હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવતો ઉત્સવ અને ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવસમાજમાં રહેલી અસદ્દવૃતિને બાળવાનો સંદેશ આપતો ઉત્સવ છે. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો નહીં પણ આપણાં જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કચરાને પણ બાળવો જોઈએ. ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે.
અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સ્વરૂપે, બાળભક્ત પ્રહલાદની યાદમાં પરંપરા અનુસાર હોળીના દિવસે ચરોતરમાં 1850 ઉપરાંતના સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ હોળી માતાની પૂજા-અર્ચના કરીને પાણીની ધાર સાથે પ્રદક્ષિણા કરી હતી. પ્રગટેલ હોળીમાં આંબાના મ્હોર, બિલ્વફળ, ધાણી,ચણા, શ્રીફળ સહિતની ચીજવસ્તુ ધાર્મિક પરંપરા અનુસાર અર્પણ કરી હતી. નજજાત શિશુઓને હોળી માતાના દર્શન કરાવવામાં આવ્યા હતા.
હોળીનો મુખ્ય તહેવાર મારવાડી અને રાજસ્થાની સમાજમાં સૌથી વધુ ઉજવાતો જોવા મળે છે. જેમાં હોળીના રાત્રે મારવાડી સમાજના વ્યક્તિઓ ભેગા થઈ લાકડાના નાના બાંબુ વડે રાસ રમે છે. આ રાસ જોવા માટે અનેક લોકો એકત્રિત્ર થાય છે. નડિયાદના મારવાડીવગામાં આ રાસનો અનેરો મહિમા છે. જીલ્લાના વડા મથક નડિયાદ ઉપરાંત ખેડા,માતર, મહુધા જેવા દશ તાલુકાઓમાં 750થી વધુ ગામડાંઓમાં અઢારસોથી પણ વધુ હોળી પ્રગટાવાઈ છે. માત્ર નડિયાદ શહેરમા જ ગલીએ ગલીએ પ્રગટતી 220થી વધુ હોળીમાં લાખ્ખો મણ લાકડું હોમાયું છે.
ચાલુ વર્ષે અનાજની માટલી વચ્ચે હોળી પ્રાગટ્ય, આર.સી.સી રોડ ઉપર કાંચી ઈંટોની પથારી ઉપર હોળી, અને 56 રંગોની રંગોળી વચ્ચે થતી હોળીની વિશેષતાઓ નડિયાદ શહેરમાં જોવા મળી છે. આ વખતની હોળીમાં યુવાનો દ્રારા એક નવો તરીકો અજમાયો છે. જેમાં યુવાનોએ ડીજેના તાલ પર હોળીના ગીતો વગાડી અબીલ ગુલાલની છોળો વરસાવી છે.
રાકેશ પંચાલ
