| હોળી-ધૂળેટીના અનોખા રંગ |
ફાગણીઓ મહિનો એટલે કેસૂડાના રંગ જેવો ઉત્સવનો અનેરો આનંદ આપનાર માસ ગણાય છે. જીવનમાં રંગો અને ઉત્સવોની મનુષ્ય જીવન પર અસરો પડતી હોય છે ત્યારે વર્ષમાં આવતા અનેક તહેવારો- ઉત્સવો કંઇક આગવી છાપ જનજીવન પર છોડી જતા હોય છે. રંગોનો અનેરો ઉત્સવ હોળી- ધૂળેટી છે. ત્યારે રાજસ્થાની કલાકારો શહેરની સડકો પર ફાગનૃત્યગાન કરતા નજરે પડી રહ્યા છે. પરંપરા અને સંસ્કૃતિની છાપ હજુ આજે પણ ઉત્સવો થકી આપણે અનુભવી રહ્યા છીએ.
ચરોતર પંથકમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવા વેપારીઓ દ્વારા જાતજાતના રંગો બજારમાં ઉપલબ્ધ કરાયા છે. કેટલાક કૃત્રિમ રંગો ત્વચા માટે હાનિકારક હોવા છતાં છેલ્લા ઘણાં વખતથી કૃત્રિમ રંગોની બોલબાલા વધી છે. ખાસ કરીને ઝરી કલર, ઓઈલ પેઈન્ટ કલરમાં હાનિકારક રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થતો હોવા છતાં શોખીનો તેની સહેજેય પરવા કર્યા વગર જ બેફામ તેનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો માત્ર સાદા કલરથી પણ ધૂળેટી રમવાનો આજે પણ આગ્રહ રાખે છે. ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરવામાં મશગુલ લોકો પોતાની ત્વચાની પરવા કર્યા વગર જ આવા કૃત્રિમ કલરો સાથે ધૂળેટીની ઉજવણી કરતા હોય છે. અગાઉ સાદા રંગોથી રમાતી ધૂળેટીનું સ્થાન હવે મોર્ડન રીતે ઉજવાઈ રહી છે.
જોકે આ વખતે હોળી પુજામાં વપરાતી કાચી કેરીઓનો અભાવ છે. જેથી લોકોને અફસોસ છે. બોર્ડની પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે તો સ્કુલે જતાં બાળકોમાં હોળી-ધૂળેટીને ભરપેટ માણવાની તૈયારીમાં જણાઈ રહ્યાં છે. બજારોમાં પિચકારીઓ અને કલરની ખરીદી થઈ ચૂકી છે. ચરોતરમાં દુકાને- દુકાને હોળી નિમિત્તે ઉઘરાણાં કરવામાં આવી રહ્યાં છે. હવે ચરોતરમાં હોળી-ધૂળેટના રંગ ચઢી ચૂક્યાં છે. આજે સાંજે અનેક ઠેકાણે અને ગામ-ગામે હોળીની પુજા થશે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
