આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર ખાતે એન્જીન્યરીંગ અને કોમર્સ કોલેજના વિધાર્થીઓ દ્રારા ગરીબ બાળકો માટે અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. અસહ્ય મોંઘવારીમાં ભણવા માટે જરૂરી પુસ્તકોનો ખર્ચ ગરીબ પરિવારો ઉઠાવી શક્તા નથી જે કારણોસર ઉમરેઠ શહેરના પંદર જેટલા યુવાનો દ્રારા ગરીબ પરિવારના બાળકોને ધોરણ પાંચથી લઈને ધોરણ દસ સુધીના પુસ્તકો વિનામુલ્યે પુરા પાડવામાં આવી રહ્યાં છે.
આ સેવા સંકળાયેલ વૃંદ ગ્રુપ દ્રારા પુસ્તક સહાયનો લાભ લેવા ઈચ્છતા વિધાર્થીઓ પાસેથી પાંચ રૂપિયા સભ્ય ફી તેમજ ડિપોઝીટ લેખે લેવામાં આવે છે. અને તેના બદલમાં વિધાર્થીને ધોરણ પાંચથી લઈને ધોરણ બાર સુધીના પુસ્તકો મફ્ત આપવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનો જે તે ધોરણનો અભ્યાસ પૂર્ણ કરે એટલે તેના પુસ્તકો વૃંદ ગુપ દ્વારા પરત મેળવવામાં આવે છે અને આગલા ધોરણના પુસ્તકો તેઓને આપવામાં આવે છે. વૃંદ ગ્રુપ સાથે સંકળાયેલ તેમજ એન્જીન્યરીંગ કોલેજમાં અભ્યાસ કરી રહેલ પ્રેરક કા.પટેલના મતે બધા મિત્રો એકઠા થયા હતા અને પ્રવર્તમાન સમયમાં શિક્ષણ કેટલું મોંધું બન્યું છે તે અંગે ચર્ચા કરતા હતા અને વાતવાતમાં બધા મિત્રોએ નગરના મધ્યમવર્ગના તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પુસ્તક સહાય કરવા અંગે સર્વ સંમતિથી આ પુસ્તક સહાય યોજના અમે અમલમાં મુકી. અમારો મુખ્ય ધ્યેય તેજ છે કે કોઈ વિદ્યાર્થી પુસ્તકના અભાવે ભણતરથી વંચિત ન રહે.
![]() |
| ફોટો - વિવેક દોશી, આપણું ઉમરેઠ |
જ્યારે એન્જીન્યરીંગમાં અભ્યાસ કરી રહેલ સપન શેઠના મતે અમે મિત્રો ફુરસદના સમયમાં મળીએ ત્યારે બધા પુસ્તકોને વ્યવસ્થિત પુઠા ચઢાવી તે વધારે સમય ટકે તેવો પ્રયત્ન કરીએ છે સાથે સાથે જ્યારે પુસ્તકો વિદ્યાર્થીઓને આપીયે ત્યારે પણ તેઓને પુસ્તકની સાચવણી વ્યવસ્થિત રીતે કરવા આગ્રહ કરીયે છે જેથી ભવિષ્યમાં તેજ પુસ્તકો અન્ય વિદ્યાર્થીઓને કામમાં આવી શકે. અમારા આ કાર્યમાં અમારા પરિવાર તેમજ શુભેચ્છકો દ્વારા અમોને સહયોગ મળ્યો છે.
ઉમરેઠ શહેરમાં આ પ્રકારની સેવા પહેલી વખત નથી, પરંતુ આ પ્રકારની સેવા ઉમરેઠમાં ખડાયતા વિદ્યોતેજક મંડળ દ્વારા વર્ષોથી ચાલતી આવી છે. જેમાં સમાજના વિદ્યાર્થીઓને તમામ અભ્યાસ ક્રમ માટેના પુસ્તકો માત્ર ટોકન ફી ડીપોઝીટ લઈ વિનામુલ્યે આપવામાં આવે છે. સંસ્થામાં જો કોઈ અભ્યાસ ક્રમના પુસ્તક ન હોય તો તે પુસ્તક વિદ્યાર્થીને બજાર માંથી ખરીદવા જણાવાય છે અને બદલામાં તે પુસ્તકની કિંમત રોકડમાં વિદ્યાર્થીઓને ચુકવવામાં આવે છે.
વિવેક દોશી, રાકેશ પંચાલ


