ચરોતરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં અનેક ઠેકાણે વિકાસના કામો થઈ રહ્યાં છે. જેમાં ગ્રામીણ તેમજ નડિયાદ અને આણંદ જેવા શહેરી વિસ્તારોમાં રોડ, આરસીસી રસ્તા, નાળા તથા ગટર જેવા વિકાસના કામો થવા પામ્યા છે. પરંતુ આ કામની ગુણવતા કેવા પ્રકારની રહેવા પામી છે તેના પુરાવા વર્તમાન સમયમાં ઠેર ઠેર મળી રહ્યા છે.
ખેડા જિલ્લાના નડિયાદ સમગ્ર શહેરમાં આરઓ પાણીની પાઈપ લાઈનનું કામકાજ એક વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. જે માટે નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું હતું . જ્યારે આરઓ પ્લાન્ટ માટે ખોદકામ શરૂ થયું ત્યારે મોટા ભાગે નડિયાદ શહેરના પાક્કા રસ્તાઓને તોડવામાં આવ્યા હતા. જેમાં નડિયાદનો પીજ રોડ સૌથી વધારે પ્રભાવિત થયો હતો. કારણ કે આ પીજ રોડની હાલત દાયકાઓથી ખરાબ રહી હતી અને આ વિસ્તારમાં એક દાયકામાં બે વખત ડામરના પાક્કા રસ્તાઓ બનાવામાં આવ્યા છે. પરંતુ તે બનવાની સાથે જ તોડવામાં આવે છે. બે વર્ષ અગાઉ આ વિસ્તારમાં ડામરનો પાક્કો રસ્તો બન્યો હતો. પરંતુ આરઓ પાઈપ લાઈનનું ખોદકામ શરૂ થતાં જ આ પાક્કા રસ્તાને તોડવામાં આવ્યો અને વર્તમાન સમયમાં પરિસ્થિતિ પહેલા જેવી જ થવા પામી છે.
જ્યારે નડિયાદનો મુખ્ય વિસ્તારે એવા કોલેજ રોડ પર પેટલાદ ફાટક તરફના મુખ્યમાર્ગ પર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે ઉપરાંત સિવિલ હોસ્પિટલ માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે સિમેન્ટના ભુંગળા નાખવામાં આવી રહ્યાં છે. જેનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થશે કે નહીં તે બાબતે સ્થાનીય નાગરિકો શંકા સેવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આ ખોદકામ ચાલી રહ્યું હોવાથી નાગરિકો સહિત એમ્બ્યુલન્સ સેવાને પણ અવરજવર કરવામાં તકલીપ પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. નડિયાદ શહેરમાં એક વિકાસનું કામ પૂર્ણ થાય છે અને બીજું શરૂ થતાંની સાથે જ પહેલાના વિકાસના કામોમાં પાણી ફરે વળે છે જેથી નાગરિકોની સ્થિતિ તેવીને તેવી જ રહેવા પામે છે.
ખેડા તાલુકા પંચાયત દ્રારા ગ્રામીણ વિસ્તારો આરસીસી રસ્તાઓ બનાવામાં આવ્યાં છે. જેમાંથી મોટાભાગનના આરસીસી રસ્તાઓ છેલ્લા પાંચ વર્ષની અંદર બનવા પામ્યાં છે. પરંતુ વર્તમાન સમયમાં આ રસ્તાઓની હાલત કફોડી બનવા પામી છે. જેથી વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના પુરાવા કામકાજની ગણવતા આપી રહ્યાં છે.
રાકેશ પંચાલ

