| ‘સાત્વિક વાનગી’’ v/s ‘‘ જન્ક ફૂડ’’ |
અમેરિકાના વિજ્ઞાનીઓએ ઉંદરો ઉપર પ્રયોગો કર્યા હતાં . જેમાં તેમણે શોધી કાઢ્યું હતું કે જે રીતે માણસને ચરસ, ગાંજો અથવા બ્રાઉન સુગરનો નશો લાગુ થઈ જાય છે તેમ તેને જન્ક ફૂડનો પણ નશો લાગુ પડે છે. સોસાયટી ફોર ન્યુરોસાયન્સીસના વિજ્ઞાનીઓએ કેટલાક ઉંદરોને થોડા દિવસ માત્ર જન્ક ફૂડ ઉપર રાખ્યાં હતાં. અને ત્યાર બાદ જાણવા મળ્યું કે ડ્રગ્સનું સેવન કરવાથી મગજ ઉપર જેવી અસર થાય છે તેવી જ અસર જન્ક ફૂડનું સેવન કરવાથી થાય છે. ઉંદરોને કેટલાક દિવસ સુધી જન્ક ફૂડ આપવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું કે થોડા દિવસ પછી જન્ક ફૂડની અસરના કારણે મગજને આનંદ આપવાની શક્તિ ઉંદરોમાં ઓછી થઈ ગઈ છે અને અગાઉ જેટલો આનંદ પ્રાપ્ત કરવા માટે ઉંદરોને વધુ ને વધુ જન્ક ફૂડ ખાવું પડે છે.
જન્ક ફૂડનો આહાર કરનારા ઉંદરોને તેનું વ્યસન થઈ ગયું હતું અને તેમની ચરબી પણ વધી ગઈ હતી.આજના આધુનિક યુગમાં બદલાઈ રહેલી જીવનશૈલીમાં આપણી પારંપરિક, પૌષ્ટિક વાનગીઓ, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ઘરાવતાં ધાન્યો વિસરાઈ રહ્યા છે. જંતુનાશક દવાઓ અને રસાયણમુક્ત સજીવ ખેતપેદાશો, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ધરાવતાં ધાન્યમાંથી તૈયાર થતી વાનગીઓ વિશે લોકજાગૃતિ કેળવાય તે જરૂરી બની ગયું છે.તે માટે અનેક ઠેકાણે સાત્વિક મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. જેથી લોકો સાત્વિક ભોજન પ્રત્યે સભાન બને.
પૌષ્ટિક અને આરોગ્યપ્રદ વાનગીઓ ખાવાની મોસમ એટલે કે શિયાળામાં કાશ્મીરનો પ્રખ્યાત કાવો, પારસીઓનું ધાનશાક, ચીલની ભાજીના મૂઠિયા, બાજરીની મસાલા ઘૂઘરી, પોઈના ભજિયાં જેવી વાનગીઓ ઉપરાંત કાશ્મીરના સફરજન અને તેમાંથી બનાવેલાં જ્યૂસ,જેલી,જામ. પારંપરિક વિસરાતી વાનગીઓ મુખ્યત્વે કોદરી, બંટી,બાવટો,નાગલી,સામો,જુવાર જેવા ધાન્યોમાંથી બનાવવામાં આવે છે. જેમાં મહુડાનો આઈસ્કીમ,બાહ્મી સતાવરી બિસ્કિટ,રાગીના જવાના પાણીના ખાખરા,અળસી તથા કોળુના લાડું,ઓટ્સની કટલેસ,થીંગળાના રસનો ઉપયોગ કરીને પણ વાનગી બનાવી શકાય છે. આ ઉપરાંત કેટલીક વાનગીઓ તેલ અને પાણીના ઉપયોગ વિના પણ બનાવી શકાય છે.
સ્વાદિષ્ટ જન્ક ફૂડની આદત આજની પેઢીમાં સામાન્ય બની ગઈ છે. જન્ક ફૂડમાં ખોરાકને સોફ્ટ કરવા માટે અજીનો વપરાતો હોય છે. જે સફેગ કલરનો અને સોડા જેવો સ્વાદ ધરાવે છે. આ અજીનો મોટાનું વૈજ્ઞાનિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ છે. અને તે મોટા ભાગના ઘરોમાં ખાધપદાર્થોમાં મિશ્રણ કરવામાં આવે છે. પરંતુ,ખાસ કરીને, ખાણીપીણીની લારીમાં અજીનો મોટો બહોળા પ્રમાણમાં વપરાય છે. અજીનો મોટોનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે. તેમ નિષ્ણાતોનું માનવું છે. ખાસ કરીને પીએફએ રૂલ્સ અંતર્ગત મોનોસોડિયમ ગ્લુટામેટ દૂધ અને તેની બનાવટો,ફળો,શાકભાજી, પાસ્તા સહિત 51 ખાધ પદાર્થોમાં મિશ્રિત કરી શકાય નહીં તેવી મનાઈ જાહેર કરેલી છે. આજની પેઢીએ પીઝા, બર્ગર,હોટડોગ,હક્કા નુડલ્સ,ચાઈનીઝ ભેળનો સ્વાદ માણ્યો હશે પરંતુ ક્યારેય વિસરાતી વાનગીઓ જેવી કે કાંગની કુલેર,સાથવો,કોદરીની પુલાવ,જુવારના લોટરની ચાનકી, મકાઈનો હલવોની મજા માણી છે ?
આજના આધુનિક અને ઝડપી જીવન શૈલીમાં જન્ક ફૂડની બોલબાલા વચ્ચે પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે. આપણી કહેવાતી પારંપરિક વાનગીઓ પ્રત્યે થોડા સભાન બનીએ તે જરૂરી બન્યું છે.
રાકેશ પંચાલ
