શુક્રવારે તા. પાંચમી માર્ચના રોજ સાંજે વાંકાનેર પંથકના ચંદ્રપુર ગામ પાસેથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૧૭૦ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતા ફરી એક વખત સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પડી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દેવેનભાઈ રબારીને વાંકાનેર પાસે વિદેશી દારૂનો જથ્થો આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પીઆઈ રાઠોડની ટીમે સાંજે પાંચ વાગ્યાથી વોચ ગોઠવી વાંકાનેર પંથકના કેરાળા ગામના રસ્તેથી આવી રહેલી ઈન્ડીગો કાર (જીજે-૧૨-જે-૩૧૩૮) ને અટકાવતા કાર ચાલકે પોલીસ જોઇને કાર હંકારી મૂકી હતી પરંતુ પોલીસે પીછો કરી ચંદ્રપુર ગામ પાસે કારને ઝડપી તલાશી લેતા તેમાંથી બ્લુ ટાવર, રોયલ આર્મ્સ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૭૦ બોટલ મળી આવી હતી. પોલીસે ૧૭૦ બોટલ વિદેશી દારૂ કી. 51,૦૦૦ બે મોબાઈલ કી,૧૦૦૦ તેમજ ઈન્ડીગો કાર સહીત કુલ રૂ. ૧, ૦૨૦૦૦ના મુદ્દામાલ સાથે સલીમ બાબુભાઈ સંધી (વાંકાનેર), રફીક હબીબ સંધીને પકડી પાડી વાંકાનેર પોલીસને સોંપ્યાં હતા.
સ્થાનિક પોલીસનું નાક વઢાયું
રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડાથી વધુ એક વખત સ્થાનિક પોલીસ નિરાંતનાં નસકોરા ઢસડતી હોવાનું સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે પખવાડીયામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાંકાનેર શહેરમાં આ બીજી સફળ રેડ કરી છે. તાજેતરમાં જ શહેરના દિવાનપરામાં દુકાનમાં ચાલતા વરલીના જુગારધામ પર રેડ કરી ૩ શખ્સોને પકડ્યા હતા. ત્યારબાદ ગઈકાલે પણ એલસીબીને સફળ દરોડાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ઉડીને સામે વળગે તેવી છે.
( સ્ટોરી - ઇલ્યાસખાન પઠાણ, પત્રકાર, વાંકાનેર )

