જગજાહેર છેકે હજૂ પણ આણંદ
જિલ્લાની અમુક જ્ઞાતિઓ બાળલગ્ન થાય છે. જેમાં અખાત્રીજના દિવસને સૌથી વધારે
પ્રમાણમાં થાય છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આણંદ જિલ્લાની સમાજ સુરક્ષા કચેરીમાં
બાળલગ્નનો એક પણ કેસ નોંધાયો નથી. જે અનેક સવાલો પેદા કરે છે. આણંદ જિલ્લાની સમાજ
સુરક્ષા કચેરીમાં વર્ષ 2008-09,2010,2011,2012માં બાળલગ્નનો એકપણ કેસ રજીસ્ટર નથી.
જે બાબતે અનેક શંકાઓ પેદા કરે છે.
શું આણંદમાં ખરેખર બાળલગ્ન બંધ
થઈ ગયા છે ? સુત્રોના જણાવ્યા અનુસાર કચેરીમાં આ બાબતે કોઈ કામગીરી કે તપાસ થતી
નથી. આણંદ જિલ્લાના કેટલાંય ગામોમાં હોળીનો તહેવાર પૂર્ણ થયા બાદ લગ્નની મોસમ શરૂ
થઈ જાય છે. તેમાં અખાત્રીજના દિવસે લગ્નોની સંખ્યા વધી જાય છે. તેમાં બાળલગ્નો પણ
સમાવેશ થાય છે.
બાળલગ્ન ગેરકાનૂની છે તે વાત
લોકો સારી રીતે સમજી ગયા છે. તેવા સંજોગોમાં બાળલગ્નોની જાહેરાત કરવામાં આવતી નથી.
પરંતુ જો આ બાબતે સમાજ સુરક્ષા દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે તો અનેક બાળલગ્નો
બહાર આવી શકે છે. આણંદ જિલ્લામાં અનેક ઠેકાણે થઈ રહેલા બાળલગ્નોને રોકી શકાય તેમ
છે. તેમ છંતા સમાજ સુરક્ષા કચેરીમાં છેલ્લા અનેક વર્ષોથી એકપણ કેસ નોંધાયો નથી. જે
કચેરીની કામગીરી સામે અનેક સવાલો પેદા કરે છે.
બાળલગ્નનો
કાયદો
કાયદા અનુસાર અપુખ્ત ઉંમરના
બાળકોને વિવાહ કે લગ્નબંધને બાંધવા એ ગુનો બનતો હોઇ આવા લગ્નોની રોકથામ અર્થે અગાઉ
બાળલગ્ન પ્રતિબંધક ધારા ૧૯૨૯ની જોગવાઇ હતી. જ્યારે નવી જોગવાઇમાં બાળલગ્ન પ્રતિબંધક
ધારા-૨૦૦૬ મુજબ લગ્નબંધને બંધાનાર યુવતી ૧૮ અને યુવક ૨૧ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય તો જ તેઓ લગ્નગ્રંથિ કે વિવાહબંધને જોડાઇ શકે. અપુખ્ત ઉંમરના બાળકોને પુરતી
બુદ્ધિ કે સામાજિક જ્ઞાન નથી.
લગ્ન એટલે શું તે વિષે તેઓ
પુરતા માહિતગાર નથી. જેની સાથે જન્મોજન્મનો નાતો નિભાવવાનો છે તેવા ઉભયપક્ષના સાથી
વિશે પૂરતી સમજ કેળવાઇ હોતી નથી. તેવા સમયે આવા લગ્નો ગેરકાયદેસર ગણાય.સમાજમાં
કેટલીક નિરક્ષર કે પછાત જ્ઞાતિઓ,અલ્પશિક્ષિત વર્ગ-સમુદાયમાં બાળકની પુખ્તતા કે
અપુખ્તતાનો વિચાર કર્યા વિના તેમને નાની ઉંમરમાં જ લગ્ન કે વિવાહબંધને જોડી
જવાબદારીમાંથી મુક્ત થવાનું વલણ અપનાવાય છે.
જેમાં સરકારી કાયદાનું સરેઆમ
ઉલ્લંઘન થાય છે. ત્યારે બાળલગ્ન પ્રતિબંધક ધારા ૨૦૦૬ ની જોગવાઇ અનુસાર બાળલગ્નના
આયોજકો અર્થાત બાળકોના માતાપિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજની પોલીસ ધરપકડ સહિત તેમની
સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેવી કાયદામાં જોગવાઇ છે.
બાળલગ્નો બાબતે નનામી અરજીની
અસર
આસપાસના વિસ્તારમાં આવેલા
સોસાયટીઓ, પોળો, ચાલીઓ, પાર્ટી પ્લોટ, લગ્નની વાડીઓ, લગ્નના હોલ, નગરો અને ગામમાં
કોઇપણ વ્યક્તિ તેના પુત્ર કે, પુત્રીના બાળલગ્ન કરતા કરાવતા કે બાળલગ્ન યોજવામાં
મદદગારી કરતા હોવાનું માલુમ પડે તો નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટરને અથવા
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ફરિયાદ અરજી
મોકલી શકે છે.
વર્ષ 2010ના મે મહિનામાં આણંદ
જિલ્લાના ઉમરેઠ નજીક આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ શીલી તાબેના કલ્યાણપુરા ખાતે સદગુરૂ
નિરાતં પરિવાર આયોજીત યોજાયેલી પ્રથમ સમુહલગ્નોત્સવમાં રાજકીય નેતાઓ અને
સંતો-મહંતોની હાજરીમાં જ બાળલગ્નો યોજાતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.. આ અંગે
ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા જવાબદાર તંત્રને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પણ
તંત્ર ઉંઘતું જ ઝડપાયું હતુ.
વર્ષ 2011 ઓક્ટોબર મહિનામાં
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કસુંબાડ ગામે બે સગીર વયની બાળાઓના ગેરકાયદેસર લગ્ન
અંગે નનામી અરજીના આધારે આંકલાવ પોલીસે તપાસ હાથ ધરતાં તથ્ય બહાર આવ્યું હતું.જેથી
પોલીસે બન્ને યુવતીઓના માતા-પિતા મળી દસ જણા સામે બાળલગ્ન પ્રતિબંધ ધારા હેઠળ ગુનો
દાખલ કરી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
