સિંહ શબ્દ કાનમાં પડે તેની સાથે જ નજર સામે એક ચિત્ર ઉપસ્થિત થાય છે. સામાન્યપણે ગુજરાતીઓ સિંહને જોવો હોય તો સાસણ ગીર તરફ જાય છે. સાસણ ગીરમાં આવીને કેવી રીતે આવ્યા તેનો પણ એક ઈતિહાસ છે. જે પ્રમાણે ઈરાન આ સિંહોનું એક વખતનું નિવાસ્થાન હતું. મોટી કુદરતી આફતને કારણે તેઓનું સ્થળાંતર થયું અને બે ફાંટા પડયા. એક દક્ષિણ આફ્રિકા તરફ અને બીજો ખૈબરઘાટના રસ્તે થઈને ભારતમાં આવ્યો. ભારતમાં નર્મદાથી ઉત્તરમાં તમામ વિસ્તારોમાં એક સમયે સિંહોનો વસવાટ હતો, પરંતુ નર્મદાથી દક્ષિણ તરફ સિંહ કદી ન ગયા. વધતી જતી માનવવસ્તી, કુદરતી નિવાસસ્થાનને નુકસાન વગેરે કારણસર સિંહ ગીરમાં સ્થાયી થયા. આ થયો સિંહોના મૂળ સ્થાનકથી ગીર સુધીની યાત્રાનો નાનકડો ઇતિહાસ.
સિંહ શબ્દ જ એવો છે જે ઉચ્ચારતાં આંખોમાં ચમક અને શરીરમાં ચુસ્તી આવી જાય છે. હમણાં જ વર્ષ 2010ની પહેલી મેના રોજ સિંહની વસતીગણતરી પૂર્ણ થઈ હતી તે વખતે સિંહોની સંખ્યાની જાહેરાત થઈ અને એ મેજિકલ આંકડો 411નો હતો. સિંહોની સંખ્યા એક સમયે ઘણી ઓછી હતી. જે વખતે માત્ર દસ જેટલા જ સિંહો બચ્યા હતા. વન્યપ્રાણીઓના કાયદાઓનો અભાવ, રાજવીઓના શિકારશોખ અને જનજાગૃતિના અભાવને કારણે આ જાજરમાન અને રાજવી પ્રાણીનો વંશ લગભગ નાશવંત અવસ્થાએ પહોંચ્યો હતો. જોકે, એક રાજવી જંગલના રાજાની વહારે આવ્યા. જૂનાગઢના નવાબ અને અંગ્રેજ સત્તાધીશોની જાગૃતિને કારણે આ પ્રાણી સુરક્ષિત થયું.
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં કુલ 92 સિંહો મૃત્યુ પામ્યા છે. તેમાંથી 83 સિંહોનું કુદરતી મોત થયું હતું. મૃત્યુ પામનારા બાકીના સિંહોમાં એક પણ સિંહ શિકાર થવાને કારણે માર્યો ગયો નથી.
તાજેતારમાં લાઠીના કોંગ્રેસી સાંસદ બાવકુ ઉંધાડે લેખિતમાં પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું કે તાજેતરમાં 9 સિંહો અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2011 અને 2012માં દર વર્ષે 46 સિંહો મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 43 સિંહબાળ હતા, 29 સિંહણો અને 20 સિંહો હતા. રાજ્યના એક પણ પ્રદેશમાં શિકારનો એક પણ કિસ્સો બન્યો નથી.
આ જ મુદ્દે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી છે. આ કારણે જ સિંહો પણ તેમના આરક્ષિત વિસ્તારની બહાર નીકળે છે. આને સાસણ ગીરની આસપાસની વિસ્તારોમાં ભ્રમણ કરે છે. અમે સરકાર પાસેથી જાણવા ઇચ્છીએ છીએ કે સિંહો બહાર ના જાય એ માટે સરકારની કોઇ યોજના છે ખરી?
જે પ્રશ્નના જવાબમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે "સિંહોને જંગલ છોડીને બહાર જવું પડે એવી કોઇ સ્થિત હાલમાં નથી. વર્ષ 2010માં હાથ ધરવામાં આવેલી સિંહોની વસતી ગણતરી અનુસાર રાજ્યમાં કુલ 411 સિંહો છે." ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં થયેલી સિંહોની વસતી ગણતરીમાં રાજ્યમાં 359 સિંહો હતા. જ્યારે વર્ષ 2010માં તેમની સંખ્યા વધીને 411 થઇ આમ સિંહોની સંખ્યામાં પાંચ વર્ષમાં 52 સિંહો વધ્યા છે. સરકારે કરેલા પ્રયત્નોના કારણે વનમાં સિંહોની સંખ્યા વધી છે. સરકારે ગીરના જંગલમાં પાણી ઉપલબ્ધ બનાવવા માટે 500 જેટલા કૃત્રિમ તળાવો ઉભા કર્યા છે. ઉપરાંત વર્ષ 2007થી અત્યાર સુધીમાં 10.20 કરોડના ખર્ચે 18882 કુવાઓને સુરક્ષિત કર્યા છે જેથી અંધારામાં પાણીની શોધમાં સિહો તેમાં પડીને મૃત્યુ ના પામે.
જાણવા જેવી વસ્તુ તે છેકે શું ખરેખર સિંહ માનવભક્ષી છે ખરો? ઇન્ડિયન વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયૂટ (દહેરાદૂન)ના એક રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સિંહને દર ત્રણ દિવસે ઓછામાં ઓછો વીસથી પચ્ચીસ કિલો ખોરાક જોઈએ છીએ, પરંતુ સિંહ વિનાકારણે માનવભક્ષી બન્યો હોય તેવું જૂજ કિસ્સામાં જ જોવા મળ્યું છે, જે હિંસક પ્રાણી હોવા છતાં તેનો પ્લસ પોઈન્ટ છે. સિંહ મોટે ભાગે ઘાસખાઉ પ્રાણીઓ જેવાં કે સાબર, નિલગાય,ચિતલ અને પાલતુ પ્રાણીઓ જેવાં કે ગાય, ભેંસનો શિકાર કરે છે. ગીરવાસીઓના કહેવા પ્રમાણે નાની એવી કેડીમાં પણ જો સિંહનો સામનો થાય તો ડરવાની જરૂર નથી,
સિંહની ઉંમર અને દેખાવ પ્રમાણે તેની અલગ અલગ ઓળખ છે જેમકે મોટી ઉંમરના, બદામી રંગમાંથી જાંબલી રંગમાં ફેરવાયેલા સિંહને જાંબલો કહે છે. કેશવાળી નાની હોય,તાકાતવાન હોય તો તેને‘પાથડો’ તરીકે ઓળખે છે. સિંહના શરીરનાં નિશાનને આધારે પણ તેને નામ અપાય છે, જેમ કે ટીલવો. જો તેની પૂંછડીની ડોડી (વાળવાળો ગુચ્છો) કપાઈ ગઈ હોય તો તેને બાંડો કહે છે. એકલો હોય તો એકલ અને બે હોય તો બેલાર્ડ કહેવાય છે.
રાકેશ પંચાલ

