ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સોમવારની મોડી રાતે ગુતાલ અને પીપલગ ચોકડી વચ્ચે એક કેમિકલ ફેકટરીમાંથી વિદેશી દારૂની 2000થી વધુ પેટીઓ ઝડપી પાડવામાં આવી છે. આ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત અંદાજે 40 લાખથી વધુ જણાઈ રહી છે. દારૂના જથ્થાને પકડવા માટે અમદાવાદ આરઆર સેલ અને આણંદ એસઓજી દ્રારા જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કેમિકલ ફેકટરી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો તેની જાણ ત્યારે થઈ જ્યારે દારૂ ભરેલી ટ્રક (જી.જે.પ.એટી-0773) કેમિકલ ફેકટરીમાં દાખલ થઈ હતી. અમદાવાદ આરઆર સેલને બાતમી મળી હતી કે દારૂ ભરેલી એક ટ્રક પીપલગ ગામની સીમમાં એક ફેકટરીમાં ડિલીવરી કરવા આવવાની છે. જેથી આ બાતમીના આધારે પીપલગ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. અને આ ટ્રક જ્યારે પીપલગ ચોકડીએ પહોંચી ત્યાર બાદ તેનો પીછો કરવામાં આવ્યો હતો. જેમાં ગુતાલ અને પીપલગ ચોકડી વચ્ચે આવેલી કેમિકલ ફેકટરીમાં આ ટ્રક દાખલ થઈ હતી. પરંતુ ત્યાં પોલીસને પ્રવેશ કરતાં જોઈને ટ્રકનો ડ્રાઈવર અને તેનો હેલ્પર ફરાર થઈ ગયા હતા.
જોકે આ વિદેશી દારૂનો આટલો મોટો જ્થ્થો નડિયાદથી માત્ર 12 કિલોમીટર દૂર હતો. તેમ છંતા જિલ્લા પોલીસને આ બાબતે કોઈ જાણ ન હતી. જેથી જિલ્લા પોલીસ માટે આ શરમજનક બાબત બની જવા પામી છે. દારૂનો આટલો જથ્થો આરઆર સેલ પોલીસે ઝડપી પાડતાં નડિયાદ રૂરલ, પશ્ચિમ તથા જિલ્લા એલસીબી તંત્ર નિષ્ફળ ફલિત થયું છે. કેમિકલ ફેકટરીમાં આટલા મોટા પાયે વિદેશી દારૂનો કાળો કારોબાર કેટલા સમયથી અને કોણ કરી રહ્યું હતું તે બાબતની તપાસ આરઆર સેલ દ્રારા કરવામાં આવી રહી છે.
રાકેશ પંચાલ

