![]() |
| ખેતી લાવી મબલખ કમાણી |
ચરોતરમાં ભાલિયા ઘઉંને સમયસર પિયત અને સાનુકૂળ વાતાવરણ મળવાના કારણે ઘઉંની ખેતી સારા પ્રમાણમાં થશે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. જોકે શરૂઆતમાં વરસાદ લાબાં સમય સુધી ચાલુ રહ્યો હતો જેથી ખેડૂતો ઘઉંની ખેતીને લઈને મુંઝવણમાં મૂકાઈ ગયા હતાં. જોકે પાછળથી વરાપના કારણે ભેજવાળી જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી ઘઉંનું વાવેતર આ વર્ષે સારા પ્રમાણમાં થવાની આશા છે.જોકે કૃષિ નિષ્ણાંતોના મતે આ વર્ષે પાકની ઉપજ 20 ટકા વધુ રહેશે. અને પાકની ગુણવતા સારી રહેશે.આ વર્ષે ત્રણ તબક્કામાં ઠંડીની શીતલહેર રહી હતી. જેથી ઘઉંના પાકનો વિકાસ સારો થયો છે.
ઘઉંના પાકનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થશે તેવી આશા બંધાઈ છે જેથી વેપારીઓના મતે આ વર્ષે ઘઉંના ભાવ સ્થિર રહેશે. મોટા ભાગે ભાલિયા ઘંઉની નિકાસ કરવામાં આવે છે. જેમાં સારો ભાવ મળે છે. જેથી આ વખતે નિકાસની ક્ષમતા વધશે અને ખેડૂતોને સારા પ્રમાણમાં આવક થશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. ચરોતરમાં પાક અંતિમ તબક્કામાં છે. જેથી એક મહિનામાં ઘઉં બજારોમાં આવી જશે. અત્યારથી ચરોતરમાં ભાલિચા ઘઉંનું વેપારીઓ દ્રારા એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તમ ગુણવતાના ભાલિયા ઘઉંનું બુકિંગ કરીને તેનો નિકાસ કરવામાં આવશે. મુખ્યત્વે ભાલિયા ઘઉંની નિકાસ અમેરિકા,થાઈલેન્ડ,નેરોબી,દુબઈ જેવા દેશોમાં થાય છે. વિદેશમાં રહેતા ભારતીય પરિવારોમાં ભાલિયા ઘઉંની માંગ વધુ પ્રમાણમાં હોય છે.
કેટલાંક ખેડૂતોના જણાવ્યાં અનુસાર વાતાવરણમાં આવી રહેલા ફેરફારોને સમજીને ઘઉંની ખેતી વધારે ફાયદો જણાતો હતો. જેથી ખેડૂતો ઘઉંનો પાક ઉતાર્યો હતો. અને આ વખતે પાકની ગુણવતા અને ઉપજ સારી રહેશે જેથી અમને સારો ભાવ મળે તેવી આશા છે.


