www.GraminPatrika.com: હારડાની વ્યથા Blogger Widgets

હારડાની વ્યથા

હોળી-ધૂળેટીમાં હારડા વિસરાયા
ખાંડમાંથી બનાવાતા હાર જે તે ગામડી ભાષામાં હારડા કે હાયડા કહેવામાં આવે છે. જેનો હોળી-ધૂળેટીના તહેવારમાં ધાણી,ચણા, ખજુરની સાથે-સાથે હારડા ખાવાનો પણ રિવાજ છે. આ ઉપરાંત અમુક સમાજમાં હારડાને હોળી-ધૂળેટી પર્વ પર  બાળકોને આપવાનો પણ રિવાજ છે. જો કે સમયનાં બદલાવ સાથે મોટા ભાગના સમાજમાં હારડા હવે આપવામાં આવતા નથી. હોળી-ધૂળેટી પર્વ નજીક આવતા શહેર અને જિલ્લામાં ખાંડની ચાસણીના હારડાનું વેચાણ જોશ-શોરમાં શરૂ થઇ જાય છે. મોટા પાયે જિલ્લામાં હારડા અન્ય શહેરો અને ગામડામાંથી જ આવે છે.  બહુ ઓછા વેપારીઓ જ હારડા બનાવે છે. હારડાની ગ્રામ્ય પ્રજામાં વિશેષ માંગ રહે છે.

હારડા આપવાની પ્રથા બ્રાહ્નણ, રબારી, પટેલ સહિત અનેક સમાજમાં સમય સાથે ધીમે ધીમે બંધ થઇ રહી છે. હારડા બનાવવા માટે સેકરીન, રસી, ખાંડ સહિતની મિલાવટ કરવામાં આવે છે. જે આરોગ્ય માટે પણ નુકશાનકારક હોવાથી  જિલ્લામાં તેની માગ ઘટી રહી છે. ગામડાની પ્રજા હોળીના સપ્તાહ પહેલાથી જ હારડાની ખરીદી શરૂ કરે છે. જ્યારે શહેરી પ્રજા હોળીના એકાદ દિવસ પહેલાં જ તે ખરીદતી હોય છે.
બીબાની મદદથી હારડા બનાવામાં આવે છે. આ બીબા 50 ગ્રામથી લઈને 5 કિલોના માપના હોય  છે. અને દરેક બીબામાં 11 હારડા તૈયાર થાય છે. સૌથી પહેલા ખાંડની ચાસણી બનાવામાં આવે છે. ત્યાર બાદ આ બીબામાં ચાસણીને ઠાલવી દેવામાં આવે છે. માત્ર દસ મિનિટમાં હારડાનો એક હાર તૈયાર થઈ જાય છે. હારડાને કલાત્મક રીતે વિવિધ આકારમાં પણ બનાવામાં આવે છે. જોકે વેપારીઓના મતે હવે પહેલા દિવોસની જેમ હારડાનું વેચાણ જોવા મળતું નથી. ચોકલેટના આ જમાનામાં ચાસણીથી બનાવેલા હારડાનો ક્રેઝ બાળકોમાં ઓછો થઈ ગયો છે. જેથી હારડાનું વેચાણ ઘટી ગયું છે. હોળી-ધૂળેટી પર્વ પર રિવાજ મુજબ બાળકોને અપાતા કે આરોગાતા હારડા સમયના વહેણ સાથે વિસરાઇ રહ્યાં છે.





             રાકેશ પંચાલ