મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વસેલા મહારાષ્ટ્રીયન સમાજ દ્રારા આડે અગિયારમી એપ્રિલ ગુરૂવારના રોજ ગુડીપડવો ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરના આંગણામાં ગુડી ઊભી કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. આ ઉપરાંત ગુજરાતમાં આજે સિન્ધી સમાજ દ્રારા નવા વર્ષ ચેટી ચંદની ઉજવણી થશે.જ્યારે હિન્દુ સમાજ દ્રારા ચૈત્રી નવરાત્રિ મનાવવામાં આવશે.
ચૈત્ર મહિનાની સુદ એકમે ગુડી પડવો અને વર્ષ એકમ કહે છે. આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. ગુડીનો અર્થ છે વિજય પતાકા. કહેવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. આ દિવસથી નવું સંવત્સર પણ શરૂ થયું છે. આથી આ તિથિને નવસંવત્સર પણ કહેવામાં આવે છે.
ચૈત્ર જ એક એવો મહિનો છે, જેમાં વૃક્ષ તથા વેલીઓ ફૂલે-ફાલે છે. સુદ એકમના દિવસે ચંદ્રની કળાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. જીવનના મુખ્ય આધાર વનસ્પતિઓને સોમરસ ચંદ્રમા પ્રદાન કરે છે. આ ઔષધીઓ અને વનસ્પતિઓનો રાજા કહેવામાં આવે છે. એટલા માટે આ દિવસે વર્ષારંભ માનવામાં આવે છે.
લોકોની માન્યતા છે કે આ દિવસે ભગવાન રામે બાલીના અત્યાચારી શાસનથી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી હતી. વાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવ મનાવી ધ્વજ(ગુડીયા) ફરકાવી. આજે પણ ઘરના આંગણામાં ગુડી ઊભી કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં પ્રચલિત છે, એટલા માટે આ દિવસે ગુડીપડવો નામ આપવામાં આવ્યું.
મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરણ પોળી કે ગળી રોટલી બનાવવામાં આવે છે. તેમાં જે વસ્તુ મેળવવામાં આવે છે તે ગોળ, મીઠુ, લીમડાના ફૂલ, આમલી અને કાચી કેરી. ગોળ મીઠાશ માટે, લીમડો કડવાશ સમાપ્ત કરવા માટે અને આમલી અને કેરી જીવનના ખાટા-મીઠા સ્વાદ ચાખવાનું પ્રતીક હોય છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરણ પોળી કે ગળી રોટલી બનાવવામાં આવે છે. તેમાં જે વસ્તુ મેળવવામાં આવે છે તે ગોળ, મીઠુ, લીમડાના ફૂલ, આમલી અને કાચી કેરી. ગોળ મીઠાશ માટે, લીમડો કડવાશ સમાપ્ત કરવા માટે અને આમલી અને કેરી જીવનના ખાટા-મીઠા સ્વાદ ચાખવાનું પ્રતીક હોય છે.
ગુજરાતમાં સિન્ધી સમાજ દ્વારા વિવિધ ઠેકાણે અને શહેરોમાં સંખ્યાબંધ ટ્રકોમાં વિવિધ ઝાંકીઓ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સિન્ધી સમાજના લોકો જોડાય છે.
શાસ્ત્રોમાં ચૈત્ર માસનું અનેરૂ મહત્વ રહેલું છે. ગુજરાતમાં આમ તો આસો માસમાં નવરાત્રિની ઠેર ઠેર ભારે ધામધૂમથી ઉજવણી થાય છે. પરંતુ ચૈત્ર નવરાત્રિની ઉજવણી ખૂબ ઓછી થાય છે. ખાસ કરીને શક્તિ આરાધના કરનારાઓ નવે નવ દિવસના ઉપવાસ કરતાં હોય છે અને માતાજીની પૂજા-અર્ચના વગેરે કરતાં હોય છે.
રાકેશ પંચાલ

