| ચરોતરને બેવડી ઋતુની સજા |
ધીમે ધીમે શિયાળાની ઋતુનો અંત અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભનો પ્રારભ થઈ ગયો છે. ગત સપ્તાહ મહત્તમ અને લધુત્તમ તાપમાન નીચું રહ્યા બાદ શનિવારથી તાપમાન ઉંચું જવા લાગ્યું હતું. જે બપોર દરમ્યાન 35 ડીગ્રીની નજીક પહોચી જાય છે. જેથી લોકોને ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે સવારે અને સાંજ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. જેથી ઠંડીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. જેથી હવામાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે. પવનની ગતિ પણ ધીમી પડી હોવાથી બપોરે વાતાવરણમાં ગરમાવો આવી જાય છે. જેથી તાપમાન ઉંચું રહે છે. જોકે હજુ ચરોતરવાસીઓને અઠવાડિયા સુધી ઠંડી-ગરમીનો અનુભવ થશે.
એક તરફ ચરોતરમાં લાખોની સંખ્યામાં ડાકોર ખાતે લોકો ભેગા થઈ રહ્યાં છે. જેઓ દૂર-દૂરથી પદયાત્રા કરીને ડાકોર પહોંચી રહ્યાં છે. જેમની સ્થિતી બપોર દરમ્યાન દયનીય બની જાય છે. બપોર દરમ્યાન મોટે ભાગે લોકો આરામ કરવાનું પસંદ કરે છે. જ્યારે વહેલી સવારે ડાકોર તરફ ચાલવાનું પસંદ કરે છે. ગામડાંઓમાં નાના-નાના ભૂલકાઓ બપોરની ગરમીનો ભરપૂર આનંદ લઈ રહ્યાં છે. નાના-નાના ભૂલકાઓની શાળાઓમાં રજાઓ ચાલી રહી છે. જેથી તેઓ બપોરમાં સ્થાનીય નહેરોનો સ્વીમીંગ પૂલ તરીકે ઉપયોગ કરતા જણાઈ રહ્યાં છે. તો બીજી તરફ તરબૂચના વેપારીઓ મુંઝાઈ ગયા છે કારણકે તેમના ગ્રાહકો માત્ર બપોર દરમ્યાન જોવા મળે છે. જ્યારે વાતાવરણમાં ઠંડી પ્રસરાઈ જાય છે. જેથી સાંજે અને રાત્રિએ લોકોના ટોળાં તરબૂચ ખાવા માટે આવતા નથી. તેમને આશા છેકે જ્યારે ગરમી પોતાની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે રાત્રી દરમ્યાન ફેમીલીના ટોળાં પણ તરબૂચની લારીએ દેખાશે. જોકે હાલના દિવસોમાં ટોપીઓ અને ગ્લાસમાં વધુ પ્રમાણમાં વેચાણ જોવા મળી રહ્યું છે. લોકોએ ગરમી દરમ્યાન વપરાશમાં આવતી ચીજ-વસ્તુઓની ખરીદી શરૂ કરી દીધી છે. તો બીજી તરફ રાત્રિ દરમ્યાન લોકો રોડ ઉપર સાલ ઓડીને ચાલતાં પણ નજરે પડે છે. જોકે લોકોને આશા છેકે આ બેવડી ઋતુની સજા માત્ર એક અઠવાડિયા સુધી ચાલશે ત્યાર બાદ ગરમી પોતાની અસર બતાવશે ત્યારે આ ઠંડીની મજા ઓછી થઈ જશે. જેથી હાલના દિવસોમાં આ બેવડી ઋતુની સજાનો આનંદ લેતા પણ લોકો જણાઈ રહ્યાં છે.
જિલ્લામાં બેવડી ઋતુના કારણે જિલ્લાવાસીઓમાં શરદી, ઉધરસ તેમજ તાવની તકલીફો જોવા મળી રહી છે. અને આ સામાન્ય બિમારીની વ્યાપક ફરિયાદો હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. આ વર્ષે જેમ શિયાળાનો અસલી મિજાજ છેલ્લે છેલ્લે જોવા મળ્યો તેવો ઉનાળાનો મિજાજ શરૂઆતથી જ જોવા મળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉનાળામાં અસહય ગરમીનું પ્રમાણ જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ સુર્યદેવ પ્રકોપ વરસાવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હાલથી જ બપોરના સમય દરમિયાન જિલ્લાવાસીઓએ ફરજીયાત પણે પંખા, એ.સી. ચાલુ કરી બેસવુ પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો આકરો સાબિત થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
રાકેશ પંચાલ
