ગુજરાત સહિત ચરોતરમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે. જેમાં દરેક જીવ ગરમીથી બચવા માટેના ઉપાય શોધતો હોય છે. ઉનાળાની શરૂઆતમાં ગરમી વધવાની સાથે ફળ અને ઠંડી વસ્તુઓની માંગ વધી જતી હોય છે. તેમાં નોકરીયાત વર્ગની સાથે શાળામાં ભણવા જતા વિધાર્થીઓની હાલત ઘણી કફોડી બની જતી હોય છે. મોટા ભાગની શાળાઓ દ્રારા ગરમીના દિવસોમાં શાળાનો સમય સવારનો કરી દેવામાં આવતો હોય છે અને બપોર દરમ્યાન સ્કૂલના વિધાર્થીઓને છોડી દેવામાં આવે છે. પરંતુ ચરોતરની એક પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ માટે લીમડાના રસની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ માત્ર લીમડાનો રસ નથી તેમાં વિવિધ પ્રકારના મસાલા ઉમેરીને લીમડા રસને પીવા યોગ્ય બનાવી દેવામાં આવે છે. નડિયાદ તાલુકાના આ નાનકડાં ગામની પ્રાથમિક શાળામાં વર્ષોથી આ પ્રકારે લીમડાનો રસ શાળાના વિધાર્થીઓની સાથે ગામના લોકોને પણ આપવામાં આવે છે.
આ શાળામાં ભણતરની શરૂઆત લીમડાનો રસ આપ્યા બાદ કરવમાં આવે છે. જોકે ઉનાળામાં ચૈત્ર મહિનાના શરૂઆતના નવ દિવસ સુધી આ પ્રકારે લીમડાનો રસ બાળકો અને ગ્રામજનોને શાળા તરફથી આપવમાં આવે છે.વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરીને બનાવાતો લીમડાનો રસ શાળાના આચાર્ય દ્રારા તૈયાર કરવામાં આવે છે. જેમાં લીમડાનો મોર, કૂંપળો, કાળામરી, હીંગ,અજમો,જીરૂ, વરિયા,ઈલાયચી,તજ,મધ,મીઠું,સાકર જેવી વિવિધ વસ્તુઓ ઉમેરવામાં આવે છે.શાળાના આચાર્યના મતે આ પ્રકારે લીમડાનો રસ આપવાથી વિધાર્થીઓ અને તેમના વાલીઓમાં આયુર્વેદિક ઉપચાર પ્રત્યે જાણકારી વધે છે. અને બાળકોમાં શરૂઆતથી જ આ પ્રકારે જાગૃતિ કેળવીને આયુર્વેદીક ઉપચાર તરફ વાળી શકાય છે. ગરમીની શરૂઆતથી આ પ્રકારે વિધાર્થીઓની કાળજી રાખવાથી તેમને ગરમી સામે જરૂરી રક્ષણ મળી શકે છે.
આ ઉપરાંત શાળાના મતે ગરમીની શરૂઆત થતાં શાળાની બહાર સસ્તા ઠંડા પીણાં વેચાતા હોય છે. જેમાં રીસેસ દરમ્યાન વિધાર્થીઓ ગરમીથી બચવા માટે એક રૂપિયામાં મળતાં સંસ્તા બરફના ગોલા તરફ આકર્ષાય છે. અને તેનું સતત સેવન કરતા થઈ જાય છે. અને છેલ્લે બીમાર પડી જતાં હોય છે. જે કારણોસર અમારા દ્રારા સવારથી સ્કુલની શરૂઆતમાં જ આ પ્રકારે ઠંડો લીમડાનો રસ આપવમાં આવે છે. જેથી ઠંડા પીણાં જેવા લાગતો આ રસ છોકરાઓમાં અનેરો આનંદ ભરી દે છે. અને તેનાથી વિધાર્થીઓ બહારની ઠંડી વસ્તુઓ તરફ આકર્ષાતા નથી. અને તેના સાથે લીમડાનો રસ તેમના શરીર માટે કેવી રીતે ગુણકારી છે તેની માહિતી પણ આપવામાં આવે છે. જેથી તેઓ શરીર પ્રત્યે સભાન પણ બને છે અને આ પ્રકારના પ્રયોગથી બાળકોને ફાયદો પણ થયો છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
