ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે બહાલી આપી દીધા પછી રાજ્ય સરકારે તેની સામે ક્યુરેટિવ એપ્લિકેશન કરી છે. બીજી તરફ લોકાયુક્તની નિમણૂક મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી કમિટી કરી શકે તેવી જોગવાઈઓની સંભાવનાવાળું નવું સૂચિત વિધેયક પણ આવી રહ્યું છે. જો કે આ સૂચિત વિધેયક સામે કોંગ્રેસ-જીપીપીએ બાંયો ચઢાવી છે. વિધાનસભા ગૃહમાં ૨૬મીના મંગળવારે કે સત્રની બે બેઠકો વધારી નવું વિધેયક પસાર કરાશે.
જેમાં અત્યંત મહત્ત્વની બાબત એ છે કે એક મુખ્ય લોકાયુક્ત તથા અન્ય ચાર ઉપ-લોકાયુક્તની નિમણૂંક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી સિલેક્શન કમિટી દ્વારા જ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.આ રીતે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંક અંગેના રાજ્યપાલની સત્તાના વિવાદને જ જડમૂળથી ઉખેડી નાંખવાની આબાદ સોગઠી રાજ્ય સરકારે મારી દીધી છે.જોકે,
વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર થયેલા આ વિધેયકને જ્યાં સુધી રાજ્યપાલની મંજૂરી નહીં મળે ત્યાં સુધી તે કાયદાના સ્વરુપે અમલમાં મૂકી નહીં શકાય,
તે પણ નક્કી જ છે છતાં હવે આગામી દિવસોમાં રાજ્યમાં '
નવા લોકાયુક્ત આયોગ’
ના કાયદાને મુદ્દે રાજકારણ ગરમ થશે તે નિશ્ચિત થઈ ગયું છે.
રાકેશ પંચાલ