www.GraminPatrika.com: કઠલાલના લાચાર ખેડૂતો Blogger Widgets

કઠલાલના લાચાર ખેડૂતો


કઠલાલના લાચાર ખેડૂતો

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ફાગવેલ ગામ પાસે આવેલ પોરડા ગામના ખેડૂતો સિંચાઈના પાણીની વંચિત છે. છેલ્લા અનેક દાયકાઓથી આ ખેડૂતો પાસે સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી.પોરડા ગામ સહિક કઠલાલ તાલુકાના ફાગવેલ મુવાડાના 42 ગામ તેમજ માલઈતાડીના 12 મુવાડા ગામોને સિંચાઈના પાણીની સમસ્યા છે. જે કારણોસર આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસા દરમ્યાન ખેતી કરે છે. જ્યારે બાકીના મહિના જમીનમાં પાણીની તંગીના કારણે પાક વગરના સૂકા પડી રહી છે. ચોમાસા દરમ્યાન આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી કરે છે. જેમાં મકાઈ,તુવેર,બાજરી જેવા પાક પકવે છે.જ્યારે બાકીના મહિનાઓ દરમ્યાન ખેડાના બીજા તાલુકાઓમાં ખેતમજૂરી કરવા માટે જાય છે.


સિંચાઈના પાણીના અભાવની સાથે ગ્રામજનોને પીવા અને વપરાશના પાણી માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે.  દરેક ફળિયે ખુલ્લી પાણીની પાઈપ ખાડા ખોડીને મૂકી દેવામાં આવી છે. જેમાં અઠવાડિયામાં અમુક દિવસોમાં એક ટાઈમ પાણી છોડવામાં આવે છે. જે કારણોસર ગ્રામજનોને વપરાશ તેમજ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે. જે માટે લાંબી લાઈનો લાગી જાય છે.અને તેમા વળી પાણીનો ફ્લો ઘણો ધીમો હોય છે. જેથી પાણી પુરતા પ્રમાણમાં ભરી શકાતુ નથી. આ ઉપરાંત પાણી ખુલ્લી રીતે વહેતુ હોવાથી ગામમાં ગંદકી પથરાઈ જાય છે. ગંદકીના કારણે બિમારીનો ભોગ ગ્રામજનો બનવા પામે છે. પરંતુ ગામનું સરકારી આરોગ્ય કેન્દ્ર કેટલાંય વર્ષોથી બંધ છે. જે કારણોસર કઠલાલના આરોગ્ય કેન્દ્રમાં જવાની ફરજ પડે છે. કઠલાલા તાલુકાના પોરડા સહિત અનેક ગામો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તેમ ગ્રામજનો જણાવી રહ્યાં છે.

પોરડા-ફાગવેલ ગામમાં 25થી વધારે હેન્ડપંપ લગાવામાં આવ્યા છે. પરંતુ તેમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કારણકે જમીનું પાણી ઉંડુ ઉતરી ગયું છે. જે કારણોસર હેન્ડપંપથી પાણી આવતુ નથી. જેથી હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જોકે આ બાબતે ગ્રામપંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છંતા કોઈ જ ફેરફાર થયો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર ફાગવેલ-પોરડા ગામ પાસેથી મુખ્ય નર્મદા કેનાલ માત્ર ત્રણ કિલોમીટર છે. જ્યાંથી અમારા વિસ્તારને નાની કેનાલ કરી આપવામાં આવે તેવી માંગણી અનેક વખત કરવામાં આવી છે. આ માટે થનારો ખર્ચ ગ્રામજનો ઉપાડવા તૈયાર છે. તેમ છંતા આ બાબતે તંત્ર આંખ આડા કાન કરે છે. ગ્રામપંચાયતમાં રૂપિયા આવે તે હેતસુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ગામને સમરસ બનાવવામાં આવ્યું.ગ્રામપંચાયત પાસે રૂપિયા પણ આવ્યાં છે તેમ છંતા આ બાબતે પગલા ભરવામાં આવ્યા નથી. સિંચાઈના પાણીના અભાવે કેટલાંય ખેડૂતો પોતાની જમીન વેચી દેવા માટે મજબૂર બની ગયા છે. તેમના મતે સામાજિક પ્રસંગો કાઢવા માટે રૂપિયાની જરૂર પડે છે.હાલના દિવસોમાં  હાઈ-વેની ફરતે જમીનોના રૂપિયા સારા આવી રહ્યાં છે. જેથી ખેડૂતો પોતાની જમીન વેચીને રૂપિયા લેતા હોય છે અને પોતાની સામાજિક જવાબદારીઓ પુરી કરી રહ્યાં છે. સિંચાઈના પાણીના અભાવે ખેતીલાયક જમીન વેચવી પડે છે.

અનેક દાયકાઓથી કઠલાલ તાલુકાના કેટલાંય ગામો એકસરખી પાણીની સમસ્યાથી વેઠી રહ્યાં છે. ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. અને જો ખેડૂતો મુખ્ય કેનાલમાંથી પાણી ખેતર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે તો ઘણી મોંઘી સાબિત થાય છે. જે કારણોસર ખેડૂતો ચોમાસ દરમ્યાન ખેતી કરવાનું વધારે પંસદ કરે છે. અને બીજા મહિનાઓમાં બીજા પંથકમાં ખેતમજૂરી કરવા જાય છે. જો આ બાબતે તંત્ર સક્રિય બની યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.