છેલ્લાં પાછલા બે વર્ષથી સતત મોંઘવારી વધતી રહી છે. જેથી દરેક તહેવાર મોંઘવારીના કારણે ખર્ચાળ સાબિત થયો છે. તેવામાં આ વર્ષે હોળી-ધૂળેટીની પર્વની ઉજવણી દરમ્યાન ખવાતા ધાણી,ચણા, ખજૂર,હારડાં અને ઘંઉની સેવના ભાવ ગત વર્ષ કરતા ઓછા રહ્યાં છે. જેથી લોકોને ફાયદો થઈ રહ્યો છે.
લોકોની ધારણા હતી કે આ વખતે હોળી-ધૂળેટી મોંઘી પડશે. પરંતુ લોકોની ધારણાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા તેમજ ભાઈચારો અને હર્ષોલ્લાસભર્યા આ હોળી-ધૂળેટીના પર્વને આનંદથી ઉજવવા માટે લોકો તૈયાર જણાઈ રહ્યાં છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ ઓછો હોવાના કારણે વેપારીઓને સારી ઘરાકી હોવાની વાત જણાવી રહ્યાં છે. ગત વર્ષે ખજૂરનો ભાવ પ0થી 65 રૂપિયે કિલો રહ્યો હતો. જેનો ભાવ આ વખતે 36થી 60 રૂપિયે કિલો રહ્યો છે. જ્યારે ચણાનો ભાવ ગત વર્ષે 60 રૂપિયે કિલો હતો. જેનો આ વખતે ભાવ 55 રૂપિયે કિલો રહ્યો છે. જેથી ચરોતરવાસીઓને આ વખતે ખરીદી દરમ્યાન ચણા,ખજૂર,ધાણી,હારડાં, ઘંઉની સેવની ખરીદી દરમ્યાન 100 રૂપિયા જેટલો ફાયદો જણાઈ રહ્યો છે.
જોકે અમુક લોકોના મતે આ વખતે ખાવાની વસ્તુમાં ઘટાડો થયો છે. જેથી થોડી ઘણી બચત થવા પામી છે. પરંતુ બીજી તરફ પિચકારી અને કલરના ભાવમાં થોડો વધારો થયો છે. જેથી આ બચતનો સીધો ઉપયોગ તેમાં બંધ બેસી જાય છે. તેમ છંતા ખાવાની ચીજ-વસ્તુમાં થયેલા ઘટાડાના કારણે ચોક્ક્સ આ વખતે આ પર્વની ઉજવણીમાં થોડી રાહત મળી છે.
છેલ્લે નજર કરીએ હોળીમાં વપરાતાં લાકડાની તો દરેક વર્ષે ચોકે ચોકે થતી હોળીમાં વપરાતા લાકડા ધોળકા, ધંધૂકા,ખેડા અને દસક્રોઈના જંગલ વિસ્તારમાંથી લીમડો, ખિજડો સહીતના અનેક વૃક્ષોના સૂકા લાકડાનો જથ્થો હોળી અગાઉના એક મહિનાથી લાતીઓમા ઠલવાવામાં આવે છે. ત્યારબાદ હોળીમાં ગોઠવી શકાય તેવા લાકડા જુદા પાડી થપ્પાં લગાવી ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે લાકડાનો જથ્થો ઓછો રાખવામાં આવ્યો છે.
વેપારીઓના મતે ચરોતરમાં એક સમય એવો હતો કે જ્યારે પ્રત્યેક હોળીમાં 100 મણથી વધુ લાકડાનો વપરાશ હતો. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી હોળીના લાકડાઓની ખરીદી સતત ઘટી રહી છે. અને હાલના દિવસોમાં મોટી હોળીને જગ્યાએ નાની હોળી પ્રગટાવામાં આવી રહી છે જેથી લાકડાની વપરાશ ઓછા પ્રમાણમાં થઈ રહી છે. જેથી ભાવ નિયંત્રણમાં રહ્યાં છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ

