નડિયાદ ખાતે રામ તલાવડી વિસ્તારની જમીન ઉપર જિલ્લા ગ્રંથાલયના નવા મકાનનું બાંધકામ કરવાની મંજૂરી મળી જવા પામી છે. જે માટે અંદાજે રૂ. 4 કરોડ 55 લાખનો ખર્ચ કરવામાં આવશે. 1975થી કાર્યરત જિલ્લા ગ્રંથાલયે અત્યાર સુધીમાં અનેક જગ્યાઓ બદલી છે. જેમાં સૌપ્રથમ ડભાણવગામાં આવેલ મણીબા મેન્શન, નડિયાદ જિલ્લા પંચાયત કચેરીની સામે તેમજ હાલના દિવસોમાં સરદાર ભુવનના બીજા માળે કાર્યરત છે. પરંતુ હવે જિલ્લા ગ્રંથાલયને પોતાનું મકાન મળવાની આશા બંધાઈ છે જે કારણોસર કર્મચારી અને વાંચકો ખુશ છે.
જિલ્લા ગ્રંથાલયના ઈન્ચાર્જના મતે
બે વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રંથાલયોને ઈ-ગ્રંથાલયમાં ફેરવવાનું આયોજન હાથ ધરાયું હતું. જે અંતર્ગત ખેડા જિલ્લા ગ્રંથાલયને રૂ. 1 કરોડ 20 લાખની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા ગ્રંથાલય માટે જમીનની ફાળવણી ન થઈ હોવાથી આ ગ્રાન્ટ વણવપરાયેલી રહી હતી. જે બાબતે અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો થઈ રહી હતી.જેથી જિલ્લા કલેક્ટર દ્વારા નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં તલાવડીની નજીક, જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાન સામેની સીટી સર્વે ન.987 પૈકીની 2000 ચો.મી જમીન ફાળવણીને મંજૂર કરવામાં આવી છે. આ જમીન ઉપર ગ્રંથાલય ભવનના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ, ખેડા દ્વારા 23મી જાન્યુ. 2012ના રોજ રજૂ કરાયેલ રૂ. 4,55,30,300ના ખર્ચ અંદાજને પણ મંજૂરી અપાઈ છે. જે પૈકી ચાલુ વર્ષે રૂ. 150 લાખની નાણાંકીય જોગવાઈ પણ મંજૂર કરવામાં આવી છે. બાકીની રકમ હપ્તાપેટે ગ્રાન્ટરૂપે ચૂકવવામાં આવનાર છે.
જિલ્લા ગ્રંથાલયના ઈન્ચાર્જ બી.એફ.ગઢવીએ જીજીએન સાથેની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગ્રંથાલયના નવા મકાનમાં સિનીયર સિટીઝન વિભાગ, બાળ વિભાગ તેમજ કોમ્પ્યુટર વિભાગ તેમજ યુવા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત ગ્રંથાલયમાં પ્રાથમિક જરૂરિયાતોની સાથે અત્યાધુનિક સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જેથી મહત્તમ વાચકવર્ગ લાભ મેળવશે તેવી આશા છે.ઉપરાંત રામ તલવાડી વિસ્તારમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં લોકોની અવરજવર વધશે જેનો લાભ જિલ્લા ગ્રંથાલયને થશે. હાલના દિવસોમાં બાળકોને રમવાના સાધનો ઉપલબ્ધ છે પરંતુ પુરતી જગ્યાના અભાવે તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. પરંતુ નવા મકાનમાં બાળકો માટે ગ્રંથાલયમાં વિશેષ આયોજન કરવામાં આવશે જેથી ગ્રંથાલયનો મહત્તમ ઉપયોગ થઈ શકે. પરીક્ષા દરમ્યાન ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે. જેથી જિલ્લા ગ્રંથાલયના નવા અત્યાધુનિક મકાનમાં વિદ્યાર્થીવર્ગનો ઉમેરો થશે.
વાંચકો શું કહી રહ્યાં છે ?
સીએનો અભ્યાસ કરી રહેલા ફકીમ અન્સારીના મતે તેઓ એક વર્ષથી જિલ્લા ગ્રંથાલયમાં વાંચન માટે આવે છે. તેમણે જીજીએન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં અનેક વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે. પરંતુ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સરકારી મકાનમાં બીજા માળે જિલ્લા ગ્રંથાલય કાર્યરત હોવાથી ટોયલેટ તેમજ ઠંડા પાણી માટે વારંવાર નીચે જવું પડે છે. પરંતુ જિલ્લા પંચાયતનું પોતાનું નવું મકાન બનવાથી આ બાબતે રાહત થશે તો ચોક્કસ વિદ્યાર્થીઓમાં ઉમેરો થશે.
ઘણા વર્ષોથી વાંચન માટે જિલ્લા ગ્રંથાલયમાં આવતા રસિકભાઈ પટેલના મતે સરદારભુવનમાં કાર્યરત ગ્રંથાલય શહેરના મુખ્ય વિસ્તારમાં હોવાથી અવર-જવર માટે રીક્ષા તેમજ સાધનની જરૂર પડતી નથી. પરંતુ નવું ગ્રંથાલય શહેરની બહારના વિસ્તારમાં થશે. જેથી દરરોજ ગ્રંથાલય જવું ખર્ચાળ સાબિત થશે..

