www.GraminPatrika.com: નડિયાદમાં બેહાલ ટ્રાફિક Blogger Widgets

નડિયાદમાં બેહાલ ટ્રાફિક

સમસ્યાનો અંત આવે તેની રાહ જોતી પ્રજા


ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ટ્રાફિકથી ધમધમતા મુખ્યમાર્ગો ઉપર ચાલકો દ્રારા ટ્રાફિક નિયમનું ઉલ્લંધન થાય છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરમાં 40થી વધારે ટ્રાફિક બ્રિગેડના જવાનો ગોઠવી દેવામાં આવ્યાં છે. તેમ છતાં વાહનચાલકો ઉપર નિયંત્રણ કરવામાં ટ્રાફિક બ્રિગેડ અસમર્થ જણાઈ રહી છે. જેથી કાચા-પાકા દબાણો હટાવીને રસ્તાઓ પહોળા કરવાની સાથેસાથ બંધ પડેલી ટ્રાફિકલાઈટને શરૂ કરવામાં આવે અને જરૂરી જગ્યાએ બમ્પ મૂકવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી રહી છે.




શહેરના મુખ્ય રસ્તાઓ ?

શહેરના બે મુખ્યમાર્ગ છે. જેમાં પહેલો મુખ્યમાર્ગ સ્ટેશનરોડથી શરૂ કરીને સંતરામ સર્કલ, પારસ સર્કલ, મહા ગુજરાત હોસ્પિટલ અને કોલેજ રોડ સુધીનો છે. જ્યારે બીજો મુખ્યમાર્ગ સ્ટેશનરોડથી શરૂ કરીને મિલરોડ, સરદાર પટેલ ભવનનો ગણવામાં આવે છે. આ ઉપરાંત બન્ને મુખ્યમાર્ગોથી અનેક નાના-મોટા વિસ્તારના રસ્તાઓ પડે છે. આ પ્રકારે શહેરના મુખ્ય વિસ્તારો જેવાં કે કોલેજ રોડ, કિડની હોસ્પિટલ, પેટલાદ ફાટક ઉપરથી પણ અનેક વાહનો પસાર થતાં હોય છે. શહેરના ઘણા રસ્તાઓ લગભગ 40થી60 ફૂટ જેટલા પહોળા છે.આ રસ્તાઓ પર કાચા-પાકા દબાણો થવાથી પણ ટ્રાફિકમાં અડચણ સર્જાતા સમસ્યા ગંભીર બની છે.


મુખ્ય રસ્તાઓની સમસ્યાઓ

શહેરના મુખ્ય રસ્તાઓ જ્યાંથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ રસ્તાઓનો ઉપયોગ શહેરીજનો તેમજ બહારથી આવતી પ્રજા આ રસ્તાઓનો ઉપયોગ શહેર તેમજ શહેરથી બહાર જવા માટે કરતી હોય છે. હજારોની સંખ્યામાં વાહનો અવરજવર છે. છતાં આ રસ્તોઓ ઉપર ટ્રાફિક સિગ્નલ અને મોટેભાગે બમ્પનો અભાવ જોવા મળી રહ્યો છે. અમુક મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકલાઈટો છે જે વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.


આ ઉપરાંત નડિયાદમાં કોલેજ રોડ સિવાયના રસ્તાઓ ઘણાં સાકડાં છે. જેથી સંતરામ રોડ જેવા મુખ્ય રસ્તાઓ ઉપર હમેશાં ટ્રાફિક જોવા મળે છે. શહેરમાં રોજ અનેક બાળકો ચાલતા શાળાએ અવરજવર કરે છે. તેમજ સિનિયર સિટિઝનો અને મહિલાઓ પણ પસાર થતી હોય છે. જેઓને ટ્રાફિકના કારણે રસ્તાઓ ઓળગવામાં અને ચાલતા પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત નડિયાદમાં બસસ્ટેન્ડમાંથી પ્રાઈવેટ વાહનો પસાર કરતા નજરે પડે છે. જેમને રોકવા માટે કોઈ વ્યવસથા કરવામાં આવી છે.

ટ્રાફિકને નિયંત્રણની વ્યવસ્થા

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં શિરદર્દ સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હવે ટ્રાફિક બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. જુદા જુદા ૧૫ પોઈન્ટ પર સફેદ શર્ટ અને નેવી બ્લુ પેન્ટમાં ટ્રાફિક બ્રિગેડ જોવા મળી રહી છે, જે માટે નડિયાદ ટાઉન ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ૪૦ ઉપરાંત વ્યક્તિઓની ભર્તી કરવામાં આવી છે. પરંતુ તેમને પણ વાહનોચાલકો ઉપર નિયંત્રણ કરવા માટે દંડાનો સહારો લેવો પડે છે.તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી.

લોકો શું ઈચ્છી રહ્યાં છે ?

શહેરમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલો અને બમ્પ મૂકવાની સાથેસાથ કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય અડચણરૂપ બનેલા કાચા-પાકા દબાણો દૂર કરીને રસ્તાઓ પહોળા કરવાની માંગ લોકો કરી રહ્યાં છે.






રાકેશ પંચાલ