www.GraminPatrika.com: મજૂરોનો હલ્લાબોલ Blogger Widgets

મજૂરોનો હલ્લાબોલ

મજૂરોનો કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ
 છતીસગઢથી ગુજરાતમાં મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ ખાતે ઈંટોના પાડવાના કામકાજ માટે  આવેલા મજૂરોને ઘણા મહિનાઓથી મજૂરી મળી ન હતી. અને મજૂરી માટે માલિકને વારંવાર કહેવામાં આવતા માલિક દ્રારા મજૂરોને ધમકાવામાં આવતા હતાં.જે કારણોસર દશેરાથી મજૂરી વગર કામ કરેલી આ છતીસગઢના મજૂરોએ નડિયાદ ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં  પોતાની ઘરવખરીનો સામાન લઈ આવી પહોંચ્યા હતાં. ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા 30 જેટલા મજૂરોના મતે છ મહિનાથી અમને ઈંટો બનાવવાનું કામ કરતા હતાં. અમારા માલિક સાથે એક હજાર ઈંટોના 600 રૂપિયા પ્રમાણે મહેનતાણું આપવાનું નક્કી કરાવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા છ મહિનાથી અમને એક રૂપિયો પણ આપવામાં  આવ્યો નથી. તેમજ આ અંગે ફરિયાદ કરવામાં આવશે તો કોઈ વેતન આપવામાં નહીં તેમ કહી ધમકાવામાં આવતા હતાં.  જે કારણોસર અમને યોગ્ય ન્યાય મળી રહે તે માટે અમે બધાં ભેગા થઈ ઘરવખરી સાથે કલેક્ટર કચેરીએ આવી પહોચ્યાં હતાં. જોકે  અંતે મજૂરોને આ બાબતે  તપાસ કરી આગળની કાર્યવાહી કરવાની  હૈયાધારણા કલેક્ટર કચેરી તરફ આપવામાં આવી છે.

   આ અંગે એક મજૂરના જણાવ્યા અનુસાર છતીસગઢથી એક રામેશ્વર નામનો એક વ્યક્તિ 30 જેટલા મજૂરોને લઈ આવ્યો હતો. ઈંટોના ભઠ્ઠામાં સારા પૈસા મળશે તેમ સમજીને અમે અહીં કામ કરવા માટે આવ્યાં હતાં. પરંતુ અમને દશેરાથી અત્યાર સુધી મજૂરી પેટે એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. પહેલા શરૂઆતમાં પૈસા મળી જશે તે પ્રકારની  હૈયાધારણા આપવામાં આવતી હતી. પરંતુ પાછળથી માલિક દ્રારા ધમકીઓ આપવમાં આવતી હતી. જેથી અમને યોગ્ય ન્યાય મળે તે હેતુસર કલેક્ટર કચેરીએ અમારી ફરિયાદ  સાંભળવામાં આવે તેથી આ પ્રકારે ભેગા થઈને ઘરવખરી સાથે આવવાની ફરજ પડી હતી. અને હવે કલેક્ટર કચેરી તરફથી તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં  આવશે તેમ કહેવામાં આવ્યું છે. જેથી અમને આશા છેકે અમને અમારી મજૂરીની બાકી પડતી રકમ વહેલીતકે મળી જશે. 
            જોકે આ પ્રકારે મજૂરો દ્રારા અચાનક કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવતા કલેક્ટર કચેરીના અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અને વહેલામાં વહેલી તકે આ મામલો થાળે પાડવાની કોશિશમાં દેખાઈ રહ્યાં હતાં. જોકે આ મજૂરો પોતાની મજૂરી મળી ગયા બાદ પોતાના ગામ તરફ પાછા જતા રહેશે તેમ જણાવી રહ્યાં છે.







રાકેશ પંચાલ