![]() |
| મહેમદાવાદની અનોખી સંસ્થા |
ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે સાંઈબાબા ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્રારા અન્નક્ષેત્ર ચલાવામાં આવે છે. જેમાં નિરાધાર, અશક્ત, સંતાનોથી તરછોડાયેલા જરૂરિયાતમંદોને માત્ર એક રૂપિયામાં ઘરે બેઠાં મોબાઈલ ટિફિન સેવા આપવામાં આવે છે. પહેલી જુલાઈ,2005ના રોજ સાંઈબાબા અન્નક્ષેત્રની સ્થાપના કરવામાં આવી હતી. જે આજ દિન સુધી અવિરતપણે ચાલી રહી છે.
પાંચ ટિફિનથી શરૂ કરવામાં આવેલી આ ટિફિનસેવા હાલના સમયમાં 35 ટિફિનો સુધી પહોંચી છે. 65 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા જરૂરિયાતમંદને ઘરે બેઠા ટિફિન પહોંચાડવામાં આ સંસ્થાના સ્વંયસેવકો જરૂરિયાત મુજબ પગપાળા, સાઈકલ કે વાહનનો સહારો લે છે. જોકે આ ટિફિન સેવા માત્ર મહેમદાવાદ શહેરમાં જ કાર્યરત છે.
માત્ર એક રૂપિયામાં ટિફિનની સેવા આપતી સંસ્થા દ્રારા સોમવારે રોટલી, શાક, વઘારેલો ભાત અને બે નંગ કેળા, મંગળવારેના દિવસે દાળ, ભાત, રોટલી, શાક, બુધવારેના રોજ મગ, ભાત, રોટલી, શાક આ ઉપરાંત શનિવારે રજવાડી ખીચડી અને રવિવારે મીઠાઈ તેમજ અગિયારસના દિવસે ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. સંસ્થાના પ્રમુખના મતે એક રૂપિયા જેવી નજીવી રકમ ટિફિનસેવા માટે રાખવામાં આવી છે. ટિફિનની સેવા લેનાર મફ્ત ખાઈ રહ્યો છે તેમ ન લાગે તેથી એક રૂપિયા જેવી નજીવી રકમ નક્કી કરવામાં આવી છે.
સાંઈબાબા અન્નક્ષેત્ર શરૂ કરવાનો વિચાર ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વકીલને ત્યારે આવ્યો જ્યારે તેઓ પુટ્ટપર્થીના સાંઈબાબાના દર્શનાથે જઈ રહ્યાં હતાં. ત્યાં જંગલમાં શિવપાર્વતીનું વૃક્ષ છે. આ વૃક્ષને મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ તરીકે લોકો ઓળખે છે. આ વૃક્ષની નીચે બેસીને અશોકભાઈને અન્નક્ષેત્ર શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને ત્યાર બાદ વર્ષ 2005માં સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને તે મારફતે સાંઈબાબા અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી.
સાંઈબાબા ટ્ર્સ્ટના પ્રમુખ અશોકભાઈના જણાવ્યાં અનુસાર દાતાઓ અમને તૈયાર સીધું આપે છે. જેમાં તુવેરદાળ, ચણા, મોરસ, ચોખા, કપાસિયા તેલ, સિંગતેલ, ઘી, જીરૂં, મેથી, રાઈ, અગિયારસ નિમિત્તે મોરૈયો વગેરે અમારા કાર્યાલયને મોકલી આપે છે.
રાકેશ પંચાલ

.jpg)