www.GraminPatrika.com: એકતાનું પ્રતિક બન્યાં મંદિર-મસ્જિદ Blogger Widgets

એકતાનું પ્રતિક બન્યાં મંદિર-મસ્જિદ

 એકતાનું પ્રતિક દાનેશ્વર મહાદેવનું મંદિર

ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં આવેલા નાનકડા વસો ગામમાં મંદિર અને મસ્જિદ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિકસમા બન્યા છે. દાનેશ્વર મહાદેવનું મંદિર અને મોમીનભાઈઓની મસ્જિદ એક સાથે હોવાથી બહારથી આવતાં લોકોને આશ્ચર્ય પમાડે છે. આ મંદિર અને મસ્જિદની દિવાલ એક જ છે. બન્ને ધાર્મિક જગ્યાઓ એક દિવાલથી  70 વર્ષોથી જોડાયેલ છે. જોકે લોકોના મતે શરૂઆતમાં મસ્જિદની બાજુમાં કબ્રસ્તાન હતું. જેના ઉપર દાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અને આજ દિન સુધી મંદિર અને મસ્જિદની દિવાલ એક જ છે. આ ઉપરાંત દાનેશ્વર મહાદેવની ચારેય તરફ મુસ્લિમ પરિવારો વસે છે.



 ગુજરાતભરમાં 2002માં કોમી રમખાણો થયાં હતાં. તે વખતે આ મુસ્લિમ ભાઈઓ દ્રારા દાનેશ્વર મહાદેવના પુજારીની રક્ષા કરવામાં આવી હતી. તે સમયમાં હિન્દુ પરિવારો દાનેશ્વર મહાદેવના મંદિર જતા ન હતાં. તે વખતે ગામના મુસ્લિમ વડીલો દ્રારા હિન્દુ પરિવારોને પોતાની સાથે લાવતા હતાં અને કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી. મુસ્લિમ પરિવારો દ્રારા તમે હિન્દુ ભાઈઓ  ભક્તિથી દૂર રહો તો અમને પાપ લાગે તેમ કહી તેમનો ભાઈચારો બાંધી રાખ્યો હતો.          

                      
 મંદિર-મસ્જિદમાં અત્યાર સુધી કોઈ વાતે વિવાદ થયો નથી.  સાંજના સમયે મંદિરમાં મહાદેવની આરતી અને મસ્જિદમાં નમાજનો સમય એક જ હોય છે .જેથી અમુક વખતે આરતી અને નમાજનો સમય એક સાથે ચાલે છે. ત્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોવાની ફરિયાદ ઉઠી નથી. આજ દિન સુધી  હિન્દુ પરિવારો દ્રારા મુસ્લિમભાઈઓને કોઈ તકલીફ ન પડે તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મુસ્લિમ વિસ્તારમાં આવેલા દાનેશ્વર મહાદેવના મંદિરને કોઈ ક્ષતિ કે આસ-પાસ ગંદકીના ફેલાય તે માટે મુસ્લિમ પરિવારો ખાસ ધ્યાન રાખે છે .






રાકેશ પંચાલ