1મેના રોજ ગુજરાતનો સ્થાપના દિન છે. આ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ નડિયાદમાં છે. તેમ છતાં આ દિવસે સંતરામ મંદિર પાસે આવેલ ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાનો અનાદર થઈ રહ્યો છે. આ દિવસે પ્રતિમાની સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી. જો કે નવાઈની વાત એ છે કે આ ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાનું બે વર્ષ અગાઉ એટલે કે ૨૦૧૦ના વર્ષમાં જ ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નડિયાદમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી દરમ્યાન નિર્માણ થયું હતું
મહાગુજરાત આંદોલન શું હતું?
સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને૧લી મે, ૧૯૬૦ ના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. આ મહાગુજરાત આંદોલનના પ્રણેતા નડિયાદના ઈન્દુલાલ યાજ્ઞિક હતાં.
નડિયાદના ઈન્દુલાલ યાજ્ઞિકનો ફાળો
અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા માટે સપ્ટેમ્બર-૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલ મહાગુજરાત ચળવળને ચાર-ચાર વર્ષનાં વહાણાં વાયાં બાદ છેવટે ૧લી મે, ૧૯૬૦નાં રોજ સફળતા મળી જ્યારે કેન્દ્ગ સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો.
ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું અને હાલનાં સ્વર્ણિમ અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ થયું. ગુજરાતને વિભાજિત કરવા માટે ઈ.સ.૧૯૫૮ થી ઈ.સ. ૧૯૬૦ના સમયગાળામાં ચાલેલા મહાગુજરાતની ચળવળમાં આંદોલનનો શંખનાદ કરી ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનું પ્રદાન અત્યંત નોંધપાત્ર છે
ઈન્દુલાલ યાજ્ઞિકની કાર્ય પ્રત્યેની દ્રષ્ટિ
મહાગુજરાત આંદોલનની ચળવળ સમયે પોતાની પાસેની ઝોળીમાં સીંગ-ચણા લઈને રાતદિવસ જોયાં વિના ગુજરાતને અલગ અસ્તિત્વની ઓળખ આપનારાં ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું કે ‘હું તો... પગથી પર જીવતો આદમી છું. સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તોપણ કાર્ય કરતાં કરતાં જ.’
ઈન્દુલાલ યાજ્ઞિક –એક નજર
ઈન્દુલાલ યાજ્ઞિક –એક નજર
ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં 22મી ફેબ્રુઆરી 1882ના રોજ થયો હતો. જેમને મહાગુજરાતના પ્રણેતા તરીકે ઓળખાય છે. તેમનું અવસાન 17મી જુલાઈ,1972ના રોજ થયું હતું. તેમણે બી.એ અને એલ.એલ.બીનો અભ્યાસ કર્યો હતો. તેમના જીવનકાળમાં ઈન્દુભાઈ યાજ્ઞિકે અનેક ક્ષેત્રમાં કામ કર્યું હતું જેમાં વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણનો સમાવેશ થાય છે.
1912માં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બે વર્ષ વકીલાત કરી હતી. ત્યારબાદ 1915માં પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. જેમાં બે સામાયિકો યંગ ઈંડિયા અને નવજીવનની શરૂ કરી હતી. જે બાદમાં ગાંધીજીને સોંપ્યાં હતાં. 1925થી 1930ના ગાળા દરમ્યાન વિદેશયાત્રા કરી હતી. 1956માં મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા બની ગયા હતાં.
આ ઉપરાંત અમદાવાદના મિલમજૂરોના નેતા, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા, અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો. અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતાં. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે નવલકથા માયા અને આત્મકથા છ ભાગમાં લખી હતી. આ ઉપરાંત અમુક નાટકોનો પણ સમાવેશ થાય છે.
નડિયાદમાં અવગણના પહેલી વખત થઈ ?

