![]() |
| અનોખી પહેલ |
થામણા ગ્રામ પંચાયતના માથેથી મસમોટા વીજબિલનો ભાર હળવો થશે તે છોગામાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર સામાન્ય રીતે કચરો નકામો ગણીને નાંખી દેવામાં આવે છે. આ કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરીને એનાથી ગામની સ્ટ્રીટલાઇટ ચલાવવાનો આણંદના ઉમરેઠ પંથકના એક ગામડામાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેનાથી વીજળીની બચત થવા સાથે ગ્રામપંચાયતનો વીજ બિલનો બોજ અડધા ઉપરાંત હળવો થઈ જશે અને બચેલી રકમનો ઉપયોગ અન્ય વિકાસના કામમાં થઈ શકશે. જોકે હાલના દિવસોમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં ઘણો ફાયદો જણાઈ રહ્યો છે. અને હવે આશા છેકે આ પ્રોજેક્ટથી સારો એવો ફાયદો થશે. હવે ગામની સ્ટ્રીટલાઈટ બાયોપાવરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત બાયોપાવર પ્લાન્ટની આસપાસના ખેતરમાં સિંચાઈના પાણી પણ આપવામાં આવશે. બાયોપાવર ઉત્પન્ન થયાં બાદ તેમાંથી નીકળનાર વેસ્ટમાંથી ખેતી માટે ઓર્ગેનીક ફર્ટીલાઈઝર પણ મળી શકશે, જેથી ખેડૂતો સારી ઉપજ પણ લઈ શકશે.
ગ્રામપંચાયતના સરપંચ ચંદ્રકાન્ત પટેલે (મુખી) જણાવ્યું હતું કે ‘વીજ કંપની ગામની સ્ટ્રીટલાઇટને કોમર્શિયલ ગણે છે. જેના કારણે કેટલીક ગ્રામ પંચાયતને સ્ટ્રીટ લાઈટના વીજ બિલ ઉંચા આવતાં રકમ ભરવામાં ફાંફાં પડે છે. જેથી અમે સ્ટ્રીટલાઇટને બાયોપાવરથી ચલાવીશું. જેની માટે બાયોપાવર થામણા બાયોપાવર એન્ડ ઓર્ગેનીક પ્રોડયુઝર કંપની લિ. દ્વારા પૂરો પાડવામાં આવશે. સદર મંડળી દ્વારા ગામમાંથી છાણ, સડેલા શાકભાજી, એંઠવાડ, એગ્રીકલ્ચર વેસ્ટ વગેરે એકત્ર કરીને એમાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ મિથેન ગેસથી જનરેટર ચલાવવામાં આવે છે. જેમાં ૧૦૮ કેવી કિલોવોટ ઉર્જા ઉત્પન્ન થાય છે. ગામના જુદાં જુદાં વિસ્તારમાં કુલ ૩૦૦ સ્ટ્રીટલાઈટ તૈનાત છે. જેનું દર બે મહિને અંદાજે રૂ.૨૬ હજાર જેટલું વીજબિલ આવે છે.

