લાઈટ અને પાણી જેવા પ્રશ્નો યથાવત રહ્યાં હતા. જોકે કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજના અસ્તિત્વમાં આવી હતી. જેની ઉપર હજૂ પણ વિવાદો થતા રહે છે. અને સમય આવે ત્યારે કોંગ્રેસ નર્મદા યોજનાને કોંગ્રેસની દેન જણાવી પણ દે છે. પરંતુ તે સિવાય કોંગ્રેસને પણ યાદ નથી કે તેણે આટલા લાંબા સમય સુધી રાજ કર્યુ તેમાં ગુજરાત અને ગુજરાતની પ્રજાને શું આપ્યું .
ગુજરાતને ઉધોગપતિઓ મળ્યાં. અંબાણી , કુરિયન જેવા લોકો ગુજરાતની ધરતી પર આવ્યાં, આ ઉપરાંત એવા અનેક ઉધોગપતિઓ છે ગુજરાતની ઘરતીની દેન છે. ઉપરાંત ગુજરાતનો દરિયા કિનારો લોકોને ઘણો ઉપયોગી થઈ પડ્યો . ગુજરાતની આવી પ્રજા જેણે માત્ર પોતાના દમ પર વિકાસ કર્યો તેને માત્ર થોડી પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત હતી અને તે મોદીએ ટૂંક સમયમાં પુરી પાડી છે. તે વાતને કોઈ નકારી શકે નહી. અને જો તે નકારે તો તે ખોટો દંભ છે.
મોદી શાસને ચોવીસ કલાક વિજળી આપીને સૌથી મોટો મુખ્ય પ્રશ્ન ગુજરાતનો હલ કર્યો છે.. ગ્રામીણ ક્ષેત્રમાં સખી મંડળ અને આંગણવાડી ઘણી મદદરૂપ થઈ રહી છે. રાજ્ય સરકારની યોજનાઓમાં ગડબડ ગોટાળા થાય તેમાં મને કોઈ નવાઈ લાગતી નથી. આ જમાનામાં ચોખ્ખા નેતા સ્થાનીય કક્ષાએ શોધવા તે મુર્ખામી છે. પરંતુ મોદીએ મને મારા રાજ્ય પ્રત્યે સ્વાભિમાન પાછું આપ્યું અને તે વાતે મોદી મને ગમે છે.
જ્યારે હું વર્ષ 2000માં બેંગ્લોર ખાતે ગયો હતો. ત્યારે હું ગુજરાતથી આવ્યો છું તે કહેવા માટે મારે મહારાષ્ટ્ અને બોમ્બેનો સહારો લેવા પડ્યો હતો. અથવા તો મારે અંબાણી કે રતન ટાટાની ઓળખાણ કે દ્રારિકાના શ્રીકૃષ્ણના નામે ઓળખાણ ગુજરાતની આપવી પડતી હતી. પરંતુ વર્ષે 2002થી ગુજરાતને હિન્દુ રાજ્ય તરીકે ઓળખ મળી તે વાતે કોઈ શંકા નથી.
કારણ કે મને હજૂ પણ યાદ છે કે હું બેંગ્લોરના ઈન્ટરનેટ કેફેમાંથી બહાર નીકળ્યો અને મને એક માણસે હિન્દીમાં પુછ્યું ભાઈ ક્યાંથી આવ્યા , મેં તેમને ગુજરાત કહ્યું ને તેમણે મારી સાથે હાથ મિલાવીને કહ્યું અરે, મોદી તો જબરદસ્ત છે. જોકે વર્ષ 2000થી 2003 સુધી હું ગુજરાતની બહાર હતો. મેં ગોધરા કાંડ, ભુંકપ મારા અનુભવથી ઘણા દૂર રહ્યાં હતા.અને મોદીને માત્ર નામથી ઓળખતો હતો. તે વખતે ઈન્ટરનેટ કે ટીવી ચેનલોને ભરમાર ન હતી. હું પણ પત્રકાર ન હતો. હું માત્ર ભણતો હતો.
મોદી અને મારી મુલાકાત વર્ષ 1998માં થઈ હતી. પરંતુ હું તેમના બોલવાની છટ્ટાથી પ્રભાવિત થયો હતો અને તેમની માટે આશા બંધાઈ હતી કે આ ભવિષ્યમાં સારો નેતા બનશે. પરંતુ જ્યારે ખરેખર મારી ભવિષ્યવાણી સાચી પડી ત્યારે હું તેને ઓળખી ન શક્યો તે વાતે મારી જાત પર મને અજ્ઞાનતા અનુભવાઈ રહી છે.
રાકેશ પંચાલ



