ખાણીપીણીના ઘંધામાં ગેસની આગ મોંઘી
જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતાં ભાવ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 224 રૂપિયાનો ભાવ વધી જવા પામ્યો છે. જેથી હોટલ તેમજ ખાણીપીણીની લારીવાળા ચિંતામાં મૂકાઈ ગયા છે. ખાણીપીણીના વ્યવસ્યા સાથે સંકળાયેલા લોકોના મતે આ કોમર્શિયલ ગેસના વધેલા ભાવના કારણે ખાણીપીણીની ચીજ-વસ્તુઓ મોંઘી થશે. જેની અસર પરોક્ષ રીતે જનતાને થશે.એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે ઓઈલ કંપની કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવા મજબૂર છે.
જોકે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દર માસે બદલાતા રહે છે. હાલના ભાવ અને ગત વર્ષ આજ સમયગાળાના ભાવની સરખામણી કરવામાં આવે તો હાલના દિવસોમાં કોમર્શિયલ ગેસમાં 300 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. જોકે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર 15 ટકા વેટ વસૂલવામાં આવે છે. જેના કારણે વપરાશકારો ઉપર આર્થિક બોજો વધી જાય છે.જો આ વેટ દૂર કરી દેવામાં આવે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 150થી 200 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે તેમ છે. તેમ દુકાનદારો જણાવી રહ્યાં છે.
ખેડા-આણંદ જિલ્લાના હોટલ, રેસ્ટોરન્ટ માલિકો ગેસના વધી રહેલા ભાવને કારણે ચિંતામાં મૂકાઈ ગયા છે. જોકે જેના કારણે ખેડા-આણંદ જિલ્લામાં કેટલાય ખાણીપીણીની લારીઓવાળા ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરનો વપરાશ કરી રહ્યાં છે. જોકે ખાણીપીણીના વ્યવસ્યા સાથે સંકાળાયેલા લોકોના મતે અમારે નાછૂટકે આ પ્રકારે ગેરકાનૂની કામ કરવુ પડે છે. એક તરફ કોમર્શિયલ ગેસ પોષાય તેમ નથી. જો કોમર્શિયલ ગેસનો વપરાશ કરવામાં આવે તો અમારે ખાણીપીણીની ચીજ-વસ્તુઓના ભાવ વધારી દેવા પડે અને જો ભાવવધારો કરી દેવામાં આવે તો ગ્રાહકો આવતા નથી. જેથી છેવટે ઘંધાને અસર થાય છે. જેથી નાછૂટક હાલના દિવસોમાં ડોમેસ્ટીક ગેસનો વપરાશ વેપારીઓ કરી રહ્યાં છે. એપ્રિલ 2011માં 1098.92 રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડરની એપ્રિલ 2012માં કિંમત 1840.50 સુધી પહોંચી ગઈ છે.ઘર વપરાશના સિલિન્ડર ઉપર કેન્દ્ર સરકારની સબસીડી મળે છે. અને ભાવને કાબૂમાં રાખવા વેટ પણ દૂર કરવામાં આવ્યો છે. જે કારણોસર કોમર્શિયલ સિલિન્ડરની સરખામણીમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર સસ્તો પડે છે.
નડિયાદમાં ખાણીપીણીની હોટલ અને અનેક લારીઓમાં ડોમેસ્ટીક સિલિન્ડરનો વપરાશ થઈ રહ્યો છે. આ બાબતની માહિતી પોલીસને મળતા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી. આ રીતે વપરાશમાં લેવાતા રાંધણ ગેસની જાણ પુરવઠા વિભાગને ત્યારે થઈ જ્યારે નડિયાદ ટાઉન પોલીસ પાંચ હાટડી વિસ્તારમાં બાતમીના આધારે જુગારીઓને પકડવા ગઈ હતી. પરંતુ ત્યાં સ્થાનીય રહેવાસીઓ અને પોલીસ વચ્ચે તકરાર થવા પામી હતી. જે દરમ્યાન પોલીસની નજરમાં એક હોટલમાં પડી રહેલા સાત જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ચઢી ગયા હતાં. જે કારણોસર તેમણે તાત્કાલિક પુરવઠા વિભાગને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં હતી. જોકે હાલના દિવસોમાં ખાણીપીણાના વ્યવસ્યામાં ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા વેપારીઓમાં આ ઘટના બાદ ચિંતામાં મૂકાઈ ગયા છે. લોકોના મતે પુરવઠા વિભાગ દ્રારા આ બાબતે નડિયાદ તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો અનેક ખાણીપીણીની હોટલ અને લારીઓમાંથી ડોમેસ્ટીક ગેસ સિલિન્ડર પકડાય તેમ છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ

