ખેડા જિલ્લાના કેટલાય તાલુકામાં છેલ્લા છ માસથી વૃદ્ધોને વૃદ્ધા સહાય યોજનાના નાણાં નિયમિત ચૂકવતા ન હોવાથની ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની તકલીફથી કેટલાંય વૃદ્ધો કચેરીના ધક્કા ખાઈને ત્રાસી ગયા છે. જોકે દર વર્ષે કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા નિસહાય વૃદ્ધોને મળતી રકમ કુલ 3600 રૂપિયા થાય છે. જે વૃદ્ધો ઘણી નજીવી ગણાવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં વૃદ્ધ સહાય યોજના 15000થી વધુ વૃદ્ધને આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્રારા ચૂકવાતી વૃદ્ધ સહાયમાં નડીયાદ શહેરમાં 224, ગ્રામ્ય વિસ્તારમાં 307, કપડવંજ તાલુકામાં 418, કઠલાલ તાલુકામાં 266, બાલોસિનોર તાલુકામાં 79, વિરપુર તાલુકામાં 62 વૃદ્ધોને સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્રારા ઈન્દિરા વૃદ્ધા સહાય યોજના હેઠળ નડીયાદ શહેરના 870, ગ્રામ્યના 1270, કપડવંજ તાલુકામાં 2144, કઠલાલ તાલુકાના 1121, ઠાસરા તાલુકામાં 118, બાલાસિનોર તાલુકામાં 1059, વિરપુર તાલુકામાં 264 વૃદ્ધોને સહાય ચૂકવવામાં આવે છે. ખેડા જિલ્લામાં નડીયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વૃદ્ધોને છેલ્લા છ માસથી અનિયમિત રીતે સહાય મળે છે. તો વળી કેટલાયને છેલ્લા ત્રણ માસથી સહાય મળી નથી તેવી ફરિયાદ ઉઠી છે.
આ બાબતે નડીયાદ તાલુકા પંચાયત હસ્તકની કચેરી કહે છે કે વૃદ્ધ સહાયનો લાભ લઈ રહેલા વૃદ્ધોનું ડેટા એન્ટ્રી પાડવાનું કામ ચાલુ હોવાથી તેઓને હાલમાં આ પ્રકારની તકલીફ થઈ રહી છે. ડેટા એન્ટ્રીનું કામ પુર્ણ થતાં જ તાત્કાલિક સહાય ચૂકવી દેવામાં આવશે. જોકે વૃદ્ધોના મતે આ પ્રકારે નજીવી રકમ માટે કચેરીના ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી. તેની પાછળ ખર્ચો થાય છે. અને આ મોંઘવારીમાં આ રકમનું કોઈ મુલ્ય નથી .અને તેને મેળવવા માટે પણ ખર્ચો પડે તે યોગ્ય નથી.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ

