![]() |
| પુસ્તક વગર ભણી રહેલા બાળકો |
ચરોતરમાં કોમર્સ અને આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. જેમાં એમ.કોમ અને એફ-વાય બીએ, બી.કોમ તેમજ એમ.એના વિદ્યાર્થીઓ માટે નવા સિલેબસ પ્રમાણે ક્લાસ લેવામાં આવી રહ્યાં છે. પરંતુ નવા સિલેબસની ચોપડીઓ બજારમાં ઉપલબ્ધ નથી. ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. બુક સ્ટોલમાં હજૂ સુધી કોઈ પણ પ્રકાશન તરફથી ગુજરાતી ભાષામાં ચોપડીઓ વેચાઈ રહી નથી. જેથી જેમ-તેમ કરીને પાસ થવાની તૈયારીમાં લાગી ગયા છે.
ગુજરાત સહિત ચરોતરના વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોના અભાવે ચિંતામાં મૂકાઈ ગયા છે. નડિયાદ અને આણંદ શહેરમાં અનેક આર્ટસ અને કોમર્સ કોલેજો આવેલી છે. જેમાં હજારોની સંખ્યામાં ભણી રહેલા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે પ રંતુ વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે પાસ થશે તે બાબતે શંકા સેવી રહ્યાં છે. હાલના દિવસોમાં એફ-વાય બી.એની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે એમ.કોમની પરીક્ષા 17મી મેથી શરૂ થવાની તૈયારીઓમાં છે. તેવામાં આ પરીક્ષાઓની તૈયારી કેમ કરવી તે બાબતે વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા છે.
વિદ્યાર્થીઓ શું કહી રહ્યાં છે ?
વિદ્યાર્થીઓ શું કહી રહ્યાં છે ?
આ વખતે એફ-વાય બી.એની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના મતે અમારે નવો સિલેબસ છે. અને તેની ચોપડીઓ બજારમાં ઉપલબ્ધ નથી. નવા સિલેબસ પ્રમાણે કોલેજમાં ભણેલા પ્રોફેસર જે મટીરીયલ આપે છે તે વાંચીને ફક્ત પાસ થઈ શકાય તેમ છે. જ્યારે પરીક્ષાઓમાં એવા પણ પ્રશ્નો આવે છે જે અમે ભણ્યાં નથી. ત્યારે અમારે કેવી રીતે વાંચન કરવું તે સમજાતું નથી.પ્રોફેસર પાસે પણ નવા સિલેબસ પ્રમાણે મટીરીયલ નથી. તે ફક્ત વિવિધ રેફરન્સ બુકોમાંથી ભણાવી રહ્યાં છે. જ્યારે એમ.કોમની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના મતે એમ.કોમના પાછલા બે વર્ષથી આ પ્રકારની સમસ્યા છે. જેમાં તેમને વાંચવા માટે ચોપડીઓ નથી. જેથી અમારી પાસે પ્રોફેસર દ્વારા આપવામાં આવેલી વિગતોમાંથી જ વાંચવાની ફરજ પડી છે. જેથી હાલના દિવસોમાં ભગવાન ભરોસે તૈયારીઓ કરી રહ્યાં છે. જો પરીક્ષામાં નવા સિલેબસ પ્રમાણે વધારાના પ્રશ્નો પુછાશે તો લખવું અશક્ય બાબત બની જશે. વધારે અભ્યાસ માટે વિવિધ રેફરન્સ બુકોનો સહારો લેવામાં આવે છે પરંતુ અંગ્રેજીમાં હોય છે જેથી સમજણ ઓછી પડે છે.
કોલેજના પ્રિન્સિપાલ શું કહી રહ્યાં છે ?
નડિયાદ ખાતે આવેલી સી.બી.પટેલ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.મનોજ પટેલના મતે નવા સિલેબસ પ્રમાણે કોલેજમાં પ્રોફેસર ભણાવી રહ્યાં છે, જેથી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારીઓનું મટીરીયલ છે. પરંતુ એક્સટર્નલ તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે. એક્સટર્નલ વિદ્યાર્થીઓને બજારમાંથી તૈયાર પુસ્તકો મળી રહ્યાં નથી. જેથી તેમને મટીરીયલ પોતે બનાવવું પડે છે. જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને પ્રોફેસર દ્વારા જે મટીરીયલ આપવામાં આવે છે જેથી કોઈ મુશ્કેલી પડતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધારાની તૈયારીઓ કરવા માટે કોલેજની પુસ્તકાલયમાં વિવિધ ચોપડીઓ ઉપલબ્ધ છે જેના સહારે વિદ્યાર્થીઓ સારી તૈયારીઓ કરી શકે તેમ છે.
ચોપડીઓના વિક્રેતા શું કહી રહ્યાં છે ?
ચોપડીઓના વિક્રેતા શું કહી રહ્યાં છે ?
અભ્યાસને લગતી ચોપડીઓનું વેચાણ કરતા વેપારીઓના મતે નવા સિલેબસની ચોપડીઓ કોઈ પણ પ્રકાશન તરફથી છાપવામાં આવી નથી. જેથી બજારમાં ઉપલબ્ધ નથી. જેમાં સૌથી વધારે મુશ્કેલી એમ.એ પાર્ટ 1 અને પાર્ટ -2 ,એફ-વાય બી.એ, બી.કોમ અને એમ.કોમના વિદ્યાર્થીઓને થઈ રહી છે. તેમના સિલેબસ બદલાઈ ગયા છે. પરંતુ બજારમાં એકાઉન્ટ, ઈકોનોમીક્સ, ધંધાકીય વ્યવસથા, મનોવિજ્ઞાન જેવા વિષયના ગુજરાતીમાં પુસ્તકો મળી રહ્યાં નથી. જેથી તેમને ફક્ત કોલેજમાંથી આપવામાં આવેલ મટીરીયલમાંથી અભ્યાસ કરવાની ફરજ પડી છે.
રાકેશ પંચાલ

