મધ્યગુજરાતમાં આવેલ ચરોતર પ્રદેશને ડોલરીયા પ્રદેશે તરીકે ઓળખાય છે. ચરોતરના ખેડા અને આણંદ જિલ્લામાં મોટભાગના લોકો વિદેશોમાં સ્થાયી થયેલા છે. ડોલરમાં રૂપિયા કમાણી કરીને પરિવારજનોને સુખી બનાવતો આ પ્રદેશ ડોલરની દશા અને દિશા પર નિર્ભર છે. જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે ચરોતરના મૂડીબજારમાં ધમધમાટ જોવા મળે છે. રૂપિયો જે રીતે સતત નબળો પડી રહ્યો છે તે સાથે આજે 26મી જૂન રોજ રૂપિયો સાઈઠ રૂપિયાના આંકને વટાવીને ઘણો નબળો પડી ગયો છે અને હજૂ વધુ નબળો થશે તેમ જાણકારો જણાવી રહ્યાં છે. એક તરફ નિષ્ક્રીય બનેલું તંત્ર અને અમેરિકાની મજબૂત થઈ રહેલી આર્થિક પરિસ્થિતિ રૂપિયાને કેટલો નબળો કરશે તે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે, પરંતુ ગુજરાતનો ચરોતર પંથક આનંદમાં આવી ગયો છે. જેમ જેમ ડોલર મજબૂત અને રૂપિયો વધારે નબળો પડી રહ્યો છે તેમ તેમ ડોલરીયા પ્રદેશ તરીકે ઓળખાતો ચરોતર પંથક વધારે કમાણી કરી રહ્યો છે.
વર્તમાન સમયમાં ડોલર રૂપિયાની સામે મજબૂત બની ગયો છે. જાણકારો આશા સેવી રહ્યાં છે ડોલરની સામે રૂપિયો હજૂ વધારે નબળો બની શકે છે અને 62 રૂપિયાના આંકને પણ વટાવી શકે છે. જ્યારે ડોલરની સામે રૂપિયો 57ની સપાટીએ પહોંચ્યો હતો ત્યારે ચરોતરના નડિયાદ અને આણંદ શહેરમાં મૂડીબજાર ધમધમાટ બની જવા પામ્યા હતા. અને હજૂ રૂપિયો નબળો પડશે તો વધારે ધમધમાટ જોવા મળશે તેવી આશા જાણકારો સેવી રહ્યાં છે. ચરોતરના મુખ્ય શહેર નડિયાદ અને આણંદમાં આવેલ મની ચેન્જર, મની ટ્રાન્સફરની ઓફિસો અને બેન્કોમાં લોકોની અવર-જવર વધી જવા પામી છે.
આ ઉપરાંત ડોલરને વટાવીને રૂપિયાનું રોકાણ મોટેભાગે થાપણોમાં કરવામાં આવી રહ્યું છે. જ્યારે શેર માર્કેટ અને રીયલ એસ્ટેટને ચરોતરમાં વધી રહેલા રૂપિયાનો લાભ મળી રહ્યો છે. ચરોતરને એનઆરઆઈ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ચરોતરમાં ડોલરને રૂપિયામાં ટ્રાન્સફર કરવા માટે લોકો નવેમ્બર અને ડિસેમ્બર મહિનો વધુ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે મે-જૂન મહિનામાં ડોલરની સામે રૂપિયો વધારે પડતો નબળો પડી જતાં મે મહિનાથી ડોલરની મજબૂતાઈનો લાભ લેવામાં આવી રહ્યો છે.
ચરોતરમાંથી મોટેભાગે લોકો યુ.એસમાં સ્થાયી થયાં છે અને ત્યાં સ્થાયી થયેલા ચરોતરવાસીઓ દિવાળી સમયે આવે છે. અને તે સમય દરમ્યાન ડોલરને વટાવામાં આવે છે, પરંતુ આ વર્ષે જેમ જેમ ડોલર મજબૂત બની રહ્યો તેમ તેમ વધારાનો લાભ લેવાનું શરૂ થઈ જવા પામ્યું છે. વર્ષ 2011માં ઓગસ્ટની ડોલરનો ભાવ 46 રૂપિયાથી વધવાનો શરૂ થયો હતો અને ત્રણ મહિનામાં 52ની સપાટીએ પહોંચ્યો હતો. તે વખતે માત્ર ત્રણ મહિના જેટલા સમયગાળામાં ચરોતરવાસીને 19 ટકા જેટલો નફો મેળ્યો હતો. તે વર્ષે જે ધમધમાટ જોવા મળ્યો હતો. તેના કરતા પણ વધારે ધમધમાટ છેલ્લા પંદર દિવસથી ચરોતરના મૂડીબજારમાં જોવા મળી રહ્યો છે.
રાકેશ પંચાલ


