દેશભરમાં આજે 29મી એપ્રિલના રોજ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો દ્રારા કેન્દ્ર સરકારે નાંખેલા સર્વિસ ટેક્સના વિરોધમાં બંધ પાળવામાં આવ્યો છે. જેની અસર ગુજરાત સહિત ચરોતર પંથકમાં પણ જોવા મળી છે. આજે સવારથી નડિયાદ અને આણંદ શહેરોમાં એરકંડિશન હોટલો અને રેસ્ટોરન્ટસ બંધ રહ્યા હતા જ્યારે નોન એરકંડિશન હોટલ અને રેસ્ટોરન્ટસ દરરોજની જેમ ખુલ્લા રહેવા પામ્યા હતા.હોટલ માલિકોના જણાવ્યા અનુસાર, એરકંડિશન રેસ્ટોરન્ટ પર 5 ટકાના સર્વિસ ટેક્સનો અમલ કરાયો છે. જેનો રાષ્ટ્રવ્યાપી વિરોધ હોટલ એસોસિએશને નોંધાવ્યો છે. જેમાં ચરોતરના હોટલ માલિકોએ પણ પોતાના વિરોધનો સૂર બંધ પાળીને ઉમેર્યો છે. રેસ્ટોરન્ટ અને હોટલો પહેલાથી જ રાજ્યની ટેક્સની ચૂકવણી કરે છે.ત્યારે આ નવા ટેક્સને લીધે ટેક્સ બમણો થઈ જશે. અને તેનું ભારણ ગ્રાહકોને પડશે.
નડિયાદ ખાતે વાણિયા વિસ્તારમાં આવેલી એવન્યુ હોટલના માલિક વિશાલભાઈ પરીખના મતે એસીને લક્ઝરી ગણીને 5 ટકા વધારોનો સર્વિસ રેસ્ટોરન્ટ પર લાદવામાં આવ્યો છે, જે પહેલી મેથી અમલમાં મુકાશે. નાના શહેરોમાં પણ એસી હવે અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. તેને લક્ઝરી ન ગણી શકાય.આજના સમયમાં ગરમી વધતાં રોડ પર ચાલતા પાનના ગલ્લા, વાણંદની દૂકાનોમાં પણ એસી જોવા મળે છે. તેથી એસીને લક્ઝરી ગણીને જે બોઝ નાંખવો અયોગ્ય નિર્ણય છે.
રાકેશ પંચાલ