www.GraminPatrika.com: પોલીસબેડામાં ખળભળાટ Blogger Widgets

પોલીસબેડામાં ખળભળાટ

પોલીસકર્મીઓના ટ્રાન્સફર
 આજે ખેડા જિલ્લામાં 369 જેટલા પોલીસકર્મીઓને બદલીઓના ઓર્ડર આપવામાં આવ્યાં છે. સમગ્ર જિલ્લામાં પોલીસકર્મીઓની થયેલી બદલીમાં નડિયાદ શહેરમાંથી 50થી વધારે પોલીસકર્મીઓની બદલી થવા પામી છે. આજે પોલીસ જવાનોના બદલીઓના ઓર્ડરો થતાં સમગ્ર ખેડા જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લા પોલીસ વડા જી.એસ. સિંઘલ દ્વારા એકસાથે 369 જેટલા પોલીસકર્મીઓની બદલીઓ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એલસીબી, એસઓજી અને નડિયાદ ટાઉનમાંથી મોટાભાગના પોલીસકર્મીઓની બદલીઓ કરી નાંખવામાં આવી છે.

બદલીઓ કરવાના કારણો

ખેડા જિલ્લાના ૧૮ જેટલા પોલીસ મથકોમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી સ્થળે ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી ન થતા વિવાદ સર્જાયો હતો. આ બાબતે 2મેના રોજ મહુધા તાલુકાના અલીણા ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નડિયાદ સ્થિત જિલ્લા પોલીસવડા સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને ત્રણ વર્ષ ઉપરાંત થી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવા તાકીદ કરવામાં આવી છે.

આથી ખેડા જિલ્લામાં ગૃહવિભાગના આ પરિપત્રનો અમલ થાય તે રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડા જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાં ઘણાં કર્મચારીઓ પાંચ-સાત વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. ઘણાં એએસઆઈ, હેડ કોન્સટેબલ તથા કોન્સ્ટેબલોને એક જ પોલીસ મથકમાં ત્રણ વર્ષ કે તેથી પણ વધુ સમય પૂર્ણ થયો હતો તેમ છતાં આવા મોટા ભાગના પોલીસકર્મીઓ પોતાના ગામ અને વતન પાસેના પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા હતાં






રાકેશ પંચાલ