દેશી આઝાદીની ચવવળોનો ઈતિહાસ અનેક ચોપડીઓમાં અંકિત થયો છે.આઝાદી સાથે સંકળાયેલી જલિયાવાલા બાગનો હત્યાકાંડ તેમજ મીઠ્ઠાના સત્યાગ્રહ જેવી યાદો ભણતરમાં આવતી હોવાથી તે બાબતે દરેકને જાણકારી છે. પરંતુ જલિયાવાલા બાગ પહેલા અને પછી પણ બે હત્યાકાંડ થવા પામ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા.
વર્ષ 1919માં જલિયાવાલા બાગમાં હત્યાકાંડ સર્જાયો હતો જ્યારે તે પહેલા વર્ષ 1913ના નવેમ્બર મહિનાની 17મી તારીખે ગુજરાતમાં મોટાપાયે હજારોની સંખ્યામાં ભીલોની હત્યા થઈ હતી. પંચમહાલ જિલ્લામાં આવેલી માનગઢની ટેકરીઓમાં અંદાજે પંદરસોથી વધારે ભીલો મોતને ભેટ ચઢ્યાં હતા. આ શહીદોની ભુલ એ હતી કે તેઓ પોતાના ગુરૂ ગોવિંદ સાથે પોતના સંપ્રદાયનો ઝંડો લઈને ચાલી રહ્યાં હતા. ભગત ચળવળ તરીકે ઓળખાતા આ શાંતિપ્રિય આંદોલન શક્તિ પ્રદર્શનનો એક ભાગ હતો. તેમ છંતા અંગ્રેજો સહિત અને જમીનદારોને આ નાપસંદ પડ્યું અને એક યોજના અંતર્ગત ભગત ચળવળ સાથે સંકળાયેલા તમામને માનગઢની ટેકરીઓમાં ઘેરી લેવામાં આવ્યા અને ગોળીબાર થવા કરવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવા માટે દરેક દિશામાં દોટ મુકી તેમ છતાં અંદાજે પંદરસો જેટલા ભીલો શહીદ થયા હતા.
આ હત્યાકાંડનો ઉલ્લેખ ઈતિહાસના પાનામાં થયો નથી પરંતુ તેનો ઉલ્લેખ ભીલોના ધાર્મિક પુસ્તકો થયેલો છે. દેશમાં પછાતવર્ગ સાથે બનેલી આ સૌથી મોટી અને પ્રથમ દુર્ધટના હતી. જેમાં જલિયાવાલ બાગના હત્યાકાંડમા મરાયેલા શહિદોની સંખ્યા કરતા આ હત્યાકાંડમાં શહીદોની સંખ્યા ત્રણ ઘણી વધારે હતી.
આ પ્રકારની બીજો હત્યાકાંડ જલિયાવાલા હત્યાકાંડ બાદ વર્ષ 1922માં 7મી માર્ચના દિવસે ગુજરાતના દઠવાવ ખાતે બનવા પામ્યો હતો. ભીલોના નેતા મોતીલાલે એક જાહેરસભા યોજી હતી. આ જાહેસભાની જાણ થતાં જ અંગ્રજો આ ઠેકાણે આવી પહોચ્યાં અને બેઘડક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બારસો જેટલી આદિવાસી પ્રજાની સાથે અન્ય સમાજના લોકો મોતને ભેટ્યા હતા.
અંગ્રેજો દ્રારા ગોળીબાર શરૂ કરવામાં આવતાની સાથે લોકો ગમે ત્યાં ભાગ્યા હતા. કેટલાંય લોકો વૃક્ષો પર ચઢ્યાં હતા તો કેટલાંય વાવમાં કૂદી પડ્યાં હતા તેમ છતાં બારસો જેટલા લોકો મોતને ભેટ્યાં હતા.
આ શહીદોની યાદમાં સ્મારકો બન્યા છે પરંતુ આદિવાસી પ્રજા સિવાય આ શહીદોના યાદ કરનારો વર્ગ રહ્યો નથી. ગામના સરપંચ દ્રારા આ ઘટનાસ્થળે આવેલા વૃક્ષોને કપાવામાં આવ્યા ત્યારે તે વખતે પણ વૃક્ષોમાંથી ગોળીઓના બીબા નીકળ્યાં હતા. જોકે આ ઘટના ઈતિહાસના પાને લખાઈ નથી. પરંતુ આ ઘટના વિશે લંડનના પાદરીએ પોતાની રોજનીશીમાં લખ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

