www.GraminPatrika.com: આરો પ્લાન્ટ અને અસરોથી પીડિત નડિયાદ Blogger Widgets

આરો પ્લાન્ટ અને અસરોથી પીડિત નડિયાદ

ગેસ લીકેજ થતાં શહેરમાં દોડધામ મચી
નડિયાદ શહેરમાં આરો પ્લાન્ટ માટે ખોદકામનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે શહેરના અનેક ઠેકાણે ખોદાકામ થઈ રહ્યું છે. જેથી   લોકોને અનેક પ્રકારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે .જેમાં એક વધુ મુશ્કેલી સર્જાઈ હતી. મંગળવારના રોજ શહેરમાં અચાનક  ગેસલાઈન તૂટી જવાના કારણે નડિયાદમાં ભયનો માહોલ સર્જાયો હતો. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં જેસીબી મશીન દ્રારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં નડિયાદની સત્યનારાયણ સોસાયટીમાં ખોદકામ દરમ્યાન  જીએસપીસીની ગેસપાઈપ લાઈન તૂટી ગઈ હતી. જેથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જેથી વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી.



 ગેસ લીકેજ થતાની સાથે ગેસ  હવામાં ફેલાઈ જતાં નાગરિકો ભયભીત થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ જીએસપીસીની ટીમ  ઘટનાસ્થળે  આવી પહોંચી હતી. ગેસ લીકેજ થતાં જ તમામ ઘરોને  આગ ન પ્રગટાવાના સૂચન કરવામાં આવ્યાં હતાં. જોકે જીએસપીસીની ટીમ ઘટનાસ્થળે બે કલાક બાદ આવી હતી. જેથી બે કલાક સુધી લોકો ભયભીત રહ્યાં હતાંઆ ઉપરાંત આરો પ્લાન્ટના ખોદકામના કારણે કેટલાંય વિસ્તારોમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકો  વેઠી રહ્યાં છે. જેમાં અગાઉ વાણિયાવાડ વિસ્તારમાં ટેલિફોન સેવા ઠપ્પ પડી ગઈ હતી .


આ ઉપરાંત કીડની હોસ્પિટલની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હોવાથી ત્યાં પણ રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. આ ઉપરાંત કિડની હોસ્પિટલ પાસેથી નડિયાદની સિવિલ હોસ્પિટલનો મુખ્ય રસ્તો પડે છે. જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓને  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.નડિયાદમાં આરો પ્લાન્ટનું કામકાજ સત્વરે પુર્ણ કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યાં છે. ઉનાળામાં આ કામ પુર્ણ કરી દેવામાં આવે તો સારૂ રહેશે નહીં તો ચોમાસામાં નડિયાદની હાલત કફોડી થશે તેમ લોકો જણાવી રહ્યાં છે. જોકે આરો પ્લાન્ટ નડિયાદમાં સ્વચ્છ પાણી આપવામાં મદદરૂપ થશે. તે પહેલા પડી રહેલી મુશ્કેલીઓ ઘણી વધારે છે.






રાકેશ પંચાલ